Balaghat Food Poisoning Incident: મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં મડઈ મેળા દરમિયાન ફૂડ પોઇઝનિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિરી ગામમાં શનિવારે રાત્રે ‘હર્ષિત ફાસ્ટ ફૂડ’ નામના સ્ટોલ પરથી ચાઉમીન અને મંચુરિયન ખાધા બાદ 118 બાળકોની તબિયત લથડી હતી. તમામને તાત્કાલિક કિરનાપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ 45 બાળકો અને 12 પુખ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 61 બાળકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
રાત્રે એક વાગ્યા બાદ હોસ્પિટલમાં મચી અફરાતફરી
ચાઉમીન અને મંચુરિયન ખાધા બાદ બાળકોની તબિયત અચાનક બગડતાં મેળામાં દોડધામ મચી ગઈ હતી. તમામ બીમાર બાળકોને કિરનાપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 45 બાળકો અને 12 પુખ્તોને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. રાત્રે એક વાગ્યા બાદ જિલ્લા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, તબીબી ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.
45 બાળકો અને 12 પુખ્તોની સારવાર ચાલુ
CMHO ડૉ. શત્રુઘ્ન સિંહ દાહિયાએ જણાવ્યું હતું કે તમામ દર્દીઓ હાલ ખતરાની બહાર છે અને તેમની તબિયત સ્થિર છે. જિલ્લા હોસ્પિટલના બાળ વિભાગમાં 45 બાળકો અને મેડિકલ વિભાગમાં 12 પુખ્તોની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોની ટીમ તમામ દર્દીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. રવિવારે સવારે જિલ્લા કલેક્ટર આદિત્ય સિંહ અને SP મલય જૈન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે બીમાર બાળકો અને તેમના પરિવારજનોની મુલાકાત લઈને સારવાર તથા સ્વાસ્થ્યની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
ફૂડ સ્ટોલમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા
ઘટના બાદ ખાદ્ય સુરક્ષા વિભાગે તપાસ શરૂ કરી છે. ફૂડ સેફ્ટી અધિકારી યોગેશ ડોંગરેએ જણાવ્યું હતું કે કિરનાપુર પોલીસે કાંદ્રીકલાંના રહેવાસી અને સ્ટોલ સંચાલક ચંદ્રકુમાર ભોંગાડેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો છે. ખાદ્ય વિભાગની ટીમે સ્ટોલમાંથી નૂડલ્સ, ચાઉમીન, તેલ, મરચાં-મસાલા અને સોસ સહિતની ખાદ્ય સામગ્રીના સેમ્પલ એકત્ર કર્યા છે. આ તમામ નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસના રિપોર્ટ બાદ જ ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
12 વર્ષથી મેળા અને બજારોમાં લગાવતો હતો સ્ટોલ
તપાસમાં સામે આવ્યું છે કે સ્ટોલ સંચાલક ચંદ્રકુમાર ભોંગાડે છેલ્લા લગભગ 12 વર્ષથી ‘હર્ષિત ફાસ્ટ ફૂડ’ના નામે મેળા અને બજારોમાં સ્ટોલ લગાવીને ચાઉમીન અને નૂડલ્સ વેચતો હતો. જોકે, તેની પાસે ફૂડ લાઇસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે. હવે ખાદ્ય સામગ્રીના સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ અને પોલીસ તપાસ પર સૌની નજર છે. મેળામાં ફાસ્ટફૂડ ખાધા બાદ એકસાથે આટલી મોટી સંખ્યામાં બાળકો બીમાર પડતાં ખાદ્ય સુરક્ષા અને સ્ટોલ સંચાલકોની જવાબદારી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.








