Lionel Messi India Tour 2025: આર્જેન્ટિનાના વિશ્વવિખ્યાત ફૂટબોલર અને દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસ્સી 14 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર ભારત પ્રવાસે આવ્યો છે. મેસ્સીની સાથે ઉરુગ્વેના સ્ટાર ફૂટબોલર લુઇસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફીલ્ડર રોડ્રિગો ડી પોલ પણ ભારત આવ્યા છે. ફૂટબોલ જગતના આ ત્રણેય સ્ટાર ખેલાડીઓ મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમના આગમનથી ભારતીય ચાહકોમાં જબરદસ્ત રોમાંચ છવાયો છે.
70 ફૂટ ઊંચા પોતાના સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું
કોલકાતા પહોંચ્યા બાદ મેસ્સીએ આજે સવારે 11 વાગ્યે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેણે 70 ફૂટ ઊંચા પોતાના સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ ભવ્ય ઉદ્ઘાટન દરમિયાન બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ વર્ચ્યુઅલ માધ્યમથી સામેલ થયા હતા. મેસ્સી માટે આટલી મોટી પ્રતિમાનું નિર્માણ ભારતમાં ફૂટબોલ પ્રત્યેના તેના ક્રેઝ અને ચાહકોના પ્રેમનું પ્રતીક છે.
ફેન્સે સ્ટેડિયમમાં હોબાળો મચાવ્યો
સ્ટેચ્યુના ઉદ્ઘાટન બાદ મેસ્સી કોલકાતાના જ જાણીતા સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યો હતો, પરંતુ ત્યાં એક ગંભીર વિવાદ સર્જાયો હતો. મેસ્સી સ્ટેડિયમમાં વધારે સમય રોકાયા વગર વહેલા નીકળી જતાં નિરાશ અને નારાજ ફેન્સે હોબાળો મચાવ્યો હતો. ઉત્સાહમાં આવેલા ચાહકોએ મેસ્સીના કાફલા પર બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું હતું, એટલું જ નહીં સ્ટેડિયમમાં પણ તોડફોડ કરી હતી.
સ્ટેડિયમમાં ગેરવર્તણૂકનું દ્રશ્ય
મેસ્સી જેવા દિગ્ગજ ખેલાડીના પ્રવાસ દરમિયાન ચાહકો દ્વારા કરવામાં આવેલી આ ગેરવર્તણૂક એશિયન ફૂટબોલની આસ્થાને ઠેસ પહોંચાડનારી ઘટના છે. મેસ્સી વહેલા નીકળી જવાથી નારાજ ચાહકોએ જે પ્રકારનો રોષ વ્યક્ત કર્યો, તેનાથી ભારતીય ફૂટબોલની છબિ ખરડાઈ છે. આ ઘટના મેસ્સીના ભારત પ્રવાસ પર એક અણગમતો પડછાયો નાખી ગઈ છે.
પીએમ મોદીને પણ મેસ્સી મળશે
મેસ્સી 15 ડિસેમ્બર સુધી 3 દિવસમાં 4 શહેરોનો પ્રવાસ કરશે. આમાં હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હી પણ સામેલ છે. તે કોલકાતામાં જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મળશે. આ દરમિયાન તેને મુંબઈમાં સચિન તેંડુલકરને પણ મળવાનું છે. 15 ડિસેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની સાથે જ તેમનો પ્રવાસ સમાપ્ત થશે.








