Ladakh Land ownership: લદ્દાખના ઇતિહાસમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ 60,000 એકરથી વધુ સરકારી પડતર જમીન પર સ્થાનિકોને માલિકી હક આપવાનો માર્ગ મોકળો કર્યો છે. શુક્રવારે લદ્દાખ પ્રશાસનની ‘લદ્દાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદ સરકારી પડતર જમીન નિયમિતિકરણ નિયમો, 2026’ને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી વર્ષોથી પેન્ડિંગ રહેલી નોતોર જમીનના નિયમિતિકરણની પ્રક્રિયા આગળ વધશે અને પાત્ર જમીનધારકોને કાયદેસર માલિકી હકો મળી શકશે.
જમીનધારકો તેનો સંપૂર્ણ આર્થિક લાભ મેળવી શકતા નહોતા
વર્ષો પહેલાં લદ્દાખમાં સરકારની માલિકીની હજારો એકર પડતર જમીન લોકોને ખેતી માટે ફાળવવામાં આવી હતી, પરંતુ સ્પષ્ટ કાનૂની વ્યવસ્થાના અભાવે જમીનધારકો તેનો સંપૂર્ણ આર્થિક લાભ મેળવી શકતા નહોતા. નવા નિયમોનો હેતુ નોતોર જમીનના નિયમિતિકરણમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે. નિયમો મુજબ પાત્ર નાગરિકોને મહત્તમ 10 એકર સુધીની નોતોર જમીન પર કાયમી માલિકી હક આપવામાં આવશે, જ્યારે 10 એકરથી વધુ જમીન લીઝહોલ્ડ આધારિત રહેશે.
જમીનના ઉપયોગમાં ફેરફાર કરવાની પણ જોગવાઈ
નિયમિત કરાયેલી જમીનનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે જમીનધારકો હવે બેંકો પાસેથી કૃષિ અને વિકાસ માટે લોન મેળવી શકશે. સાથે જ મંજૂર પ્રક્રિયા હેઠળ જમીનના ઉપયોગમાં ફેરફાર કરવાની પણ જોગવાઈ રહેશે. 27 ઓક્ટોબર 2020 પહેલાં નોતોર જમીન પર કબજો ધરાવતા પાત્ર લોકોને વન-ટાઇમ રેગ્યુલરાઇઝેશનની વિશેષ જોગવાઈ મળશે. લદ્દાખના તમામ સાત જિલ્લાઓમાં જમીનની ફાળવણી અને નિયમિતિકરણની સત્તા સંબંધિત લદ્દાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદોને આપવામાં આવશે.
હિતધારકો પોતાના સૂચનો તથા વાંધાઓ રજૂ કરી શકે
નિયમોની અંતિમ સૂચના પહેલાં તેને બે અઠવાડિયા માટે જાહેર પરામર્શ માટે મૂકવામાં આવશે, જેથી સ્થાનિક લોકો અને હિતધારકો પોતાના સૂચનો તથા વાંધાઓ રજૂ કરી શકે. ઉપરાજ્યપાલે આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ઇઝ ઓફ લિવિંગ’ના વિઝન તથા વહીવટી પ્રક્રિયાઓના સરળીકરણ સાથે જોડ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, નવી વ્યવસ્થાથી નોતોર જમીનધારકોને કાનૂની નિશ્ચિતતા મળશે અને વર્ષોથી ઉપયોગમાં લેવાતી જમીન વાસ્તવિક આર્થિક સંપત્તિમાં પરિવર્તિત થઈને લદ્દાખના સર્વસમાવેશી વિકાસને વેગ આપશે.








