Kuwait refinery drone attack: કુવૈતની મીના અલ-અહમદી રિફાઇનરી પર શુક્રવારે સવારે ડ્રોન હુમલો થયો, જેના કારણે અનેક યુનિટોમાં આગ લાગી ગઈ છે. કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશને જણાવ્યું કે, કોઈ જાનહાનિ થઈ નથી અને ઇમરજન્સી ટીમો સ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યરત છે.
કુવૈતની તેલ રિફાઇનરી પર ડ્રોન હુમલો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ ઓછો થવાને બદલે સતત વધી રહ્યો છે. આ સંઘર્ષમાં સૌથી વધુ અસર ખાડી દેશો પર પડી રહી છે. શુક્રવારે સવારે કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશને જણાવ્યું કે, "આજે સવારે મીના અલ-અહમદી રિફાઇનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જેના કારણે અનેક યુનિટોમાં આગ લાગી ગઈ."
જાનહાનિની કોઈ માહિતી નથી
કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું, "આજે સવારે મીના અલ-અહમદી રિફાઇનરી પર ડ્રોન હુમલો થયો, જેના કારણે અનેક યુનિટોમાં આગ લાગી અને સાવચેતીના ભાગરૂપે સંસ્થાના કેટલાક ભાગોને બંધ કરવા પડ્યા. કોઈ પણ વ્યક્તિને ઇજા થઈ હોવાની કોઈ માહિતી નથી અને ઇમરજન્સી ટીમો નક્કી કરાયેલા સુરક્ષા ધોરણો અનુસાર સ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્ન કરી રહી છે."
ખાડી દેશો પર જોખમ
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે આખા ખાડી ક્ષેત્રની ઊર્જા સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે. આ પહેલા બુધવારે રાત્રે ઇઝરાયલે ઇરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો હતો, તેના જવાબમાં ઇરાને કતારના રાસ લફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી પર હુમલો કર્યો હતો. તે બાદ ગુરુવારે CNNએ જણાવ્યું કે એક ઇરાની બેલિસ્ટિક મિસાઇલએ ઉત્તર ઇઝરાયલમાં આવેલી મહત્વપૂર્ણ તેલ રિફાઇનરી કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો હતો. આ મિસાઇલે હાઇફા તેલ રિફાઇનરી કોમ્પ્લેક્સને નિશાન બનાવ્યું હતું.
હવે કોઈ સંયમ નહીં રાખીએ
તે જ સમયે, ઇરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ચેતવણી આપી છે કે, જો ઈરાની ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી નિશાન બનાવવામાં આવશે, તો હવે કોઈ સંયમ રાખવામાં નહીં આવે. અરાઘચીએ કહ્યું કે, ઇઝરાયલના હુમલાના જવાબમાં ઇરાને હજુ સુધી પોતાની શક્તિનો માત્ર નાનો ભાગ જ ઉપયોગ કર્યો છે.








