Kulgam Encounter News: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં લશ્કર-એ-તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી લતીફ અહેમદ ભટ સામે સુરક્ષા દળોનું ઓપરેશન સફળ રહ્યું છે. CRPFની ટીમ પર હુમલો કરનાર અને આતંકી ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ ગણાતા લતીફને એક મસ્જિદમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો. તેને આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેણે ઇનકાર કરીને ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. અંતે સુરક્ષા દળોએ તેને ઠાર કર્યો હતો.
આત્મસમર્પણ કરવાનું કહેતાં લતીફે શું જવાબ આપ્યો?
ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ વીડિયો કોલ મારફતે લતીફ અહેમદ ભટનો સંપર્ક કર્યો હતો. અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે તેને હથિયાર નીચે મૂકીને આત્મસમર્પણ કરવા સમજાવવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ તેને કહ્યું હતું કે, 'અમે તમારી સાથે છીએ, તમે આત્મસમર્પણ કરી દો.' જોકે, લતીફે જવાબ આપ્યો હતો કે, 'મુજે અલ્લાહ સે મિલના હૈ, મૈં બહુત ખુશ હું.' એટલે કે, 'મારે અલ્લાહને મળવું છે, હું ખૂબ ખુશ છું.' આ જવાબ આપ્યા બાદ પણ તેણે આત્મસમર્પણ કર્યું નહોતું અને સુરક્ષા દળો પર ફાયરિંગ ચાલુ રાખ્યું હતું.
અમિત શાહે સુરક્ષા દળોની કામગીરીને બિરદાવી
આ ઓપરેશન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જમ્મુ-કાશ્મીર પોલીસ (JKP), ભારતીય સેના, CRPF અને ગુપ્તચર એજન્સીઓ વચ્ચેના સંકલનની પ્રશંસા કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓના શાનદાર સંકલનથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદી લતીફ ભટને ખાસ ઓપરેશનમાં ઠાર કરવામાં આવ્યો છે. તેમણે આ કામગીરીમાં સામેલ સુરક્ષા કર્મીઓની પ્રશંસા કરી હતી.
લતીફ ભટ પર હતું 15 લાખ રૂપિયાનું ઈનામ
લતીફ અહેમદ ભટ ગયા વર્ષના નવેમ્બર મહિનામાં આતંકવાદી સંગઠનમાં જોડાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. તેના પર સુરક્ષા એજન્સીઓ દ્વારા 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ-12 પાસ લતીફે કોલેજમાં પ્રવેશ પણ મેળવ્યો હતો. ત્યારબાદ તે થોડા સમય સુધી પ્લમ્બર તરીકે કામ કરતો હતો. જોકે, બાદમાં તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થયો હતો.
પોલીસકર્મી અને બે શ્રમિકોની હત્યામાં હતો સામેલ
લતીફ પર આ વર્ષે જુલાઈ મહિનામાં અનંતનાગના લાલચોક વિસ્તારમાં એક પોલીસ કર્મચારીની હત્યા કરવાનો આરોપ હતો. આ ઉપરાંત છત્તીસગઢના બે શ્રમિકોની હત્યામાં પણ તેની સંડોવણી હોવાનું જણાવવામાં આવ્યું છે. CRPFની ટીમ પર હુમલા અને અન્ય આતંકી ઘટનાઓ સાથે જોડાયેલા લતીફના ઠાર થવાથી સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.








