Pakistan parliament Khawaja Asif statement: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે અમેરિકા પર આરોપ લગાવ્યો કે, તેણે પોતાના વ્યૂહાત્મક ફાયદા માટે તેમના દેશનો ઉપયોગ કર્યો અને કામ પૂરુ થયા પછી તેમને 'ટોયલેટ પેપર' જેમ ફેંકી દીધા.
ટોયલેટ પેપરના ટુકડા જેમ ફેંકી દીધા: ખ્વાજા આસિફ
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે અમેરિકા પર આરોપ મૂક્યો કે, તેણે પોતાના વ્યૂહાત્મક હિતો માટે તેમના દેશનો ઉપયોગ કર્યો અને હેતુ પૂર્ણ થયા પછી તેમને ટોયલેટ પેપરના ટુકડા જેમ ફેંકી દીધા. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં બોલતા આસિફે સ્વીકાર્યું કે, પાકિસ્તાન ઘણી વાર પોતાના આતંકવાદી ભૂતકાળનો ઇન્કાર કરે છે અને તેને અગાઉના તાનાશાહોની ભૂલ તરીકે રજૂ કરે છે. પાકિસ્તાની મંત્રીએ બે અફઘાન યુદ્ધોમાં ઇસ્લામાબાદની ભાગીદારીને પણ મોટી ભૂલ ગણાવી અને કહ્યું કે, આજે દેશ જે આતંકવાદનો સામનો કરી રહ્યો છે તે અગાઉના નિર્ણયોનું પરિણામ છે.
અમેરિકા સાથેની મિત્રતા વિશે ખ્વાજા આસિફે શું કહ્યું?
આસિફે 1999 પછી વોશિંગ્ટન સાથે પાકિસ્તાનના ફરીથી સંબંધો સુધારવાના મુદ્દે વાત કરી. ખાસ કરીને અફઘાન િસ્તાન મામલે દેશને ભારે નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે, "1999 પછી, ખાસ કરીને 11 સપ્ટેમ્બર 2001ના હુમલાઓ પછી, અમેરિકા સાથે ફરી જોડાવાની કિંમત ખૂબ જ ભારે પડી."
"પાકિસ્તાન લાંબા સમય સુધી આર્થિક સંકટનો સામનો કરતું રહ્યું"
તેમણે કહ્યું, "પાકિસ્તાન સાથે ટોયલેટ પેપરના ટુકડાથી પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું. અમને એક હેતુ માટે ઉપયોગમાં લેવાયા અને પછી ફેંકી દેવામાં આવ્યા." રક્ષા મંત્રીએ કહ્યું કે, "2001 પછી અમેરિકાના નેતૃત્વ હેઠળના અફઘાન યુદ્ધમાં ઇસ્લામાબાદે ફરી વોશિંગ્ટનનો સાથ આપ્યો અને આ સમય દરમિયાન તાલિબાનના વિરોધમાં ઊભું રહ્યું." તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે અમેરિકા આખરે આ વિસ્તાર છોડીને ગયું, ત્યારે પાકિસ્તાન લાંબા સમય સુધી હિંસા, કટ્ટરતા અને આર્થિક સંકટનો સામનો કરતું રહ્યું. આસિફે આ સરકારી દાવાને પણ પડકાર્યો કે, અફઘાન સંઘર્ષમાં પાકિસ્તાનની ભાગીદારી ધાર્મિક મજબૂરીને કારણે હતી.
'જિહાદના નામે પાકિસ્તાનીઓને મોકલવામાં આવ્યા'
તેમણે સ્વીકાર્યું કે, પાકિસ્તાનીઓને જિહાદના નામે લડવા માટે મોકલવામાં આવ્યા હતા અને તેને ભ્રમિત કરનાર અને ભારે નુકસાનકારક નિર્ણય ગણાવ્યો. તેમણે સંસદને જણાવ્યું કે, બે પૂર્વ સૈનિક તાનાશાહો (જિયા-ઉલ-હક અને પરવેજ મુશર્રફ) અફઘાનિસ્તાનની લડતમાં ઇસ્લામ માટે નહીં, પરંતુ એક મહાસત્તાને ખુશ કરવા માટે જોડાયા હતા. મંત્રીએ કહ્યું, "અમે અમારા ઇતિહાસને નકારી કાઢીએ છીએ અને પોતાની ભૂલો સ્વીકારતા નથી. આતંકવાદ ભૂતકાળમાં તાનાશાહોએ કરેલી ભૂલોનું પરિણામ છે. અમને જે નુકસાન થયું છે તેની ભરપાઈ ક્યારેય થઈ શકે તેમ નથી. પાકિસ્તાનની ભૂલોને હવે સુધારી શકાતી નથી."








