Kenya Pastor Cult Sentencing: પૂર્વ આફ્રિકાના દેશ કેન્યામાં ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવીને નિર્દોષ લોકોના જીવ લેનારા પાદરીને કોર્ટે 200 વર્ષની જેલની સજા ફટકારી છે. ગુડ ન્યૂઝ ઇન્ટરનેશનલ ચર્ચના સ્થાપક પાદરી પૌલ મેકેન્ઝી પર લોકોને ઈસુ ખ્રિસ્ત સાથે મુલાકાત કરાવવાના બહાને ઉપવાસ કરાવી મોતના મુખમાં ધકેલવાનો આરોપ હતો. આ કરૂણ ઘટનામાં 190થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જેમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે.
પાદરીએ ફેલાવ્યો વિશ્વના અંતનો ભય
કેન્યામાં પાદરી પૌલ મેકેન્ઝી અને તેના 25 સાથીદારોએ લોકોને એવો ભ્રમ ફેલાવ્યો હતો કે ઓગસ્ટ 2023 પહેલાં જ દુનિયાનો અંત આવી જશે. સ્વર્ગમાં જવું હોય તો ઉપવાસ કરવો પડશે અને ભૂખ્યા રહેવાથી ભગવાન ઈસુ ખ્રિસ્તનાં દર્શન થશે, એવી વાતો કહીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. અંધશ્રદ્ધાના પ્રભાવ હેઠળ અનેક લોકોએ લાંબા સમય સુધી ખાવાનું છોડી દીધું હતું. પાદરી અને તેના સાથીદારોએ આ રીતે લોકોને મોત તરફ ધકેલ્યા હોવાનો કેસ સામે આવ્યો હતો.
સૌથી વધુ બાળકો બન્યાં શિકાર
આ સમગ્ર ઘટનામાં સૌથી પહેલાં બાળકોને લાંબા સમય સુધી ભૂખ્યા રાખવામાં આવ્યાં હતાં. ત્યારબાદ યુવાનો અને મહિલાઓને પણ ઉપવાસના નામે મોતના મુખમાં ધકેલવામાં આવ્યા હતા. કેસમાં મૃત્યુ પામેલા બાળકોની ઉંમર અંગેના આંકડા ચોંકાવનારા છે. 161 પીડિતોની ઉંમર આશરે 9 વર્ષની હતી, જ્યારે 22 બાળકો 10થી 13 વર્ષની વયજૂથમાં હતાં. પાંચ બાળકોની ઉંમર 14થી 16 વર્ષની વચ્ચે હતી. આ ઉપરાંત અનેક બાળકો હજુ પણ ગુમ હોવાનું સામે આવ્યું છે.
કોર્ટે પાદરીને ફટકારી 200 વર્ષની સજા
કેન્યાના મોમ્બાસાની હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન મહિલા જજ ડાયના કાવેદઝાએ કડક વલણ અપનાવ્યું હતું. મૃત્યુ બાદ ઈસુ ખ્રિસ્ત સાથે મુલાકાત થશે તેવા ભ્રમથી અન્ય લોકો પ્રભાવિત ન થાય તે હેતુથી કોર્ટે આકરી સજા ફટકારી હતી. અદાલતે પાદરી પૌલ મેકેન્ઝી અને તેના સાથીદારોને હત્યા, માનવવધ સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં પાદરીને 200 વર્ષની લાંબી જેલની સજા ફટકારવામાં આવી છે. ધર્મ અને શ્રદ્ધાના નામે ફેલાવવામાં આવેલી અંધશ્રદ્ધાએ નિર્દોષ બાળકો સહિત અનેક લોકોનો ભોગ લીધો હોવાની આ ઘટના કેન્યામાં ચર્ચાનો વિષય બની છે.








