Surya Kant controversies: હરિયાણાના નાનકડા ગામ પેટવાડમાં ઉછરેલો એક છોકરો આજે ભારતનો 53મો મુખ્ય ન્યાયાધીશ બનવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કેવી હતી તેમની હિસારના ગામથી સુપ્રીમ કોર્ટ સુધીની આ અદભૂત સફર.
હરિયાણાના હિસારના દુબળા કિશોરની કથા
દેશની રાજધાનીથી લગભગ 136 કિમી દૂર હરિયાણાના હિસાર જિલ્લાના પેટવાડ ગામમાં એક તપતી બપોરે પાકની લણણીનું કામ ચાલી રહ્યું હતું. તડકામાં પસીનાથી ભીંજાઈ ગયેલો, દુબળો કિશોર પોતાના ભાઈઓ સાથે મશગૂલ હતો. એકાએક તેણે મશીન બંધ કરી, આકાશ તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું કે, "હું મારી કિસ્મત બદલી નાખીશ." તે વખતે તે માત્ર મેટ્રિક પાસ કરેલો એક સામાન્ય છોકરો હતો. તેણે ખ્યાલ પણ ન હતો કે, સરકારી શાળામાં બોરી પર બેસીને ભણતો એ જ છોકરો એક દિવસ ન્યાયની ઓળખ બની દેશના લોકોને ન્યાય અપાવશે. એ છોકરાનું નામ હતું સુર્યકાંત, જે આજે 53માં CJI તરીકે શપથ લેશે. જસ્ટિસ સુર્યકાંત 24 નવેમ્બર 2025થી 9 ફેબ્રુઆરી 2027 સુધી લગભગ 15 મહિના સુધી સર્વોચ્ચ અદાલતનું નેતૃત્વ કરશે.
શરૂઆત કેવી રીતે થઈ?
જસ્ટિસ સુર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી 1962એ હિસાર જિલ્લાના નાનકડા પેટવાડ (નારનૌંદ) ગામે થયો હતો. તેમના પિતા મદનગોપાલ શાસ્ત્રી સંસ્કૃતના શિક્ષક અને માતા શશિદેવી ગૃહિણિ હતાં. તેઓ પાંચ ભાઈ-બહેનમાં સૌથી નાના હતા. તેમના ભાઈ બહેનોમાં ત્રણ ભાઈ, ઋષિકાંત (નિવૃત્ત શિક્ષક), શિવકાંત (ડોક્ટર), દેવકાંત (નિવૃત્ત ITI ઈન્સ્ટ્રક્ટર) અને એક બહેન—કમલા દેવી છે. પિતા ઈચ્છતા હતા કે તેઓ LLM કરે, પરંતુ જસ્ટિસ કાંતે તેમને કહ્યું કે, તેઓ LLB પછી સીધી વકીલાત શરૂ કરવા માંગે છે.
મહત્વપૂર્ણ કેસોમાં ભૂમિકા
ચૂંટણી આયોગને બિહારની ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી દૂર કરાયેલા 65 લાખ મતદારોની માહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.
તે સંવિધાન પીઠના સભ્ય હતા, જેણે આર્ટિકલ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
OROPને સંવિધાનિક રીતે માન્ય ગણાવ્યું અને સશસ્ત્ર દળોમાં મહિલાઓ માટે સમાન તકને સમર્થન આપ્યું.
તેઓ તે પીઠમાં પણ હતાં જેણે આસામની નાગરિકતા સંબંધિત ધારા 6Aની માન્યતા યથાવત રાખી હતી.
દિલ્હી દારૂ નીતિ કેજરીવાલ કેસમાં જામીન આપનારી પીઠના સભ્ય હતા, છતાં તેમણે કેજરીવાલની ધરપકડ યોગ્ય ગણાવી હતી.
પરિવાર
જસ્ટિસ સુર્યકાંતના લગ્ન 1980માં સવિતા શર્મા સાથે થયા હતા.તેઓ લેક્ચરર હતા, ત્યારબાદ કોલેજ પ્રિન્સિપલ તરીકે નિવૃત્ત થયા. તેમની બે દીકરીઓ છે,જે પિતાની જેમ કાયદામાં માસ્ટર ડિગ્રી કરી રહી છે.
કાનૂની સફર
જસ્ટિસ સુર્યકાંતે 1984માં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતકમાંથી LLB કર્યું અને તે જ વર્ષે હિસાર જિલ્લા કોર્ટમાં વકીલાત શરૂ કરી. એક વર્ષ બાદ 1985માં તેઓ ચંદીગઢ ગયા અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. જસ્ટિસ બન્યા બાદ પણ તેઓએ 2011માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીના ડિસ્ટન્સ એજ્યુકેશનથી LLM કર્યું.
સૌથી યુવા એડવોકેટ જનરલ
38 વર્ષની ઉંમરે, 7 જુલાઈ 2000ના રોજ, તેઓ હરિયાણાના સૌથી યુવા એડવોકેટ જનરલ બન્યા. ત્યારબાદ સિનિયર એડવોકેટ બન્યા અને 2004માં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જજ બન્યા અને 14 વર્ષ સેવા આપી.ઓક્ટોબર 2018માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને 24 મે 2019એ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા.
કવિ તરીકેની સફર
જસ્ટિસ કાંત ઉત્તમ કવિ પણ છે.કોલેજના સમયની તેમની એક લોકપ્રિય કવિતા "મેઢ પર મિટ્ટી ચઢા દો" ખૂબ જાણીતી બની હતી. તેમને પર્યાવરણ પ્રત્યે ખૂબ પ્રેમ છે.પોતાના ગામના તળાવના જીર્ણોદ્ધાર માટે તેમણે ખાનગી દાન આપ્યું અને આજુબાજુ વૃક્ષારોપણ પણ કરાવ્યું. તેમને ખેતીનો પણ શોખ છે. જસ્ટિસ સુર્યકાંત પત્રકારિતાના ક્ષેત્રના શિષ્ય છે. તેઓ કોઈ પણ મુદ્દાની વિગતોને પત્રકારની જેમ શોધવાનું પસંદ કરે છે. તેઓ પોતાને હૃદયથી પત્રકાર કહે છે. તેમણે "Administrative Geography of India" નામની એક બુક પણ લખી છે.જે 1988માં પ્રકાશિત થઈ હતી.
હંમેશા ચર્ચામાં રહ્યા છે સુર્યકાંત
હિમાચલ હાઈકોર્ટમાં તેમના વિરુદ્ધ ગંભીર ગેરવર્તણૂકના આરોપો લગાવવામાં આવ્યા હતા. 2012માં એક રિયલ એસ્ટેટ એજન્ટે કરોડો રૂપિયાના સોદામાં સંડોવણીના આરોપો લગાવ્યા અને 2017માં પંજાબના એક કેદીએ કહ્યું કે, જામીન આપવા માટે લાંચ લેવામાં આવી છે. જોકે આ તમામ આરોપો સાબિત ન થઈ શક્યા.








