Jordan church firing: જોર્ડનના કરાક શહેરમાં આવેલા એક ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં શુક્રવારે અંતિમ સંસ્કાર દરમિયાન બે અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે આશરે 10 લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
વાહનમાંથી ઉતરીને કર્યો ગોળીબાર
અહેવાલો અનુસાર, જોર્ડનની અલ-મમલકા ટીવી ચેનલે જણાવ્યું હતું કે બંને હુમલાખોરો વાહનમાંથી બહાર આવ્યા બાદ ચર્ચમાં ગોળીબાર કરવા લાગ્યા હતા. તેઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટે તે પહેલાં લગભગ પાંચ મિનિટ સુધી સતત ફાયરિંગ કરતા રહ્યા હતા.
એક હુમલાખોર પાસે AK-47 રાઇફલ હોવાનો દાવો
એક પ્રત્યક્ષદર્શીએ સરકારી અલ-મમલકા ટેલિવિઝનને જણાવ્યું હતું કે હુમલાખોરોમાંથી એક પાસે AK-47 રાઇફલ હતી. અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક થયેલા ગોળીબારથી ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
અમ્માનથી 180 કિલોમીટર દૂર કરાકમાં ઘટના
આ હુમલો જોર્ડનની રાજધાની અમ્માનથી આશરે 180 કિલોમીટર દક્ષિણમાં આવેલા કરાક શહેરના એક ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં થયો હતો. ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અને ઘાયલો અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. હુમલાખોરોનો હેતુ અને ઘટનાની પાછળનું કારણ અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ થાય ત્યાર બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.








