Japan Central Bank Raises Interest Rates to 31-Year High: વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રોમાં ગણાતા જાપાનમાં એક મોટો આર્થિક વળાંક જોવા મળ્યો છે. જે દેશ છેલ્લા ત્રણ દાયકાથી મંદી અને સતત ઘટતા ભાવો સામે ઝઝૂમી રહ્યો હતો, ત્યાં હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. બૅન્ક ઓફ જાપાને (BOJ) તાજેતરમાં પોતાના મુખ્ય ધિરાણ દરમાં વધારો કરીને તેને 1% થી વધારીને 1.25% સુધી પહોંચાડી દીધો છે. આ દર વર્ષ 1995 પછીનો એટલે કે છેલ્લા 31 વર્ષનો સૌથી ઊંચો સ્તર છે. આ પગલા સાથે જ જાપાને પોતાની દાયકાઓ જૂની 'ઈઝી મની પોલિસી' એટલે કે અત્યંત સસ્તા વ્યાજદરની નીતિનો સંપૂર્ણપણે અંત આણ્યો છે.
વધતી મોંઘવારી અને ચલણ યેનનું સતત ધોવાણ
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વધતી મોંઘવારી અને દેશનું નબળું પડતું ચલણ 'યેન' છે. ઓગસ્ટ મહિનામાં જાપાનીઝ યેન ગગડીને છેલ્લા 40 વર્ષના તળિયે પહોંચી ગયો હતો. કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક જ્યારે વ્યાજદર વધારે છે, ત્યારે વિદેશી રોકાણકારો માટે તે દેશમાં રોકાણ કરવું વધુ આકર્ષક બને છે, જેનાથી સ્થાનિક ચલણને મજબૂતી મળે છે. જાપાનમાં ફુગાવાનો દર પણ બેંક ઓફ જાપાનના 2%ના લક્ષ્યાંકની આસપાસ પહોંચી ગયો છે. સામાન્ય દેશો માટે 2% મોંઘવારી સામાન્ય ગણાય, પરંતુ જાપાન માટે આ અસામાન્ય બાબત છે કારણ કે અહીં લોકો વર્ષોથી શૂન્ય ટકા મોંઘવારી જોવા ટેવાયેલા છે.
ઈરાન કટોકટી અને વૈશ્વિક ઊર્જાના વધતા ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ઊભી થયેલી તંગદિલીએ વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું છે. ખાસ કરીને શિપિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માર્ગ પર માલવાહક જહાજો ખોરવાઈ જતાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવો આસમાને પહોંચી ગયા છે. જાપાન પોતાની ઊર્જા જરૂરિયાતો માટે લગભગ સંપૂર્ણપણે વિદેશી આયાત પર નિર્ભર છે. પરિણામે, વૈશ્વિક ઊર્જા સંકટની સીધી અસર જાપાનના સ્થાનિક બજાર અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે.
અમેરિકા અને યુરોપની સેન્ટ્રલ બેંકો સાથે કદમ મિલાવવાની મજબૂરી
મોંઘવારીનો આ રાક્ષસ માત્ર જાપાન પૂરતો સીમિત નથી પણ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી રહ્યો છે. હાલમાં જ યુએસ ફેડરલ રિઝર્વે પણ પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે અને યુરોપિયન સેન્ટ્રલ બેંકે પણ ધિરાણ ખર્ચ વધારી દીધો છે. જાપાન પણ આ વૈશ્વિક ટ્રેન્ડથી અલગ રહી શક્યું નથી. છેલ્લા અઢી વર્ષના ગાળામાં સેન્ટ્રલ બેંક ઓફ જાપાને આ 6ઠ્ઠી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. વર્ષ 2024ની શરૂઆતમાં જ્યાં વ્યાજદર નેગેટિવ (માઈનસ 0.1%) હતા, ત્યાંથી શરૂ કરીને આજે દર 1.25% સુધી પહોંચી ગયા છે.
યેનને બચાવવા માટે ટોક્યો અને વોશિંગ્ટનનું સંયુક્ત ઓપરેશન
ચલણનું ધોવાણ અટકાવવા માટે જાપાનના નાણા મંત્રાલય અને યુએસ ટ્રેઝરી વિભાગે સંયુક્ત રીતે ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. વર્ષ 2011ના ભયાનક ભૂકંપ અને સુનામી બાદ પ્રથમ વખત બંને દેશોએ મળીને કરન્સી માર્કેટને સ્થિર કરવા માટે આટલું મોટું પગલું ભર્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે વ્યાજદરમાં વધારો કરવાથી યેન મજબૂત થશે, પરંતુ આ નિર્ણાયક પગલું જાપાનના સ્થાનિક ઉદ્યોગો અને વૈશ્વિક સ્તરે થતા રોકાણો પર કેવી અસર કરશે તે આવનારો સમય જ બતાવશે.








