Rajasthan Private Bus Strike: રાજસ્થાનની રાજધાની જયપુર સહિત સમગ્ર રાજ્યમાં ખાનગી બસ સંચાલકોની અનિશ્ચિત મુદતની હડતાળને કારણે પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યભરની આશરે 35,000 ખાનગી બસો રસ્તા પરથી ગાયબ રહેતા દરરોજના 15 થી 25 લાખ મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવતી કડક કાર્યવાહી અને દંડના વિરોધમાં બસ ઓપરેટરોએ આ આક્રમક વલણ અપનાવ્યું છે.
શા માટે ખાનગી બસ સંચાલકો આકરા પાણીએ?
ખાનગી બસ સંચાલક એસોસિએશનનો આરોપ છે કે પરિવહન વિભાગ દ્વારા તેમને બિનજરૂરી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. સામાન કેરિયર્સ, પરમિટના ભંગ અને ઓવરહેંગ્સના નામે મસમોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, અનેક બસોના આરસી (RC) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સંચાલકોની મુખ્ય માંગણી છે કે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ તેમને ટેક્સમાં રાહત આપવામાં આવે. ઓપરેટરોનું કહેવું છે કે બસોને વચ્ચે રસ્તા પર રોકી મુસાફરોને ઉતારી દેવાની કાર્યવાહી જનતા અને સંચાલકો બંને માટે અન્યાયી છે.
મુસાફરોની માઠી દશા
હડતાળની સૌથી વધુ અસર જયપુરના સિંધી કેમ્પ, ટ્રાન્સપોર્ટ નગર અને રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે, જ્યાં સામાન્ય રીતે હજારો મુસાફરોની અવરજવર હોય છે, પરંતુ અત્યારે આ સ્ટેન્ડ ખાલીખમ ભાસી રહ્યા છે. 23 થી 28 ફેબ્રુઆરી સુધીની તમામ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ રદ કરી દેવામાં આવી છે. જયપુર, સીકર, ઝુનઝુનુ અને ભીલવાડા જેવા જિલ્લાઓમાં હડતાળની વ્યાપક અસર છે, જોકે જોધપુર જેવા અમુક શહેરોમાં બસો આંશિક રીતે ચાલુ રહી છે.
વિપક્ષના સરકાર પર પ્રહાર
રાજ્યમાં સર્જાયેલી આ પરિવહન કટોકટી મુદ્દે વિપક્ષી નેતા ટીકારામ જુલીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "હોળીનો તહેવાર અને ખાટુ શ્યામજીનો મેળો નજીક છે, લાખો શ્રદ્ધાળુઓ અને મુસાફરો પરેશાન છે, પરંતુ સરકારને જનતાની કોઈ પરવા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ અજમેર આવી રહ્યા છે, તેથી સરકાર માત્ર દેખાડો કરવા માટે વડાપ્રધાનની મુલાકાત પહેલા ઉકેલ લાવશે, પણ અત્યારે લોકો જે ભોગવી રહ્યા છે તેનું શું?"
વાટાઘાટો ચાલુ પણ અનિર્ણાયક
બીજી તરફ, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને પરિવહન મંત્રી પ્રેમચંદ બૈરવાએ જણાવ્યું છે કે સરકાર સંચાલકો સાથે સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું, "અમે કેટલીક માંગણીઓ પર સંમતિ સાધી છે, પરંતુ મુસાફરોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં. વાટાઘાટો ચાલુ છે અને ટૂંક સમયમાં ઉકેલ આવશે." જોકે, મુખ્યમંત્રી કાર્યાલયમાં અખિલ અરોરાના નેતૃત્વમાં મળેલી બેઠક હજુ સુધી અનિર્ણાયક રહી છે.
ખાનગી બસ ઓપરેટર્સ એસોસિએશનની ચેતવણી
ખાનગી બસ ઓપરેટર્સ એસોસિએશનના પ્રમુખ સત્યનારાયણ સાહુએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર લેખિતમાં ખાતરી નહીં આપે, તો આ આંદોલન હજુ વધુ ઉગ્ર બનશે. હાલમાં મુસાફરો પાસે માત્ર સરકારી રોડવેઝ બસો અને રેલવેનો જ આશરો બચ્યો છે, જે વધારાના ભીડના કારણે અપૂરતા સાબિત થઈ રહ્યા છે.








