Saudi Arabia Houthi Attacks: સાઉદી અરેબિયા પર હૂથી બળવાખોરોના હુમલાઓ વચ્ચે મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ઈરાને પાકિસ્તાન અને તૂર્કિયે સહિતના દેશોને ચેતવણી આપી છે કે યમનના મામલે કોઈપણ પ્રકારની દખલગીરીનાં ગંભીર અને અણધાર્યાં પરિણામો આવી શકે છે. બીજી તરફ, સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચેના કહેવાતા ‘મક્કા સંરક્ષણ કરાર’ને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. આ કરાર હેઠળ એક સભ્ય દેશ પરનો હુમલો અન્ય સભ્ય દેશો પરના હુમલા સમાન ગણવાની જોગવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
‘પાકિસ્તાન કે તૂર્કિયે પણ સાઉદીને બચાવી નહીં શકે’
પાકિસ્તાન દ્વારા સાઉદી અરેબિયામાં હજારો સૈનિકો મોકલવાની શક્યતા અંગેના અહેવાલો વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ કહ્યું કે તેમણે આવી અફવાઓ સાંભળી છે અને આશા છે કે તે સાચી નહીં હોય. તેમણે યમનના મામલે સંરક્ષણ કરારનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદીય સમિતિના સભ્ય ઇબ્રાહિમ રેજાઈએ પણ જણાવ્યું હોવાનું અહેવાલમાં કહેવાયું છે કે આવા કરારો ઈરાનને રોકી શકશે નહીં. તેમના નિવેદનો અનુસાર, સાઉદી અરેબિયાએ પોતાની પ્રાદેશિક નીતિ અંગે ફરી વિચારવું જોઈએ.
ટ્રમ્પની શરત: ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે તેની ગેરંટી આપે
ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિને લઈને પણ મતભેદ યથાવત્ છે. અહેવાલ મુજબ, ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ સાત શરતો સાથેનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ શરતો સ્વીકારવામાં આવે તો સાત દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવાની ખાતરી આપવામાં આવી હોવાનો દાવો છે. જોકે, ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેજાઈના જણાવ્યા અનુસાર, અમેરિકાનો જવાબ અસ્પષ્ટ હોવાથી ઈરાને પ્રસ્તાવ ફગાવી દીધો હતો. બીજી તરફ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરત મૂકી છે કે ઈરાન ભવિષ્યમાં પરમાણુ હથિયાર નહીં બનાવે તેની ખાતરી આપે તો યુદ્ધનો અંત લાવવાનો માર્ગ ખૂલી શકે છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે સમજૂતી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
હોર્મુઝની ખાડી નજીક ટેન્કરમાં આગ, કાર્ગો જહાજ પર હુમલો
હોર્મુઝની ખાડી નજીક સમુદ્રી સુરક્ષાને લઈને પણ તણાવ વધ્યો છે. અહેવાલ મુજબ, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)એ દાવો કર્યો હતો કે ઓમાનના સમુદ્રી વિસ્તારમાં ‘NV Sunshine’ નામનું LPG સુપરટેન્કર માઇન્સની ચપેટમાં આવતાં તેમાં આગ લાગી હતી. ઈરાને આ ઘટના માટે અમેરિકન સેનાને જવાબદાર ઠેરવી છે. બીજી તરફ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ચેતવણીનું પાલન ન કરવા બદલ ઈરાનના બંદરેથી નીકળેલા પનામાના ધ્વજવાળા ‘Ocean Molika’ કાર્ગો જહાજ પર ફાઈટર જેટથી હુમલો કર્યાનો અહેવાલ છે. આ હુમલામાં જહાજની પ્રોપલ્શન સિસ્ટમને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અમેરિકન સૈન્યના નુકસાનના આંકડામાં વધારો
‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલને ટાંકીને જણાવાયું છે કે પેન્ટાગોને ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકન સૈનિકોની જાનહાનિ અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં સુધારો કર્યો છે. અહેવાલમાં દર્શાવેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં 21 અમેરિકન સૈનિકોનાં મોત થયાં છે, જ્યારે ઘાયલ સૈનિકોની સંખ્યા 865 થઈ છે. મધ્ય પૂર્વમાં વધતા સૈન્ય સંઘર્ષ, સમુદ્રી માર્ગો પરના હુમલાઓ અને સંરક્ષણ કરારોને લઈને સ્થિતિ વધુ જટિલ બની રહી છે. ઈરાન, અમેરિકા અને સાઉદી અરેબિયા સહિતના દેશોના આગામી પગલાંથી પ્રદેશની સુરક્ષા સ્થિતિ પર અસર પડી શકે છે.








