Middle East conflict oil supply: ઈરાન પર થયેલા હુમલા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે એશિયામાં ઊર્જા સંકટ ગંભીર બનતું જઈ રહ્યું છે. ફિલિપાઈન્સે ઊર્જા ઇમરજન્સી જાહેર કરી છે, જ્યારે દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને પાકિસ્તાન જેવા દેશોમાં WFH, સ્કૂલો બંધ અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પરિસ્થતિ ફરીથી કોરોના જેવી દેખાઈ રહી છે.
ઘણા દેશોમાં પરિસ્થિતિ કોરોના જેવી
મિડલ ઈસ્ટની જંગની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર જોવા મળી રહી છે. ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે એશિયામાં ઊર્જા સંકટ વધુ ગંભીર બની રહ્યું છે. તેલ અને ગેસની સપ્લાય પર ભારે અસર પડી છે, જેના કારણે ઘણા દેશોમાં પરિસ્થિતિ કોરોના જેવી લાગી રહી છે. ભારત પણ તેનાથી બચ્યું નથી, જ્યાં તેલ-ગેસ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ફિલિપાઈન્સ
સૌથી મોટું પગલું ફિલિપાઈન્સે લીધું છે. રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે રાષ્ટ્રીય ઊર્જા ઇમરજન્સી જાહેર કરી છે. સરકારનું કહેવું છે કે, દેશની ઊર્જા સપ્લાય પર "તાત્કાલિક જોખમ" છે. આ દરમિયાન એક ખાસ સમિતિ બનાવવામાં આવી છે જે ઈંધણ, ખોરાક અને દવાઓની સપ્લાય સુનિશ્ચિત કરશે. જથ્થાબંધ સંગ્રહ અને વધુ નફાખોરી પર કડક કાર્યવાહી થશે, જ્યારે વીજ ઉત્પાદન વધારવા માટે કોલસાના પ્લાન્ટને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયાએ દેશભરમાં ઊર્જા બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે લોકોને કોરોના સમય જેવી સાવચેતી રાખવા અપીલ કરી છે. સરકારે 12 કડક નિયમો જાહેર કર્યા છે, જેમ કે ઓછો સમય શાવર લેવો, રાત્રે ફોન અથવા ઈલેક્ટ્રિક વાહનો ચાર્જ ન કરવાં અને ટૂંકા અંતર માટે સાયકલનો ઉપયોગ કરવો.
વિયેતનામ
ઈંધણ સંકટની અસર એરલાઈન ક્ષેત્ર પર પણ પડી રહ્યો છે. વિયેતનામ એરલાઈન્સે 1 એપ્રિલથી 7 આંતરિક રૂટ્સ પર ઉડાનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. દર અઠવાડિયે 23 ફ્લાઈટ્સ રદ થશે. જેટ ઈંધણની અછત અને કિંમતોમાં ભારે વધારો થવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
થાઈલેન્ડ
થાઈલેન્ડમાં સરકારે ઊર્જા બચાવવા માટે કડક નિયમો લાગુ કર્યા છે. પ્રધાનમંત્રી અનુટિન ચર્ણવિરાકુલએ સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યું છે. ઓફિસોમાં એસીનું તાપમાન 26-27 ડિગ્રી રાખવું, લિફ્ટના બદલે સીડીઓનો ઉપયોગ કરવો અને વિદેશી પ્રવાસ પર રોક જેવા નિર્દેશો આપવામાં આવ્યા છે.
શ્રીલંકા
શ્રીલંકાએ પણ મોટો નિર્ણય લઈ 4 દિવસનો વર્ક-વીક લાગુ કર્યો છે. દર બુધવારે રજા આપવામાં આવે છે જેથી ઈંધણની બચત થાય. રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું છે કે તેનાથી 25% સુધી ઈંધણની બચત થઈ શકે છે.
પાકિસ્તાન
પાકિસ્તાનમાં પણ પરિસ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી શહબાઝ શરીફે 4 દિવસનો વર્ક વીક, સ્કૂલોને 2 અઠવાડિયા માટે બંધ કરવી અને 50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ જેવા નિર્ણયો લીધા છે.
હકીકતમાં, એશિયાના મોટાભાગના દેશો તેમના 70-80% તેલ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર આધારિત છે. તેથી તેનું બંધ થવું સીધું ઊર્જા સંકટ સર્જે છે. આ પરિસ્થિતિ કોરોના લોકડાઉનની યાદ અપાવે છે. ફરક માત્ર એટલો છે કે આ વખતે કારણ વાયરસ નથી, પરંતુ જંગ છે. જો જંગ લાંબી ચાલશે, તો આવનારા દિવસોમાં વધુ કડક નિયમો જોવા મળી શકે છે.








