Iran Ultimatum to US: મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકા સામે મોટું અલ્ટીમેટમ આપ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા તેની સાત શરતો સ્વીકારી લે તો વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને માત્ર 48 કલાકમાં ખોલી દેવામાં આવશે. જોકે, અમેરિકાએ હજુ સુધી આ શરતો અંગે કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી. બીજી તરફ ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના પર હુમલો કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
ઈરાન અને અમેરિકા વચ્ચે નિવેદનબાજી તેજ
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે હુમલાઓ કે આર્થિક દબાણ વધારવાથી યુદ્ધનો ઉકેલ આવી શકે તેમ નથી. જો અમેરિકા ખરેખર શાંતિ ઇચ્છે છે તો તેણે ઈરાનની માંગણીઓ પર ચર્ચા કરવી પડશે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સમજૂતીની આશા વ્યક્ત કરી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે સમજૂતીની પ્રક્રિયા સારી દિશામાં આગળ વધી રહી છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જરૂર પડશે તો અમેરિકી સેના હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
અમેરિકાની સાથે વાતચીત ચાલી રહી હોવાનો ઈરાનનો ઇનકાર
ઈરાનના સુરક્ષા પ્રમુખ મોહસિન રેઝાઈએ સાત શરતો અંગે અમેરિકાના જવાબની રાહ જોવાઈ રહી હોવાનું જણાવ્યું છે. તેમણે અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીત ચાલી રહી હોવાની વાતને નકારી કાઢી છે. રેઝાઈના જણાવ્યા અનુસાર, અમેરિકા સાથે વાતચીત ચાલુ હોવાના અને કતારમાં બેઠક યોજાવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે અમેરિકા વાતચીતના સમાચાર ફેલાવીને આર્થિક દબાણ ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા તેની સાતેય શરતો સ્વીકારશે નહીં ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે નહીં. અમેરિકાનો અગાઉનો જવાબ પણ પૂરતો નહોતો અને તેમાં સચ્ચાઈનો અભાવ હતો. તેથી ઈરાન હજુ પણ અમેરિકાના સ્પષ્ટ અને સીધા જવાબની રાહ જોઈ રહ્યું છે.
યુરોપમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને પણ હુમલાની ચેતવણી
મોહસિન રેઝાઈએ અમેરિકાને વધુ એક ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો અમેરિકાનાં વિમાનો કોઈપણ અમેરિકી સૈન્ય મથક પરથી ઉડાન ભરીને ઈરાન પર બોમ્બમારો કરશે તો ઈરાન તે મથકને પણ નિશાન બનાવશે. આ મથક યુરોપમાં હોય કે અન્ય કોઈ દૂરના વિસ્તારમાં, ઈરાન તેના પર હુમલો કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
શું છે ઈરાનની મુખ્ય શરતો?
ઈરાને પોતાની તમામ સાત શરતો સત્તાવાર રીતે જાહેર કરી નથી. જોકે, સામે આવેલી વિગતો મુજબ તેની મુખ્ય માંગણીઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
સમગ્ર મિડલ ઈસ્ટ વિસ્તારમાં ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક બંધ કરવામાં આવે.
વિશ્વની અલગ-અલગ બેંકોમાં જમા ઈરાનનાં ફ્રીઝ થયેલાં નાણાં પરત કરવામાં આવે.
ઈરાનના ક્રૂડ ઓઈલ પર લગાવવામાં આવેલા અમેરિકી પ્રતિબંધો હટાવવામાં આવે.
ઈરાનનાં બંદરો પર અમેરિકાએ લગાવેલા પ્રતિબંધો સંપૂર્ણપણે દૂર કરવામાં આવે.
આ ઉપરાંત બાકીની ત્રણ શરતો અંગેની વિગતો હજુ સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવી નથી.
હોર્મુઝ સ્ટ્રેટ પર સમગ્ર વિશ્વની નજર
હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પરિવહન માટે અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે. અહીં સર્જાતી કોઈપણ અડચણની અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ સપ્લાય અને ઊર્જા બજાર પર પડી શકે છે. આવી સ્થિતિમાં ઈરાનનું 48 કલાકમાં માર્ગ ખોલવાનું નિવેદન અને અમેરિકાનો સંભવિત જવાબ સમગ્ર વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે.








