Khamenei Calls Trump Criminal: ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ભયાનક રાજકીય અશાંતિ અને હિંસા બાદ હવે દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ મૌન તોડ્યું છે. ખામેનીએ ઈરાનની વર્તમાન સ્થિતિ માટે સીધો જ અમેરિકા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્રમ્પને 'ગુનેગાર' ગણાવતા આક્ષેપ કર્યો છે કે ઈરાનની શેરીઓમાં જે લોહી વહ્યું છે તેની પાછળ વ્હાઈટ હાઉસનું ષડયંત્ર છે.
ટ્રમ્પ પર સીધો પ્રહાર: "અમેરિકાએ ખુલ્લેઆમ હિંસા ભડકાવી"
ઈરાનના રાજ્ય મીડિયા દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ખામેનીએ જણાવ્યું હતું કે આ વખતનું વિરોધ પ્રદર્શન અગાઉના આંદોલનો કરતા તદ્દન અલગ હતું. તેમણે દાવો કર્યો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ પ્રદર્શનોમાં ખુલ્લેઆમ ભાગ લીધો અને ઈરાન વિરુદ્ધ કાવતરું ઘડી હિંસા ભડકાવી. ખામેનીએ ઉમેર્યું કે અમેરિકાની ઉશ્કેરણીને કારણે જ દેશને અબજોનું નુકસાન થયું છે અને હજારો નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
3,000થી વધુ લોકોના મોત માટે ઇઝરાયેલ-અમેરિકા જવાબદાર
માનવાધિકાર સંગઠનોના ચોંકાવનારા આંકડાઓને ટાંકતા ખામેનીએ સ્વીકાર્યું હતું કે અશાંતિ દરમિયાન અત્યાર સુધીમાં 3,000થી વધુ લોકોના મોત થયા છે. જોકે, તેમણે આ જાનહાનિ માટે ઈરાની સુરક્ષા દળોને બદલે અમેરિકા અને ઇઝરાયેલ સાથે જોડાયેલા 'વિદેશી તત્વો'ને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, "ઈરાની રાષ્ટ્રે આ ષડયંત્રની કમર તોડી નાખી છે, અને હવે અમે કાવતરાખોરોને પણ તોડી નાખીશું. અમે યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ દેશદ્રોહીઓને બક્ષવામાં આવશે નહીં."
આર્થિક કટોકટીથી શરૂ થયેલી આગ લોકશાહીના આંદોલનમાં ફેરવાઈ
ઈરાનમાં આ વિરોધની જ્વાળા 28 ડિસેમ્બરે ત્યારે ફાટી નીકળી હતી જ્યારે ઈરાની ચલણ રિયાલ, ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે ગગડી ગયું હતું. તેહરાનના બજારના વેપારીઓએ વધતી મોંઘવારી અને આર્થિક તંગી સામે હડતાળ શરૂ કરી હતી, જે જોતજોતામાં સરકાર વિરોધી આંદોલનમાં ફેરવાઈ ગઈ. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈરાન સરકારે સતત આઠ દિવસ સુધી આખા દેશમાં ઇન્ટરનેટ સેવાઓ ઠપ કરી દીધી હતી.
ઈરાનમાં હાલની સ્થિતિ: સ્મશાન જેવી શાંતિ
તાજેતરના અહેવાલો મુજબ, ઇન્ટરનેટ સેવાઓમાં આંશિક સુધારો થયો છે અને રસ્તાઓ પર દેખીતી રીતે શાંતિ છે. પરંતુ હજુ પણ તેહરાન સહિતના મોટા શહેરોમાં ભારે સુરક્ષા દળો તૈનાત છે. ઠેર-ઠેર ધરપકડોનો દોર ચાલી રહ્યો છે, જેને કારણે લોકોમાં ભય અને તણાવનું વાતાવરણ છે. ખામેનીના આ તાજા નિવેદન બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો વધુ વણસવાની ભીતિ સેવાઈ રહી છે.








