Iran rejects Pakistans mediation: અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ભારે અશાંતિ ફેલાઈ છે. છેલ્લા 26 દિવસથી ચાલુ આ સંઘર્ષમાં અનેક લોકોના જીવ ગયા છે અને અબજો રૂપિયાનું નુકસાન થયું છે, છતાંય યુદ્ધ અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન શેહબાઝ શરીફ દ્વારા પાકિસ્તાન તરફથી ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો, જેને ઈરાને સખત રીતે નામંજૂર કર્યો છે. સાથે જ ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ કડક શબ્દોમાં પ્રહાર કર્યા છે. પાકિસ્તાનના પ્રસ્તાવને લઈને રસપ્રદ સ્થિતિ સર્જાઈ હતી. શેહબાઝ શરીફે સોશિયલ મીડિયા પર બંને દેશો વચ્ચે વાતચીત શરૂ કરાવવા તૈયારી દર્શાવી હતી, જેને ડોનાલ્ડ ટ્રમ્પે રિપોસ્ટ કરીને પરોક્ષ રીતે સમર્થન આપ્યું હતું. પરંતુ ઈરાને આ પ્રસ્તાવને સ્પષ્ટ રીતે ફગાવી દીધો અને જણાવ્યું કે તેઓ પાકિસ્તાનની મધ્યસ્થતા સ્વીકારવા તૈયાર નથી.
અમેરિકા અગાઉ બે વખત દગો આપી ચૂક્યું
ઈરાને અમેરિકાની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. ઈરાનના નિવેદન મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર યુદ્ધમાં જીતનો દાવો કરે છે, પરંતુ ઈરાન આ દાવાઓને ખોટા ગણાવે છે. તાજેતરમાં ટ્રમ્પે ઈરાન સાથે વાતચીત થયાનો દાવો કર્યો હતો, જેને ઈરાને નકારી દીધો અને કહ્યું કે અમેરિકા પોતે જ પોતાની સાથે વાત કરી રહ્યું છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા અગાઉ બે વખત દગો આપી ચૂક્યું છે, તેથી હવે તેના પર કોઈ વિશ્વાસ રાખી શકાય નહીં. આ વચ્ચે અમેરિકાએ યુદ્ધવિરામ માટે 15 શરતો ધરાવતો પ્રસ્તાવ ઈરાનને મોકલ્યો હતો, પરંતુ તેને પણ ઈરાને અસ્વીકાર કર્યો છે. મીડિયા અહેવાલો મુજબ આ પ્રસ્તાવમાં ઈરાનને પ્રતિબંધોમાં રાહત, નાગરિક પરમાણુ ઊર્જા માટે સહયોગ, અને આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ પરમાણુ કાર્યક્રમ ચલાવવાની મંજૂરી જેવી બાબતો સામેલ હતી.
આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીને તમામ માહિતી
અમેરિકાના પ્રસ્તાવમાં કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ રાખવામાં આવી હતી. તેમાં ઈરાનને યુરેનિયમ સંવર્ધન બંધ કરવાનું, આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીને તમામ માહિતી સોંપવાની, તેમજ નતાંજ, ઈસ્ફહાન અને ફોર્ડો જેવા પરમાણુ કેન્દ્રોને નષ્ટ કરવાની વાત સમાવાઈ હતી. ઉપરાંત, હોર્મુઝ જલડમરૂમધ્ય ખુલ્લું રાખવાનું અને જહાજોની અવરજવર સરળ બનાવવાની શરત પણ મુકાઈ હતી. આ ઉપરાંત ઈરાનને હમાસ અને હિઝબુલ્લા જેવા સંગઠનોને સમર્થન બંધ કરવાનું અને મિસાઈલ કાર્યક્રમ મર્યાદિત કરવાનો દબાવ પણ આ પ્રસ્તાવમાં હતો. જો કે, ઈરાને આ તમામ શરતોને નકારીને સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની સુરક્ષા અને સ્વાભિમાન સાથે કોઈ સમજૂતી નહીં કરે. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે વૈશ્વિક રાજકારણમાં તણાવ શિખરે છે અને તાત્કાલિક કોઈ ઉકેલ મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.








