Iran Mourns Supreme Leader Khamenei: ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. તેહરાનમાં તેમના રાજકીય અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં લાખો લોકો જોડાઈ રહ્યા છે. અંદાજે 1.5 થી 2 કરોડ લોકો અંતિમ યાત્રા અને દર્શન માટે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને ઈરાનના ઈતિહાસના સૌથી મોટા જમાવડામાંથી એક માનવામાં આવી રહ્યું છે. અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈ સુરક્ષાના કારણોસર અંતિમ વિધિમાં હાજર નહીં રહે.
નેતાઓ ભાવુક, વિદેશ મંત્રી અને સ્પીકર રડી પડ્યા
અંતિમ વિદાય દરમિયાન ઈરાનના ટોચના નેતાઓ પોતાનો શોક છુપાવી શક્યા નહોતા. સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ભાવુક થઈને રડી પડ્યા હતા. ઈરાનમાં વ્યાપક દુઃખ અને આક્રોશનો માહોલ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે.
ભારત સહિત 100 દેશોના પ્રતિનિધિઓની હાજરી
આ અંતિમ સંસ્કારમાં વિશ્વના લગભગ 100 દેશોના પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે, જેમાં 8 દેશોના રાષ્ટ્રપ્રમુખ અથવા વડાપ્રધાન અને 12 દેશોના સંસદ અધ્યક્ષો સામેલ છે. ભારત તરફથી વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગેરિટા અને બિહારના રાજ્યપાલે હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓ અને પ્રતિનિધિઓએ પણ ખામેનેઈને અંતિમ વિદાય આપી છે.
સુરક્ષાના કડક બંદોબસ્ત, આગામી દિવસોમાં વિશાળ કાર્યક્રમો
ઈરાન સરકારે આ અંતિમ વિદાય માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. તેહરાન સહિત અનેક શહેરોમાં વિશાળ જુલૂસ અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પાર્થિવ દેહને વિવિધ શહેરોમાં લઈ જવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક છે.








