Israel Faces Constitutional Crisis: ઈઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો ટકરાવ હવે ગંભીર બંધારણીય કટોકટીમાં ફેરવાઈ ગયો છે. રવિવારે ઈઝરાયલી કેબિનેટે સર્વસંમતિથી એવો નિર્ણય લીધો, કે સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારશે નહીં. આ નિર્ણય બાદ ઈઝરાયલની રાજનીતિમાં જ નહીં, પરંતુ સમગ્ર શાસનવ્યવસ્થામાં પણ ભારે હલચલ મચી ગઈ છે. ઈઝરાયલના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે, કે કોઈ સરકારે દેશની સર્વોચ્ચ અદાલતના આદેશને સત્તાવાર રીતે ફગાવી દીધો હોય.
મીડિયા રેગ્યુલેટરથી શરૂ થયો સમગ્ર વિવાદ
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુપ્રીમ કોર્ટે દેશના કોમર્શિયલ મીડિયા રેગ્યુલેટર ‘સેકન્ડ ઓથોરિટી ફોર ટેલિવિઝન એન્ડ રેડિયો’ (SATR)ને તેનું કામ ચાલુ રાખવાની મંજૂરી આપી અને નવી કાઉન્સિલ બનાવવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી. અદાલતનું માનવું હતું, કે હાલની કાઉન્સિલના કેટલાક સભ્યોના રાજીનામા રાજકીય દબાણ હેઠળ લેવડાવાયા હોઈ શકે છે, તેથી નવી રચનાની પ્રક્રિયા પર તાત્કાલિક બ્રેક લગાવવી જરૂરી છે.
સરકારે અદાલતને ખુલ્લી ચેલેન્જ ફેંકી
નેતન્યાહૂ સરકારે અદાલતના આદેશને સીધો નકારી કાઢતા જણાવ્યું છે, કે કાયદાની વિરુદ્ધ હોય તેવા કોઈ પણ નિર્ણયને સરકાર માન્યતા આપશે નહીં. સંચાર મંત્રી શ્લોમો કારહી અને ન્યાય મંત્રી યારિવ લેવિને સંયુક્ત નિવેદનમાં કહ્યું, કે અદાલતને કાયદાને કચડવાનો અધિકાર નથી. કેબિનેટે સ્પષ્ટ કર્યું છે, કે હાલની કાઉન્સિલ દ્વારા ભવિષ્યમાં લેવાયેલા કોઈપણ નિર્ણયને સરકાર સ્વીકારશે નહીં, કારણ કે કાઉન્સિલ પાસે કાયદાકીય રીતે જરૂરી સભ્યોની સંખ્યા જ નથી.
વિપક્ષે ચેતવણી આપી, ‘જંગલ રાજ’નો ખતરો વધ્યો
સરકારના આ નિર્ણય બાદ વિપક્ષ અને કાનૂની નિષ્ણાતોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ડેપ્યુટી એટર્ની જનરલ ગિલ લિમોને ચેતવણી આપી છે, કે જો સરકાર પોતાની મરજી મુજબ જ અદાલતના આદેશો માનશે, તો તે કાયદાના શાસનને નબળું પાડશે. પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટે આ સ્થિતિને ‘જંગલ રાજ’ની શરૂઆત ગણાવી છે, જ્યારે યાયર ગોલાન સહિતના વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો છે, કે સરકાર ચૂંટણી પહેલા ન્યાયતંત્રને નબળું કરવાની દિશામાં આગળ વધી રહી છે. પત્રકાર સંગઠનો અને લોકશાહી સમર્થક જૂથોનું માનવું છે, કે આ વિવાદ માત્ર મીડિયા રેગ્યુલેટર સુધી મર્યાદિત નથી, પરંતુ ઈઝરાયલની લોકશાહી, પ્રેસની આઝાદી અને બંધારણીય વ્યવસ્થાને અસર કરી શકે એવો મોટો મુદ્દો છે.








