Indore Crorepati Beggar controversy: ઇન્દોરમાં તાજેતરમાં સામે આવેલા કહેવાતા 'કરોડપતિ ભીખારી' માંગીલાલના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પ્રશાસને જેને ભીખારી કહીને રેસ્ક્યુ કર્યો હતો, તે કૃષ્ટરોગથી પીડિત વ્યક્તિ માંગીલાલ વિશે પરિવારજનો કહે છે કે, સરકારના દાવા ખોટા છે. માંગીલાલના ભત્રીજાએ જણાવ્યું કે, જ્યારે તે આશ્રય ગૃહમાં પોતાના કાકાને મળ્યો ત્યારે માંગીલાલે સ્પષ્ટ કહ્યું કે તેઓ ભીખારી નથી. તેઓ સરાફા બજારમાં પૈસા વસૂલવા જતાં હતાં અને ગેરસમજના કારણે તેમની તસવીરો ભીખારી તરીકે વાયરલ થઈ ગઈ. ભત્રીજાએ સ્પષ્ટ કહ્યું કે પ્રશાસન જે સંપત્તિ માંગીલાલની બતાવી રહ્યું છે તે હકીકતમાં સાચી નથી અને આ મામલે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી છે.
ત્રણ મકાન, ઓટો અને કારની કહાની
પ્રશાસન તરફથી દાવો કરવામાં આવ્યો કે, માંગીલાલ પાસે ત્રણ પાક્કા મકાન છે, જેમાં એક ત્રણ માળનું મકાન પણ સામેલ છે. ઉપરાંત તેના નામે ત્રણ ઓટો-રિક્ષા છે, જે ભાડે ચલાવવામાં આવે છે. એટલું જ નહીં, તેની પાસે એક કાર પણ છે, જેના માટે ડ્રાઈવર રાખવામાં આવ્યો છે. આ દાવાઓ બાદ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો અને સોશિયલ મીડિયામાં માંગીલાલને લાખોપતિ અને કરોડપતિ ભીખારી તરીકે ઓળખાવવામાં આવ્યો.
પરિજનોનો જવાબ: સંપત્તિ અમારા નામે છે
માંગીલાલના ભત્રીજાએ પ્રશાસનના દાવાઓ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, તેમના કાકાની સંપત્તિ વિશે ખોટી માહિતી આપવામાં આવી રહી છે. જે ત્રણ માળના મકાનની વાત કરવામાં આવી રહી છે તે તેમની માતાના નામે નોંધાયેલું છે. સરકારી રેકોર્ડમાં બધું સ્પષ્ટ છે. તે મકાન માટે લેવાયેલી લોનના હપ્તા હું જાતે ચૂકવું છું. અમારી પાસે તમામ સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે, એક બીજા મકાન અંગે પરિવારનો અન્ય વ્યક્તિ સાથે વિવાદ ચાલી રહ્યો છે, જે હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે.
ભીખ નહીં, પૈસા વસૂલવા જતો હતો સરાફા બજારમાં
ભત્રીજાના જણાવ્યા અનુસાર, માંગીલાલ સરાફા બજારમાં ભીખ માંગવા નહીં, પરંતુ પૈસા વસૂલવા જતો હતો. તેણે કહ્યું કે તેના કાકા બુલિયન બજારમાં નાના કામ કરતા લોકોને પૈસા ઉધાર આપતા હતા. જ્યારે તે આશ્રય ગૃહમાં મળ્યો ત્યારે માંગીલાલે કહ્યું કે, તેઓ ત્યાંથી જ પૈસા વસૂલતા હતા. શારીરિક રીતે ચાલી શકતા ન હોવાથી તેઓ પૈડાવાળા પાટિયા પર બેસીને ચાલે છે. આ કારણથી લોકોને લાગ્યું કે તેઓ ભીખ માંગે છે અને તેમની તસવીરો વાયરલ થઈ ગઈ.
મામલો કેવી રીતે સામે આવ્યો
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઇન્દોર પ્રશાસને શહેરને ભીખારીમુક્ત બનાવવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું. મહિલા અને બાળ વિકાસ વિભાગને સ્થાનિક લોકોથી જાણકારી મળી કે સરાફા વિસ્તારમાં એક કૂષ્ટરોગથી પીડિત વ્યક્તિ ભીખ માંગે છે. આ માહિતીના આધારે ટીમ ત્યાં પહોંચી અને માંગીલાલનું રેસ્ક્યુ કરીને આશ્રય ગૃહમાં મોકલવામાં આવ્યો.
2021થી ભીખ માંગતો હતો: પ્રશાસનનો દાવો
ભીખ નાબૂદી અભિયાનના અધિકારી દિનેશ મિશ્રાએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, માંગીલાલ વર્ષ 2021-22થી ભીખ માંગતો હતો. તેમના કહેવા મુજબ, તેણે સરાફા બજારમાં 4થી 5 લાખ રૂપિયા વ્યાજે આપેલા છે, જેના પરથી તેને દરરોજ 1000થી 2000 રૂપિયાની આવક થાય છે. આ ઉપરાંત તે ભીખમાંથી પણ દરરોજ 400થી 500 રૂપિયા કમાતો હતો. હાલમાં માંગીલાલને આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યો છે.
તપાસ બાદ કાર્યવાહી થશે: કલેક્ટર
ઇન્દોરના જિલ્લા કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે, પ્રશાસનને વ્યક્તિની સંપત્તિ અંગે પ્રારંભિક માહિતી મળી છે. તમામ તથ્યો અને દસ્તાવેજોની તપાસ કર્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ અંતિમ નિષ્કર્ષ ચકાસણી વગર લેવામાં આવશે નહીં. તેમણે તે પણ જણાવ્યું કે ઇન્દોરમાં ભીખ માંગવું, ભીખ આપવું અને ભીખારીઓ સાથે કોઈ પણ પ્રકારની લેવડદેવડ કાનૂની રીતે પ્રતિબંધિત છે.
NGOના અધ્યક્ષ રૂપાલી જૈનનું નિવેદન
આ સમગ્ર મામલે ભીખ નાબૂદી અભિયાનમાં કામ કરતા NGO 'પ્રવેશ' ના અધ્યક્ષ રૂપાલી જૈને પ્રશાસનથી અલગ મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, માંગીલાલનો કેસ માત્ર કાયદાનો નથી, પરંતુ માનવીય સંવેદનાનો પણ છે. રૂપાલી જૈનના જણાવ્યા મુજબ, માંગીલાલ થોડા વર્ષો પહેલા રાજમિસ્ત્રી તરીકે કામ કરતો હતો. કૂષ્ટરોગના કારણે તેની આંગળીઓ અને પગ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા, જેના કારણે તે કામ કરવા અસમર્થ બન્યો. સામાજિક અને પારિવારિક ઉપેક્ષાના કારણે તેણે સરાફા વિસ્તારમાં રાત્રિના સમયે બેસવાનું શરૂ કર્યું. માત્ર ભીખ માંગીને તેણે આટલી સંપત્તિ બનાવી છે એવું માનવું હકીકતથી દૂર હોઈ શકે છે.
માંગીલાલને ભીખ માંગવાનું બંધ કરવા સમજાવવામાં આવ્યું: NGO
NGOનો દાવો છે કે, છેલ્લા ચાર વર્ષમાં માંગીલાલને બે વખત ભીખ માંગવાનું બંધ કરવા સમજાવવામાં આવ્યું હતું. થોડા સમય માટે તેણે એવું કર્યું પણ હતું, પરંતુ બીમારી અને સામાજિક તિરસ્કારને કારણે તે ફરી એ જ સ્થિતિમાં પાછો ફર્યો. રૂપાલી જૈને જણાવ્યું કે, કૂષ્ટરોગ જેવા રોગો આજે પણ સમાજમાં ભારે કલંક તરીકે જોવામાં આવે છે, જેના કારણે પીડિત વ્યક્તિનું પુનર્વસન કરવું અત્યંત મુશ્કેલ બની જાય છે.








