Indigo announces compensation: ઈન્ડિગો એરલાઈન્સે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઓપરેશનલ સંકટને કારણે તેની સેવાઓમાં થયેલા વિક્ષેપ બદલ મુસાફરોને સત્તાવાર માફી માંગી છે. મોટા પ્રમાણમાં ફ્લાઇટ્સ રદ થવાથી હજારો મુસાફરોને એરપોર્ટ પર કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું હતું અને દેશભરના હવાઈ મુસાફરી નેટવર્કમાં અવરોધ સર્જાયો હતો. કંપનીએ સ્વીકાર્યું છે કે આ પરિસ્થિતિ મુસાફરો માટે અત્યંત અસુવિધાજનક બની હતી, અને તેમની નારાજગી યોગ્ય છે.
સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી
એરલાઈન દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, રદ કરવામાં આવેલી તમામ ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તે રકમ મુસાફરોના બેંક ખાતામાં જમા થઈ જશે. બુકિંગ ટ્રાવેલ પાર્ટનર મારફતે કરાવનાર મુસાફરોને airline ના customer.experience@goindigo.in પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી તેમની રિફંડ પ્રક્રિયા ઝડપી અને સરળતાથી પૂર્ણ કરી શકાય.
₹10,000ના ટ્રાવેલ વાઉચર આપશે
એરલાઈને સ્વીકાર્યું કે 3, 4 અને 5 ડિસેમ્બર દરમિયાન દેશના વિવિધ એરપોર્ટ્સ પર અસાધારણ ભીડ જોવા મળી હતી, જેના કારણે અનેક મુસાફરોને લાંબા સમય સુધી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું હતું. આવા 'ગંભીર રીતે પ્રભાવિત' મુસાફરોને ઈન્ડિગો આગામી 12 મહિનામાં ઉપયોગ કરી શકાય તેવા ₹10,000ના ટ્રાવેલ વાઉચર આપશે. આ વાઉચર સગવડ તરીકે આપવામાં આવી રહેલું વધારાનું વળતર છે અને તે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા છેલ્લા 24 કલાકની અંદર ફ્લાઇટ રદ થવા પર લાગુ થતો ₹5,000 થી ₹10,000 ના ફરજિયાત વળતર ઉપર વધુ છે. એરલાઈને વધુમાં જણાવ્યું કે આ ઓપરેશનલ સંકટ અચાનક વધેલા ટેકનિકલ વિક્ષેપો, કડક હવામાન પરિસ્થિતિઓ અને ક્રૂ ઉપલબ્ધતા સંબંધિત સમસ્યાઓના સંયોજનથી ઊભું થયું હતું. કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે આંતરિક પ્રક્રિયાઓની સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે અને જરૂરી સુધારાઓ માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવશે.
ભારત સરકારે તાત્કાલિક પગલાં લીધા
ઈન્ડિગો માટે ઉદ્ભવેલી આ ગડબડ દેશના હવાઈ મુસાફરીના ખર્ચ પર પણ અસરકારક બની. બજારમાં અચાનક માંગ વધવાથી અનેક એરલાઈન્સે મનફાવે તેવા ભાડા વસૂલવા શરૂ કર્યા હતા, જેના કારણે મુસાફરોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે તાત્કાલિક પગલાં લીધા અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ રૂટ્સ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા (fare cap) નક્કી કરી દીધી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે મુસાફરોના હિતને સર્વોપરી માનતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુસાફરોની ચિંતા આંશિક રૂપે ઘટી
સરકારના આ પગલાં બાદ હવાઈ ભાડામાં સ્થિરતા આવવાની સંભાવના વધી છે અને મુસાફરોને અતિશય ભાડા ચૂકવવાના બનાવો અટકશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ઈન્ડિગો તરફથી વળતર, રિફંડ અને ભવિષ્યના આયોજન સંબંધિત જાહેરાતો બાદ મુસાફરોની ચિંતા આંશિક રૂપે ઘટી છે, જોકે એરલાઈનને તેના ઈમેજ અને વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટે હજી મોટો પ્રયત્ન કરવો પડશે.








