Indian Youth Congress protest: AI સમિટમાં શર્ટલેસ પ્રદર્શન મામલે ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. દિલ્હી પોલીસે તેમને પૂછપરછ માટે તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન કોંગ્રેસના શર્ટલેસ પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે કાર્યવાહી ઝડપી બનાવી છે. પોલીસે ઇન્ડિયન યુથ કોંગ્રેસના અધ્યક્ષને સમન્સ આપી પૂછપરછ માટે બોલાવ્યા છે. આ બાબતે યુથ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. દિલ્હી પોલીસના આ પગલાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું સમન્સ પાઠવાયું
યુથ કોંગ્રેસના મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબને તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. જોકે, પૂછપરછના ચોક્કસ કારણો અંગે વિભાગે વિગતવાર માહિતી આપી નથી. સંગઠનના કાર્યકરો અને પદાધિકારીઓ આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને પોલીસ સ્ટેશન બહાર હલચલ વધી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, દિલ્હી પોલીસનું આ સમન્સ તાજેતરમાં બનેલી એક વિવાદાસ્પદ ઘટનાથી જોડાયેલું લાગે છે, જેમાં આઈવાયસીના કાર્યકરોએ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન 'શર્ટલેસ' પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ પ્રધાનમંત્રી વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને ભારત-અમેરિકા વેપાર કરારને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને તરત જ કસ્ટડીમાં લઈને તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા, જ્યાં તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પાંચ આરોપીઓની ધરપકડ
આ મામલે પોલીસે ઇન્ડિયન યુથ કોંગ્રેસના પાંચ કાર્યકરો, કૃષ્ણા હરિ (બિહાર), કુન્દન યાદવ (બિહાર), અજય કુમાર (યુપી), નરસિંહા યાદવ (તેલંગાણા) અને જિતેન્દ્ર યાદવ (મધ્ય પ્રદેશ, ગ્વાલિયર) ની ધરપકડ કરી છે. પોલીસે તેમના સામે ગુનાહિત કાવતરું, લોક સેવકને ઇજા પહોંચાડવી, લોક સેવકની ફરજમાં અડચણ ઊભી કરવી, ગેરકાયદેસર ભેગા થવું અને સામૂહિક ઈરાદા જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે વિશાળ કાવતરાના દ્રષ્ટિકોણથી તપાસ શરૂ કરી છે અને અન્ય પ્રદર્શનકારીઓની શોધ ચાલુ રાખી છે.








