US India Strategic Partnership: નવી દિલ્હીમાં યોજાયેલા રાયસીના ડાયલોગ દરમિયાન અમેરિકાના ઉપવિદેશ મંત્રી ક્રિસ્ટોફર લેન્ડાઉના નિવેદને આજની વૈશ્વિક કૂટનીતિની હકીકતને ખુલ્લી મૂકી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમેરિકા ભારત સાથે તે ભૂલ ફરી નહીં કરે જે તેણે બે દાયકાં પહેલા ચીન સાથે કરી હતી, અર્થાત તેને એટલો મોટો આર્થિક અવસર નહીં આપે કે ભવિષ્યમાં તે પોતે જ અમેરિકા માટે પડકાર બની જાય.
સામ્રાજ્યવાદી માનસિકતાનો સંકેત
આ નિવેદન માત્ર એક રાજદ્વારી ટિપ્પણી નથી; તે એવી સામ્રાજ્યવાદી માનસિકતાનો સંકેત છે જેમાં ભાગીદારી પણ સમાનતાના આધાર પર નહીં, પરંતુ નિયંત્રણ અને સંતુલનની નીતિ હેઠળ ચલાવવામાં આવે છે. અમેરિકાના નીતિનિર્માતાઓના મનમાં ચીનનો અનુભવ ખૂબ ઊંડે સુધી બેઠો છે. જ્યારે ચીનને વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં સામેલ કરવામાં અમેરિકા અને પશ્ચિમી દેશોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી,ખાસ કરીને વિશ્વ વેપાર સંસ્થામાં તેના પ્રવેશ સમયે, ત્યારે આશા રાખવામાં આવી હતી કે આર્થિક ઉદારિકરણ તેને રાજકીય રીતે પણ પશ્ચિમી મોડેલ તરફ લઈ જશે, પરંતુ ઇતિહાસે બીજી દિશા લીધી.
અમેરિકાની વ્યૂહરચના વધુ સાવચેત અને નિયંત્રિત બની
ચીને વૈશ્વિક બજારની તકનો ઉપયોગ કરીને પોતાની ઔદ્યોગિક ક્ષમતા, ટેકનોલોજીક શક્તિ અને નાણાકીય પ્રભાવને એટલા મજબૂત બનાવી દીધા કે આજે તે પોતે જ અમેરિકાની વૈશ્વિક પ્રભુત્વની સ્થિતિને પડકાર આપી રહ્યું છે. આ અનુભવને કારણે અમેરિકાની વ્યૂહરચના વધુ સાવચેત અને નિયંત્રિત બની ગઈ છે. તેથી જ્યારે ભારત સાથે વેપારિક સમજૂતીની વાત થાય છે, ત્યારે તેમાં ઉત્સાહ સાથે સાથે સ્પષ્ટ મર્યાદા પણ રાખવામાં આવે છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત તેના સાથે વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જોડાયેલું રહે, ખાસ કરીને એશિયામાં શક્તિના સંતુલનના સંદર્ભમાં, પરંતુ તે સાથે તે પણ ખાતરી કરવા માંગે છે કે આ ભાગીદારીથી કોઈ નવો આર્થિક પ્રતિસ્પર્ધી ઉભો ન થાય.
આંતરરાષ્ટ્રીય સંબંધોમાં “મિત્રતા”નો અર્થ સમાનતા નથી
લેન્ડાઉનું નિવેદન આ જ વ્યૂહાત્મક વિચારધારાનું સીધું પ્રતિબિંબ છે. વૈશ્વિક રાજનીતિમાં ઘણી વાર જે વાતો બંધ દરવાજા પાછળ કહેવામાં આવે છે, તે અહીં જાહેર મંચ પર આવી ગઈ છે. આ એક રીતે એ સત્યનો સ્વીકાર છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં “મિત્રતા”નો અર્થ સમાનતા નથી; તે સામાન્ય રીતે શક્તિ અને હિતોના ગણિતથી ચલાવવામાં આવે છે. આ જ સંદર્ભમાં ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે સર્જિયો ગોરની નિમણૂકનો ઉલ્લેખ પણ મહત્વનો છે. તેમનો ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો નજીકનો સંબંધ એ દર્શાવે છે કે અમેરિકા ભારત સાથેના સંબંધોને સીધા ઊંચા રાજકીય સ્તરે વધુ અસરકારક રીતે સંચાલિત કરવા માંગે છે. આ માત્ર રાજદ્વારી નિમણૂક નથી, પરંતુ એક વ્યૂહાત્મક સંદેશ પણ છે કે વોશિંગ્ટન નવી દિલ્હી સાથેના સંબંધોને વૈશ્વિક શક્તિ સંતુલનના મોટા ખેલનો ભાગ માને છે.
વૈશ્વિક રાજનીતિની કઠોર હકીકત
ભારત માટે આ નિવેદનનું મહત્વ એટલા માટે પણ છે કે તે તેને વૈશ્વિક રાજનીતિની કઠોર હકીકત યાદ અપાવે છે. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં કોઈ પણ મહાશક્તિ કોઈ બીજા દેશના વિકાસને એટલું પ્રોત્સાહન આપતી નથી કે તે પોતે જ તેના માટે પડકાર બની જાય. તેથી ભારત સામેની સૌથી મોટો કૂટનીતિક અને આર્થિક પડકાર એ છે કે તે બાહ્ય ભાગીદારીઓનો લાભ લેતા લેતા પોતાની આત્મનિર્ભર ઔદ્યોગિક અને ટેકનોલોજીક ક્ષમતાને પણ વિકસાવે.
ભારત માટે આ વાસ્તવિકતા સમજવી જરૂરી
લેન્ડાઉનું આ નિવેદન અનાયાસે એક ઊંડા સત્યને ઉજાગર કરે છે કે, વિશ્વ રાજનીતિમાં સહકારનો દરેક પ્રસ્તાવ હકીકતમાં શક્તિના સંતુલનની ગણતરી સાથે જોડાયેલો હોય છે. જો ભારત આ વાસ્તવિકતાને સમજતા પોતાની નીતિઓ બનાવે, તો તે કોઈ પણ વૈશ્વિક શક્તિ સાથે સંબંધ રાખતા હોવા છતાં પોતાની આર્થિક સ્વતંત્રતા અને વ્યૂહાત્મક સ્વાયત્તતાને સુરક્ષિત રાખી શકે છે.








