Chabahar port after US tariff threat: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે વેપાર કરનારા તમામ દેશો પર વધારાનો 25 ટકા ટેરિફ લાદવાની ધમકી આપવામાં આવતા મધ્ય-પૂર્વમાં રાજકીય અને કૂટનીતિક ઉથલપાથલ તેજ બની છે. આ પરિસ્થિતિના સીધા પ્રભાવરૂપે ભારતે ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચાબહાર બંદર પર હાલ પૂરતું કામકાજ બંધ કરી દીધું હોવાનું સામે આવ્યું છે. ચાબહાર બંદર ભારત માટે માત્ર વ્યાપારી નહીં પરંતુ ભૂ-રાજકીય દૃષ્ટિએ પણ અત્યંત મહત્વનું પ્રોજેક્ટ માનવામાં આવે છે.
ભારત માટે આ પ્રોજેક્ટ આગળ વધારવો મુશ્કેલ
ઈરાનના દક્ષિણ કાંઠે આવેલા સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત ચાબહાર બંદરનું વિકાસ કાર્ય ભારત અને ઈરાનની ભાગીદારીથી ચાલી રહ્યું હતું. આ બંદર ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે પાકિસ્તાનને બાઈપાસ કરવાનો માર્ગ પૂરો પાડે છે. જોકે, અમેરિકાના પ્રતિબંધો અને હવે વધારાના ટેરિફની ધમકીના કારણે ભારત માટે આ પ્રોજેક્ટ આગળ વધારવો મુશ્કેલ બન્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત આ સમગ્ર મુદ્દે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે અને તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકા દ્વારા ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, પરંતુ ભારતને ચાબહાર બંદર પર કામ ચાલુ રાખવા માટે છ મહિનાની વિશેષ છૂટ આપવામાં આવી હતી. આ છૂટ 26 એપ્રિલે પૂર્ણ થવાની છે, જેના કારણે અનિશ્ચિતતા વધી છે.
બાકી રકમ ચૂકવી દીધી હોવાનું માનવામાં આવે છે
અમેરિકાના ટેરિફ અને પ્રતિબંધોથી બચવા માટે ચાબહાર બંદરના સંચાલન માટે ભારતે સ્થાપેલી કંપની ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL)માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીના બોર્ડમાંથી તમામ ભારતીય સરકારી ડિરેક્ટરોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે. સાથે જ, ભારતે આશરે 120 મિલિયન ડોલર ટ્રાન્સફર કરીને દેવું અને બાકી રકમ ચૂકવી દીધી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત IPGLની વેબસાઈટ પણ બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે ચાબહાર પ્રોજેક્ટ પર કામકાજ થંભી ગયું હોવાનું સંકેત મળે છે. આ તરફ, ઈરાન પર સંભવિત સૈન્ય કાર્યવાહી અંગેની આશંકાઓ વચ્ચે અનેક દેશોએ ઈરાનમાં પોતાના દૂતાવાસ બંધ કરી દીધા છે. ભારત પણ ત્યાં ફસાયેલા પોતાના નાગરિકોને લઈને ચિંતિત છે. વિદેશ મંત્રાલયે અત્યાર સુધીમાં ત્રણ એડવાઈઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને ઈરાન છોડવા અનુરોધ કર્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે.
સૈન્ય હુમલો ન કરવા અપીલ કરી છે
મધ્ય-પૂર્વના વધતા તણાવ વચ્ચે રશિયા પણ સક્રિય બન્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ત્યારબાદ ઈરાનના પ્રમુખ મસૌદ પેઝેશકિયન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પુતિને બંને પક્ષોને સંયમ રાખવા અપીલ કરી અને મધ્યસ્થી બનવાની તૈયારી પણ વ્યક્ત કરી છે. બીજી તરફ, કતાર, ઈજિપ્ત, ઓમાન અને સાઉદી અરબ જેવા મુસ્લિમ દેશોએ પ્રમુખ ટ્રમ્પને ઈરાન પર સૈન્ય હુમલો ન કરવા અપીલ કરી છે, કારણ કે તેનાથી વૈશ્વિક ઊર્જા બજાર અને અર્થતંત્રને ભારે નુકસાન થવાની ભીતિ છે. ઈરાનની અંદર પણ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. શુક્રવારની નમાઝ બાદ તેહરાનની મસ્જિદોમાંથી દેખાવકારો સામે કડક કાર્યવાહીનો ફતવો જાહેર કરાયો હોવાના અહેવાલ છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડે દેશભરમાંથી 3,000થી વધુ લોકોને ધરપકડ કર્યાનો દાવો કર્યો છે. છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા હિંસક દેખાવોમાં 3,400થી વધુ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે, જ્યારે હજારો જાહેર સંસ્થાઓ, બેન્કો, શાળાઓ અને સાંસ્કૃતિક સ્થળોને નુકસાન થયું છે. આ તમામ પરિબળો મધ્ય-પૂર્વને એક નવા મોટા સંકટની દિશામાં ધકેલી રહ્યા છે.








