PM Modi Mark Carney Meeting Updates: થોડા સમય પહેલાં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો ઘણાં બગડી ગયા હતા. જોકે હવે બંને દેશો પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. એ જ કારણ છે કે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની ભારતના પ્રવાસે આવ્યા છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ બંને નેતાઓએ શું કહ્યું તે જાણીએ.
દ્વિપક્ષીય બેઠક યોજાઈ
કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની ભારતની મુલાકાતે છે. સોમવારે તેમની દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ. રાષ્ટ્રીય રાજધાનીના હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓ મળ્યા. આ દરમિયાન બંને નેતાઓએ હાથ મિલાવીને ફોટોગ્રાફ પડાવ્યા અને ત્યારબાદ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. પ્રધાનમંત્રી મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્ની વચ્ચે વેપાર, ઊર્જા અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રોમાં મહત્વના કરારો થયા. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કેનેડાને ભારતનો સારો મિત્ર ગણાવ્યો. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધોમાં સકારાત્મકતા આવી છે અને તેનો શ્રેય પ્રધાનમંત્રી કાર્નીને જાય છે. કેનેડાના પ્રધાનમંત્રી કાર્નીએ જણાવ્યું કે ભારત છેલ્લા દાયકામાં સૌથી ઝડપી વિકાસ પામતી અર્થવ્યવસ્થા બની છે.
પશ્ચિમ એશિયામાં ચાલતા તણાવ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું?
માર્ક કાર્ની સાથે મુલાકાત બાદ, પીએમ મોદીએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ વાત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે વાતચીત અને રાજદ્વારી પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે તેઓ આ દેશોમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ દેશો સાથે સંપર્કમાં રહેશે.
ભારત–કેનેડા વચ્ચે થયેલા કરારો
પ્રધાનમંત્રી મોદી અને કાર્ની વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક થઈ. આ દરમિયાન ક્રિટિકલ મિનરલ્સ, રિન્યુએબલ એનર્જી અને સંસ્કૃતિ ક્ષેત્રે કરારો થયા. CEPA માટે ટર્મ ઓફ રેફરન્સ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "કેનેડા – ભારતના સંબંધોમાં સકારાત્મકતા આવી છે અને તેનો શ્રેય પ્રધાનમંત્રી કાર્નીને જાય છે. 2030 સુધી વેપાર 50 બિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમે ઇન્ડિયા–કેનેડા ડિફેન્સ ડેવલપમેન્ટ ડાયલોગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અમે કેનેડાની યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ શરૂ કરવા માટે સહમતિ આપી છે."
દ્વિપક્ષીય સંબંધોને મળશે નવી દિશા
આ બેઠક દરમિયાન બંને પ્રધાનમંત્રીઓ વચ્ચે એક 'મજબૂત એજન્ડા' હેઠળ વિસ્તૃત ચર્ચા થઈ. આ મુલાકાત બંને દેશો દ્વારા દ્વિપક્ષીય સંબંધોને ફરી મજબૂત બનાવવા માટેના પ્રયાસોને વધુ ગતિ આપશે. 2023માં ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે થયેલા રાજનૈતિક વિવાદ પછી ભારત–કેનેડા સંબંધોમાં અટકાવ આવ્યો હતો. બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ બન્યા હતા. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.
મુંબઈ બાદ હવે દિલ્હીમાં કેનેડાના પ્રધાનમંત્રી
કેનેડાના પ્રધાનમંત્રી કાર્ની મુંબઈમાં બે દિવસ વિતાવ્યા બાદ રવિવારે નવી દિલ્હીમાં પહોંચ્યા. મુંબઈમાં તેમણે અનેક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી મોદી અને કાર્નીની સોમવારે થયેલી મુલાકાત ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઇરાન પર કરાયેલા હુમલાની પૃષ્ઠભૂમિમાં થઈ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અમારા માટે ઊંડી ચિંતાનો વિષય છે. અમે હંમેશા સંવાદ અને રાજદ્વારી વિશે વાત કરીએ છીએ.








