INDIA Bloc Protest Gyanesh Kumar: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચની કામગીરી સામે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'એ મોરચો વધુ આક્રમક બનાવ્યો છે. મંગળવારે નિર્વાચન સદન સુધી વિરોધ માર્ચ કાઢ્યા બાદ હવે વિપક્ષી નેતાઓએ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવા માટે સત્તાવાર સમય માગ્યો છે. વિપક્ષી ગઠબંધનનો આરોપ છે કે ચૂંટણી પ્રક્રિયા અને SIRમાં વ્યાપક ગેરરીતિઓ આચરીને કરોડો લોકોના મતદાન કરવાનો અધિકાર છીનવી લેવાયો છે, જે અંગે તેઓ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવા માગે છે.
9 ઓક્ટોબરે દિલ્હીમાં વિપક્ષી નેતાઓનું મહાસંમેલન અને મોટા પ્રદર્શનની શક્યતા
મળતી માહિતી મુજબ, આગામી 9 ઓક્ટોબરે દિલ્હીમાં ઈન્ડિયા બ્લોકના તમામ મોટા અને દિગ્ગજ નેતાઓનો જમાવડો થવા જઈ રહ્યો છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને તમામ વિપક્ષી સાંસદો અને નેતાઓને દિલ્હીમાં જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 9 ઓક્ટોબરે વિપક્ષ દ્વારા દિલ્હીના રસ્તાઓ પર કોઈ મોટું વિરોધ પ્રદર્શન અથવા રાજધાનીમાં કોઈ ભવ્ય માર્ચ યોજવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
કોંગ્રેસ સાંસદોની 'લંચ ડિપ્લોમસી' અને ભવિષ્યની રણનીતિ પર મંથન
આ રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે પોતાના લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને બપોરે 1.45 વાગ્યે દિલ્હીના જનપથ રોડ પર સ્થિત 'સાગર રત્ના' રેસ્ટોરન્ટ ખાતે લંચ માટે એકઠા થવા નિર્દેશ આપ્યો છે. આ બેઠક માત્ર ઔપચારિક લંચ પૂરતી મર્યાદિત ન રહેતા ચૂંટણી પંચ સામે આગામી દિવસોમાં કેવી રીતે આક્રમક રણનીતિ ઘડવી અને સંસદથી લઈને રસ્તા સુધી વિરોધ કેવી રીતે ચાલુ રાખવો તે અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
રાહુલ અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ દિલ્હી પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
બીજી તરફ મંગળવારે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હંગામો મચ્યો હતો. દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના અનેક નેતાઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ આકાશવાણી ભવનના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વિપક્ષી નેતાઓ અને કાર્યકરો પરવાનગી વગર ગેરકાયદેસર રીતે આકાશવાણી ભવનના પરિસરમાં ઘૂસી ગયા હતા.
'એક પણ દેશદ્રોહીને બક્ષવામાં નહીં આવે': રાહુલ ગાંધી
ઉલ્લેખનીય છે કે મંગળવારે વિપક્ષી સાંસદો જ્યારે નિર્વાચન સદન તરફ માર્ચ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે બેરિકેડિંગ કરીને તેમને ટ્રાન્સપોર્ટ ભવન પાસે અટકાવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવનના કેમ્પસમાં જ રસ્તા પર ધરણાં પર બેસી ગયા હતા. આશરે 5થી 6 કલાક સુધી ચાલેલા ધરણાં બાદ દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી. અટકાયતમાંથી મુક્ત થયા બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરા પ્રહાર કરતા લખ્યું કે, "લોકશાહીના ગદ્દારોને બચાવવા માટે બચેલી-કુચેલી લોકશાહીને ઢસડવામાં આવી છે. દરેક બાબતનો હિસાબ થશે અને એક પણ દેશદ્રોહીને બક્ષવામાં નહીં આવે."
ચૂંટણી પંચનો સ્પષ્ટકારો અને વિપક્ષના આક્ષેપો સામે સત્તાવાર નિવેદન
આ સમગ્ર વિવાદ વચ્ચે આક્ષેપો અને વિરોધ પ્રદર્શન અંગે ચૂંટણી પંચે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. પંચ તરફથી જણાવાયું છે કે તેમને કોંગ્રેસ પાર્ટી કે ઈન્ડિયા ગઠબંધનના કોઈ પણ અન્ય પક્ષ તરફથી મુલાકાત કે બેઠક માટે કોઈ સત્તાવાર વિનંતી કે પત્ર મળ્યો ન હતો. ચૂંટણી પંચે ઉમેર્યું કે તેઓ નિયમાનુસાર તમામ પક્ષોને સાંભળવા તૈયાર છે, પરંતુ વિપક્ષ દ્વારા સત્તાવાર વિનંતી કરવાને બદલે પંચની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે વિપક્ષે સીધા દેશના રાષ્ટ્રપતિ પાસે સમય માગતા આ રાજકીય મામલો વધુ ગંભીર બન્યો છે.








