INDIA Bloc March for Democracy Delhi October 2026: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને SIR વિવાદને લઈને ઈન્ડિયા ગઠબંધનના તમામ સદસ્યો દ્વારા દિલ્હીમાં આજે બારાખંબા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી ભવ્ય વિરોધ માર્ચ કાઢવામાં આવી રહી છે. આ પ્રદર્શનને સંપૂર્ણપણે લોકતાંત્રિક વિરોધ તરીકે રજૂ કરવા માટે વિપક્ષી નેતાઓએ પોતાની રણનીતિમાં મોટો બદલાવ કર્યો છે. પ્રદર્શનની શરૂઆત પહેલાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ એક ખાસ વીડિયો સંદેશ જારી કરીને દેશના યુવાનો, વિદ્યાર્થીઓ, વકીલો અને વિવિધ સામાજિક સંગઠનોને મોટી સંખ્યામાં આ લોકશાહી બચાવો અભિયાનમાં જોડાવા માટે ખુલ્લું આહ્વાન કર્યું છે.
રણનીતિ બદલવા પાછળની ઈનસાઈડ સ્ટોરી
પ્રાપ્ત વિગતો અનુસાર, કોંગ્રેસ મોરચેથી ગઢબંધનના તમામ સહયોગી પક્ષોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે, આજના પ્રદર્શનમાં કોઈપણ પક્ષ કે પાર્ટીના અલગ ઝંડા જોવા મળવા જોઈએ નહીં, પરંતુ દરેક કાર્યકર્તાના હાથમાં માત્ર અને માત્ર રાષ્ટ્રીય ધ્વજ 'તિરંગો' હોવો જોઈએ. આ રણનીતિ પાછળનું મુખ્ય કારણ એ છે કે પ્રદર્શન કોઈ એક પક્ષ કે રાજકીય પાર્ટીનું ન લાગતા એક રાષ્ટ્રીય સ્તરનું જન આંદોલન પ્રતીત થાય, જેથી સામાન્ય નાગરિકો, યુવાનો અને બિન-રાજકીય સંગઠનો સરળતાથી તેની સાથે જોડાઈ શકે.

Gen-Z અને વકીલ વર્ગને જોડવા માટેનો પ્રયાસ
ગત દિવસોમાં દિલ્હીની સડકો પર જોવા મળેલા યુવા સંગઠનો અને વકીલોના દેખાવો બાદ વિપક્ષી રણનીતિકારોને એવું અનુભવાયું કે, જો આ પ્રદર્શન માત્ર પરંપરાગત રાજકીય પક્ષો પૂરતું સીમિત રહેશે તો નવા યુવાનો અને Gen-Zના પ્રતિનિધિઓ તેમાં જોડાઈ શકશે નહીં. અગાઉના વિરોધ પ્રદર્શનોમાં માત્ર કોંગ્રેસ કે અન્ય દળોના પોતાના પાર્ટી ફ્લેગ દેખાવાથી ગઠબંધનના જ અન્ય સાથી પક્ષોમાં અસહજતા ઊભી થઈ હતી અને વ્યાપક જનસમર્થન મેળવવામાં અવરોધ ઊભો થતો હતો. આ જ કારણોસર આજના માર્ચનું નામ 'ચલો દિલ્હી - માર્ચ ફોર ડેમોક્રસી' રાખવામાં આવ્યું છે.
તમામ વિપક્ષી દળોની સહભાગિતા અને તિરંગાની તાકાત
આજના આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ (TMC), સમાજવાદી પાર્ટી (SP) અને ડાબેરી પક્ષો (Left Parties) ના નેતાઓ તથા કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાવાના છે. બધાના હાથમાં પાર્ટીના પ્રતીક ચિન્હવાળા ઝંડાને બદલે ત્રિરંગો રાખવાથી વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ બદલાઈ ગયું છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે આ પ્રકારના વ્યાપક પ્રતીકથી સરકાર પર દબાણ વધારવામાં અને સામાન્ય જનતાના મનમાં સુરક્ષા તથા લોકશાહીના રક્ષણનો સંદેશ પહોંચાડવામાં સરળતા રહેશે.

રાજકીય દેખાવને 'પીપલ્સ મુવમેન્ટ' (જન આંદોલન) માં બદલવાનો દાવ
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય હલચલ અને અટકાયતો વચ્ચે વિપક્ષી ગઢબંધન આ આંદોલનને માત્ર સંસદીય કે રાજકીય સીમાઓથી બહાર કાઢીને લોકપ્રિય જન આંદોલનનું સ્વરૂપ આપવા માંગે છે. જોકે, આ નવી રણનીતિ જમીની સ્તર પર કેટલી કારગર સાબિત થાય છે અને તેનાથી ચૂંટણી પંચ તથા સરકાર સામે કઈ પ્રકારનું દબાણ ઉભી થાય છે તે આગામી સમય જ બતાવશે.








