INDIA Bloc Delhi Protest: પાટનગર દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન 'INDIA' દ્વારા યોજાયેલા વિશાળ વિરોધ પ્રદર્શન અને માર્ચ બાદ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિત અગ્રણી નેતાઓની આગેવાની હેઠળ કનોટ પ્લેસ અને બારાખંબા રોડથી શરૂ થયેલી આ માર્ચ સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધી રહી હતી. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના હેતુથી પોલીસે આ પ્રદર્શન સામે કાર્યવાહી કરતાં કુલ 4 અલગ-અલગ FIR નોંધાઈ છે. વિસ્તારમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધાત્મક નિયમોનો ભંગ કરવા, રોડ પર મુકવામાં આવેલા બેરિકેડ્સ તોડવા અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાનો આરોપ પ્રદર્શનકારીઓ પર મૂકવામાં આવ્યો છે.
તિલક માર્ગ અને અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને શહેરના જુદા જુદા વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં 2 FIR દાખલ કરવામાં આવી છે, જ્યારે મંદિર માર્ગ અને બારાખંબા રોડ પોલીસ સ્ટેશન ખાતે 1-1 FIR દર્જ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 હેઠળ અગાઉથી જ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. આ મંજૂરી વિના આટલી મોટી સંખ્યામાં ભેગા થઈને કરવામાં આવેલું આયોજન ગેરકાયદેસર ઠરતું હોવાથી જવાનો દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા.
સરહદ પારથી ભ્રામક પ્રચાર: પાકિસ્તાની એકાઉન્ટ્સ પોલીસ સ્કેનર હેઠળ
આ મુખ્ય પ્રદર્શન સિવાય, સોશિયલ મીડિયા પર દેશવિરોધી અફવાઓ અને વાંધાજનક વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો સામે દિલ્હી પોલીસે અલગથી 4 વધુ FIR પણ દાખલ કરી છે. તપાસ એજન્સીઓની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનથી સંચાલિત કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ ભારતમાં ચાલતા આ વિરોધ પ્રદર્શનનો ગેરફાયદો ઉઠાવીને દેશમાં શાંતિ અને કોમી સૌહાર્દ બગાડવા માંગતા હતા. આ હેન્ડલ્સ દ્વારા દેશની સુરક્ષા સામે સવાલો ઊભા થાય અને લોકોમાં ભયનો માહોલ સર્જાય તે પ્રકારની સામગ્રી વાયરલ કરવામાં આવી રહી હતી.
500 થી વધુ પોસ્ટ્સ અને 100 શંકાસ્પદ એકાઉન્ટ્સ પર તવાઈ
દિલ્હી પોલીસે વિવિધ જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સત્તાવાર પત્ર લખીને આશરે 500 જેટલી ગેરમાર્ગે દોરતી તથા વાંધાજનક પોસ્ટ તાત્કાલિક ધોરણે હટાવી લેવા માટે વિનંતી કરી છે. તે ઉપરાંત 100 થી વધુ શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હાલ પોલીસ અને સાયબર સેલના કડક સ્કેનર હેઠળ છે. તપાસમાં માલૂમ પડ્યું છે કે સરહદ પારના ઓપરેટરો ભારતીય યુવાનોના નામે ફેક પ્રોફાઈલ્સ બનાવીને અફવાઓ ફેલાવી રહ્યા હતા જેથી લોકો આ પોસ્ટ્સને સાચી માની લે.
જૂના વીડિયો વાયરલ કરીને દિલ્હીમાં હિંસાનો ખોટો દાવો કરાયો
સાયબર સેલ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની ફેક એકાઉન્ટ્સ દ્વારા ભૂતકાળમાં બનેલી રમખાણ અને હિંસાની ઘટનાઓના જૂના તેમજ એડિટ કરેલા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ વીડિયોને દિલ્હીના વર્તમાન વિરોધ પ્રદર્શન સાથે જોડીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. 10 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર દિલ્હીમાં ભારે હિંસા થઈ હોવાના ખોટા દાવા કરાયા હતા. એટલું જ નહીં, દિલ્હીમાં સેના તૈનાત કરી દેવાઈ છે અને તમામ બજારો બંધ છે તેવી પાયાવિહોણી વાતો પણ 'X' પર ફેલાવવામાં આવી રહી હતી, જેનો દિલ્હી પોલીસે ત્વરિત સ્પષ્ટતા કરીને વિરોધ કર્યો હતો.
ચૂંટણી કમિશનરના રાજીનામા અને SIR પ્રક્રિયા બંધ કરવાની માંગ
આ માર્ચ દરમિયાન વિપક્ષી 'INDIA' ગઠબંધનના હજારો કાર્યકરો અને નેતાઓ હાથમાં ઝંડા અને બેનરો સાથે શેરીઓમાં ઉતર્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે ભારે નારેબાજી કરવામાં આવી હતી. વિસ્તારમાં કાયદો અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે 10,000 થી વધુ પોલીસ જવાનો અને દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ભગવાન દાસ રોડ પર કેટલાક પ્રદર્શનકારીઓ સુરક્ષા વાહનો પર ચડી જતાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે કાર્યવાહી કરવી પડી હતી.








