India 4.86 crore women farmers: ભારતમાં ખેતીનું ચિત્ર માત્ર પુરુષ ખેડૂત સુધી મર્યાદિત નથી રહ્યું. હવે ગામડાંની ધરતી પર મહિલા શક્તિ તેટલી જ મજબૂત ભુમિકા ભજવી રહી છે. સંસદમાં આપવામાં આવેલી તાજેતરની વિગતો દર્શાવે છે કે દેશભરમાં મહિલા ખેડૂતોની સંખ્યા અને તેમની ભાગીદારી સતત વધતી જઈ રહી છે. ઘરકામ અને રસોડાં સંભાળતી મહિલાઓ હવે પાક ઉત્પાદન, ખેતીના વધારાના કાર્યો અને કૃષિ આધારિત ઉદ્યોગોમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહી છે.
અનુસંગિક ક્ષેત્રોમાં 16.25 કરોડ કામદારો
મહિલા ખેડૂત સશક્તિકરણ પરિયોજના (MKSP) હેઠળ દેશભરમાં અત્યાર સુધી કુલ 486.34 લાખ મહિલા ખેડૂતો એગ્રો–ઈકોલોજીકલ પ્રવૃત્તિઓમાં જોડાઈ ચૂકી છે. માત્ર ગુજરાતમાં જ આ યોજના અંતર્ગત 20.48 લાખ મહિલા ખેડૂતો નોંધાયેલા છે, જે રાજ્યના ગ્રામ્ય આર્થિક તંત્રમાં મહિલાઓની વધતી સક્રિયતા તરફ ઇશારો કરે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના ઈ-શ્રમ પોર્ટલમાં 25 નવેમ્બર 2025 સુધી થયેલી નોંધણી અનુસાર, ખેતી અને તેને અનુસંગિક ક્ષેત્રોમાં 16.25 કરોડ કામદારો નોંધાયેલા છે. તેમાંમાંથી 8.04 કરોડ, એટલે કે આશરે 50 ટકા, મહિલાઓ છે. આ આંકડા દર્શાવે છે કે કૃષિકાર્યમાં મહિલાઓની હાજરી લગભગ પુરુષો જેટલી જ છે અને ખેતી ક્ષેત્રનું મોટું ભારણ તેમની ખભે છે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS 2023-24) વધુ સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. સર્વે મુજબ, ગ્રામ્ય ભારતમાં 76.9 ટકા મહિલાઓ ખેતીવાડી ક્ષેત્રે રોજગારી મેળવે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ 12.3 ટકા છે. દેશનો સરેરાશ દર 64.4 ટકા સુધી પહોંચે છે, જે દર્શાવે છે કે મહિલા કાર્યશક્તિનું મોટું પ્રમાણ આજે પણ કૃષિ પર આધારિત છે.
ગુજરાત કરતાં અન્ય રાજ્યો આગળ
MKSP અંતર્ગત મહિલા ખેડૂતોની સંખ્યાની વાત કરીએ તો ગુજરાત કરતાં અનેક રાજ્યો ઘણાં આગળ છે.
- ઓક્ટોબર 2025 સુધીમાં,
- આંધ્રપ્રદેશ – 50.34 લાખ
- બિહાર – 48.26 લાખ
- મહારાષ્ટ્ર – 45.41 લાખ
- તેલંગાણા – 30.86 લાખ
- ઉત્તરપ્રદેશ – 36.04 લાખ
મહિલા ખેડૂતોને આવરી લીધેલા છે. આ આંકડા દર્શાવે છે કે વિવિધ રાજ્યોમાં મહિલાઓ ખેતી આધારિત અર્થતંત્રની મજબૂત આધારશિલા બની રહી છે.
શાકભાજી વેચાણથી લઈને પશુપાલન સુધીમાં મહિલા શક્તિ સ્પષ્ટ
સૌરાષ્ટ્રના રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં શાકભાજી વેચાણ કરતી ફેરિયાઓમાં મહિલાઓનું પ્રમાણ ખાસ નોંધપાત્ર છે. પશુપાલન ક્ષેત્રે પણ મહિલાઓના યોગદાનને અવગણવું મુશ્કેલ છે – દૂધ ઉત્પાદન, પશુઓની સંભાળથી લઈ ડેરી સંચાલન સુધીના મહત્વપૂર્ણ ભાગોમાં મહિલાઓ મોખરે જોવા મળે છે. ઘરઆંગણે બનેતા પાપડ, અથાણા અને અન્ય ફૂડ પ્રોડક્ટ્સનો બિઝનેસ પણ મહિલાઓ હવે સ્વતંત્ર રીતે સંભાળી રહી છે, જે ગ્રામ્ય મહિલા ઉદ્યોગસાહસને નવી દિશા આપી રહ્યો છે.
સુવિધાઓનો અભાવ હજુ ચિંતાનું કારણ
મહિલાઓ ખેતીથી લઈને ઘરગથ્થુ ઉદ્યોગોમાં અગત્યની ભૂમિકા ભજવી રહી હોવા છતાં, તેમના માટેની મૂળભૂત સુવિધાઓમાં અનેક ખામીઓ યથાવત છે. શહેરોમાં સિટી બસ સેવા મહિલાઓ માટે કાયમી મફત કરવી હોય અથવા જાહેર સેનીટેશન સુવિધાઓ વધારવાની જરૂરિયાત – બે ક્ષેત્રોમાં હજી પણ નોંધપાત્ર સુધારા અપેક્ષિત છે. રાજકોટમાં મહિલાઓ અભ્યાસથી લઈને વ્યાયામ અને શારીરિક કસરતમાં પણ સક્રિય છે. અહીં મહિલાઓ માટે વિશેષ પાર્ક, વાંચનાલય અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શહેરમાં મનપાએ ચાર દાયકાં પહેલાં માત્ર મહિલાઓ માટે એક વાંચનાલયની શરૂઆત કરી હતી, જે આજે પણ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.








