IIT Delhi Rishikesh Kumar Suicide Case: IIT દિલ્હીના 31 વર્ષીય વિદ્યાર્થી ઋષિકેશ કુમારના મોત બાદ દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના કન્વીનર અભિજિત દીપકે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વર્તમાન શિક્ષણ તંત્ર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે દેશની શિક્ષણ વ્યવસ્થા નષ્ટ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ બનાવવાની જરૂર છે, જ્યાં તેઓ ભય વિના પોતાની સમસ્યાઓ વ્યક્ત કરી શકે અને તેમને યોગ્ય સહારો મળી શકે.
IIT દિલ્હીના વિદ્યાર્થીના મોતથી ફરી શિક્ષણ વ્યવસ્થા પર સવાલ
મળતી માહિતી મુજબ, 22 ઓગસ્ટે IIT દિલ્હીના લેક્ચર હોલ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળેથી પડતાં ઋષિકેશ કુમારનું મોત થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર કેમ્પસમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની તપાસ માટે દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જજ મુક્તા ગુપ્તા અને AIIMSના પ્રોફેસર પ્રતાપ શરણની સભ્યો ધરાવતી સમિતિની રચના કરવામાં આવી છે.
IIT જેવી સંસ્થાઓમાં 65 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી
અભિજિત દીપકે IIT જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક તણાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોમાં IIT જેવી સંસ્થાઓમાં આશરે 65 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું કે દેશની શ્રેષ્ઠ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જો ગંભીર માનસિક દબાણનો સામનો કરી રહ્યા હોય તો આ બાબત પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. વિદ્યાર્થીઓને તેમની મુશ્કેલીઓ સામે એકલા લડવા માટે છોડી દેવાને બદલે તેમને સમયસર માર્ગદર્શન અને સહયોગ મળવો જોઈએ. અભિજિત દીપકે કહ્યું કે વિદ્યાર્થીઓના મનમાં રહેલો ભય દૂર કરવો અને તેમને સુરક્ષિત તથા સહાયક શૈક્ષણિક વાતાવરણ આપવું આજના સમયની મોટી જરૂરિયાત છે.
સુભાષ ચંદ્રાના દેવા અંગે પણ સરકાર પર સવાલ
અભિજિત દીપકે શિક્ષણ વ્યવસ્થા ઉપરાંત ઉદ્યોગપતિ સુભાષ ચંદ્રા સાથે જોડાયેલા દેવાના મામલે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ₹22,000 કરોડના દેવાને સેટલ કરીને આશરે ₹6 કરોડમાં મામલો પૂર્ણ કરવામાં આવ્યો. તેમણે સવાલ કર્યો કે જો કોઈ સામાન્ય નાગરિક પર મોટું દેવું હોય તો શું તેને પણ આવી જ રાહત મળી શકે? તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો કોઈ સામાન્ય વ્યક્તિ પર ₹50 લાખની હોમ લોન હોય તો શું બેંક માત્ર ₹50 હજાર લઈને બાકીનું દેવું માફ કરી દેશે?
‘સામાન્ય માણસ અને વિદ્યાર્થીઓને કેમ રાહત નહીં?’
અભિજિત દીપકે કહ્યું, કે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન સહિતની લોન પર નિયમિત રીતે વ્યાજ ચૂકવવું પડે છે. આવી સ્થિતિમાં મોટા દેવાના સેટલમેન્ટ અને સામાન્ય લોકો પર લાગુ પડતા નિયમો વચ્ચેના તફાવત અંગે સ્પષ્ટતા થવી જોઈએ. તેમણે શિક્ષણ, રોજગાર અને આર્થિક નીતિઓમાં સામાન્ય નાગરિકો તથા વિદ્યાર્થીઓના હિતોને વધુ પ્રાધાન્ય આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.








