IIT Bombay Apologizes for Official Statement on Sahil Wakode Death: IIT બોમ્બેના બી.ટેકના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ રવિન્દ્ર વાકોડેના દુઃખદ અવસાન બાદ ઊભા થયેલા વિવાદ વચ્ચે સંસ્થાએ એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે. સંસ્થાએ પોતાના સત્તાવાર નિવેદનમાં સાહિલના મોત પહેલાંની પરિસ્થિતિઓ અંગે અગાઉ કરવામાં આવેલી ટિપ્પણીઓ બદલ ખેદ વ્યક્ત કરીને જાહેરમાં માફી માંગી છે. IIT બોમ્બેએ જણાવ્યું કે, પોલીસ તપાસ ચાલી રહી હોય ત્યારે ઘટના સાથે જોડાયેલી વિગતો કે સંજોગો અંગે પહેલાથી જ કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય હતી.
વિદ્યાર્થીઓના ભારે વિરોધ અને માંગણીઓ બાદ નિર્ણય
સાહિલના મોત બાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે સંસ્થાએ તથ્યોની સંપૂર્ણ તપાસ કર્યા વિના જ ઉતાવળમાં નિવેદન જાહેર કરીને મૃતક વિદ્યાર્થીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓના ભારે રોષ અને 18 મુદ્દાની માંગણીઓ બાદ IIT બોમ્બેના સંચાલકોએ આખરે નમતું જોખવું પડ્યું હતું અને અગાઉ આપેલું નિવેદન પાછું ખેંચી માફી માંગવાની નોબત આવી હતી.
પ્રોફેસર સામે કાર્યવાહી અને ડિરેક્ટરના રાજીનામાની અફવા પર સ્પષ્ટતા
આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા IIT બોમ્બેએ પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લાને તેમના ડીન પદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને તેમને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં સંસ્થાના ડિરેક્ટર શિરીષ કેદારેના રાજીનામા અંગે વહેતી થયેલી ખબરોને સંસ્થાએ સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક ગણાવીને ફગાવી દીધી છે.
પરિવારના ગંભીર આક્ષેપો અને પોલીસની એફ.આઈ.આર.
બીજી તરફ, મૃતક સાહિલ વાકોડેના પરિવારે આ કેસમાં અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. પરિવારનું કહેવું છે કે સાહિલ સાથે કેમ્પસમાં જાતિગત ભેદભાવ અને માનસિક ઉત્પીડન કરવામાં આવ્યું હતું, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું. આ ફરિયાદોના આધારે મુંબઈ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ (SC/ST Act) હેઠળ કેસ નોંધીને વધુ તપાસ ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓને સોંપી છે.
સીસીટીવી ફૂટેજ અને 10 સભ્યોની તપાસ સમિતિ
પોલીસ તપાસ દરમિયાન પરીક્ષાખંડના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ઘટનાના દિવસે સાહિલ પરીક્ષાખંડમાંથી બહાર જતો જોવા મળે છે. મુંબઈ પોલીસની ટીમ આ તમામ વિગતોની બારીકાઈથી તપાસ કરી રહી છે. આ ઉપરાંત, સંસ્થાએ પોતાના સ્તરે પણ ઘટનાના સાચા કારણો જાણવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે 10 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.








