Petal Gahlot UN Speech: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પર પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના એક-એક જૂઠનો પર્દાફાશ કરીને વૈશ્વિક સમુદાય સામે પાકિસ્તાનનું નાક કાપનાર ભારતીય મહિલા રાજદ્વારી બીજું કોઈ નહીં પણ IFS પેટલ ગેહલોત છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ તરીકે ફરજ બજાવતા પેટલ ગેહલોતના આકરા અને તાર્કિક જવાબથી આખું પાકિસ્તાન ધ્રૂજી ગયું છે.
યુએનમાં શહબાઝ શરીફ અને પાકિસ્તાનની પોલ ખોલી
આંતરરાષ્ટ્રીય મંચ પર પેટલ ગેહલોતના પ્રત્યુત્તરની ચારેય તરફ ભારે ચર્ચા થઈ રહી છે. તેમણે પોતાના 'રાઈટ ઓફ રિપ્લાય' (જવાબ આપવાના અધિકાર) નો ઉપયોગ કરીને પાકિસ્તાનના વડાપ્રધાનના દાવાઓની ધજ્જિયા ઉડાવી દીધી હતી. શહબાઝ શરીફે પોતાના ભાષણમાં ભારત-પાક તણાવ ટાળવા અંગે અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભ્રામક દાવાઓ કર્યા હતા. તેનો સણસણતો જવાબ આપતાં પેટલે કહ્યું હતું કે પાકિસ્તાન રાત્રે આતંકવાદ ફેલાવે છે અને દિવસના સમયે સુરક્ષા તથા શાંતિનો મુખવટો પહેરીને વાતો કરે છે.
આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની બેવડી નીતિ પર આકરો પ્રહાર
ગેહલોતે પાકિસ્તાનની બેવડી નીતિ પર પ્રહાર કરતાં સ્પષ્ટ જણાવ્યું કે આ એક વિચિત્ર વિરોધાભાસ છે કે જે દેશ આતંકવાદની ફેક્ટરી ચલાવે છે અને આતંકવાદીઓને શરણ આપે છે, તે જ દેશ વિશ્વ સમક્ષ શાંતિ અને માનવાધિકારનો રાગ આલાપી રહ્યો છે. પાકિસ્તાનનો ઈતિહાસ આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપવાનો, ફંડિંગ પૂરું પાડવાનો અને સરહદ પારથી નિર્દોષ લોકો પર હુમલા કરાવવાનો રહ્યો છે. તેથી આવા દેશ પાસે ભારતને બોધપાઠ આપવાનો કે સલાહ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
ઈશનિંદા કાયદા અને લઘુમતીઓની સ્થિતિ પર પાકિસ્તાનને ઘેર્યું
યુએનમાં ધાર્મિક અસહિષ્ણુતા પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ટિપ્પણીઓનો સણસણતો જવાબ આપતાં ગેહલોતે કહ્યું કે, જે દેશનો મુખ્ય આધાર જ કડક ઈશનિંદા કાયદો છે, તે આજે બીજાને ધાર્મિક સહનશીલતા શીખવી રહ્યો છે. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે કેવો અત્યાચાર અને અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. આવા કોઈ પણ ખોટા અને બનાવટી ઉપદેશ વૈશ્વિક સમુદાયને ગેરમાર્ગે દોરી શકશે નહીં.
પાકિસ્તાનમાં લોકશાહી નહીં પણ સેનાનું શાસન
પાકિસ્તાની રાજકીય વ્યવસ્થા પર પ્રહાર કરતાં તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનમાં કહેવાતી લોકશાહી છે, પરંતુ વાસ્તવમાં ત્યાં સેનાનું જ શાસન ચાલે છે. ત્યાં નેતાઓ કે વડાપ્રધાન તો માત્ર કઠપૂતળી સમાન છે જે સમય જતાં બદલાતા રહે છે, પરંતુ ખરી સત્તા અને નિર્ણયો લેવાની તાકાત સેના પાસે જ રહે છે. પાકિસ્તાનનો ઈતિહાસ કટ્ટરતાથી ભરેલો છે અને તેઓ આખા વિશ્વ સમક્ષ દિવસના સમયે શાંતિના મોટા દાવો કરે છે, પણ રાત પડતાં જ આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે.
મધ્યસ્થતાના દાવા પર ભારતનો કડક સંદેશ
પાકિસ્તાની વડાપ્રધાન દ્વારા ત્રીજા દેશની મધ્યસ્થતા અંગે કરાયેલા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દેતાં પેટલ ગેહલોતે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ માત્ર દ્વિપક્ષીય છે. ભારતે હંમેશાં પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ રાખ્યું છે કે કોઈપણ ત્રીજા દેશની મધ્યસ્થતા ક્યારેય સ્વીકાર્ય રહેશે નહીં અને આતંકવાદ તથા વાટાઘાટો ક્યારેય એકસાથે ચાલી શકે નહીં.
જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે
પાકિસ્તાન દ્વારા વારંવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. પેટલ ગેહલોતે મક્કમતાથી જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય અને અભિન્ન અંગ છે અને હંમેશાં રહેશે. પાકિસ્તાન ગમે તેટલો ભ્રામક પ્રચાર કરે, પરંતુ તે સત્યને બદલી શકશે નહીં. પાકિસ્તાને ભારત વિશે ચિંતા કરવાને બદલે પોતાના દેશમાં ચાલતા આતંકવાદી નેટવર્કને નાબૂદ કરવા અને પોતાની કંગાળ આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવું જોઈએ.
વૈશ્વિક મંચ પર પાકિસ્તાનનો પર્દાફાશ
પેટલ ગેહલોતે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય હવે પાકિસ્તાનના આવા જૂઠા અને બનાવટી પ્રોપેગંડાથી સારી રીતે વાકેફ થઈ ચૂક્યો છે. યુએન જેવા વૈશ્વિક મંચનો ઉપયોગ માત્ર પોતાના રાજકીય એજન્ડા અને પ્રોપેગંડા ફેલાવવા માટે કરવો એ પાકિસ્તાનની ટેવ બની ગઈ છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ પ્રકારના સરહદ પારના આતંકવાદ સામે ભારત 'ઝીરો ટોલરેન્સ' નીતિ ધરાવે છે.
જાણો કોણ છે ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોત
પેટલ ગેહલોત ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સલાહકાર તરીકે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. UNમાં પોસ્ટિંગ પહેલાં તેઓ વિદેશ મંત્રાલયના 'યુરોપ વેસ્ટ ડિવિઝન'માં અંડર સેક્રેટરી તરીકે કાર્યરત હતા.
દિલ્હી અને મુંબઈમાંથી પૂર્ણ કર્યો અભ્યાસ
પેટલ ગેહલોત મૂળ દિલ્હીના વતની છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીની પ્રખ્યાત લેડી શ્રીરામ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. તે પહેલાં તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. વર્ષ 2015માં તેમની પસંદગી ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી તરીકે થઈ હતી.
વિદેશ મંત્રાલયમાં મહત્ત્વના હોદ્દાઓ પર સેવા આપવાનો અનુભવ
પોતાની એક દાયકાની કારકિર્દીમાં પેટલ ગેહલોતે વિદેશ મંત્રાલયમાં આસિસ્ટન્ટ સેક્રેટરી, પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસમાં સેકન્ડ અને થર્ડ સેક્રેટરી તેમજ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ વૈશ્વિક સમુદાય સમક્ષ ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કરવા માટે જાણીતા છે.
સંગીત અને ગિટાર વગાડવાના પણ શોખીન છે પેટલ
દેશની રાજદ્વારી જવાબદારીઓ નિભાવવાની સાથે પેટલ ગેહલોતને સંગીતનો પણ ઘણો શોખ છે. તેઓ ગિટાર વગાડે છે અને ઉત્કૃષ્ટ ગાયક પણ છે. અગાઉ તેમણે ગાયેલું ઇટાલિયન ગીત 'બેલા ચાઓ' સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના સંગીતના વિડીયો પણ શેર કરતા રહે છે.








