Muslims entry in Garba: મહારાષ્ટ્રમાં નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ ગરબા અને દાંડિયાના કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ તેજ બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા મુસ્લિમોને આવા કાર્યક્રમોથી દૂર રાખવાની માગણી કરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે આ વલણનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ થતાં અમૃતાએ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તેમને જાણીજોઈને ‘પોલિટિકલ વાઈફ’ તરીકે નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
ધર્મના આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ થવો જોઈએ નહીં
અમૃતા ફડણવીસે જણાવ્યું કે તહેવારોનો હેતુ સમાજના તમામ વર્ગોને સાથે લાવવાનો હોય છે અને ધર્મના આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ થવો જોઈએ નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે આ અભિપ્રાય તેમણે કોઈ રાજકીય હોદ્દા કે ભૂમિકામાં રહીને નહીં, પરંતુ જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા તરીકે વ્યક્ત કર્યો છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્ર સરકારના કેટલાક મંત્રીઓ VHPની માગણીનું સમર્થન કરી રહ્યા છે, જેના કારણે આ મુદ્દે રાજકીય ચર્ચા પણ ગરમાઈ છે.
ઓળખની યોગ્ય ચકાસણી કરવાની માગણી કરી
બીજી તરફ, નવરાત્રિ પૂર્વે VHPએ ગરબા અને દાંડિયાના આયોજકો માટે કેટલીક કડક માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. સંગઠને કાર્યક્રમોમાં પ્રવેશતા લોકોની ઓળખની યોગ્ય ચકાસણી કરવાની માગણી કરી છે અને મુસ્લિમોને આવા કાર્યક્રમોથી દૂર રાખવાની વાત કરી છે. અહેવાલો મુજબ કેટલાક આયોજનોમાં ઓળખપત્ર તપાસવા ઉપરાંત હિન્દુ શ્રદ્ધાળુઓના કપાળ પર તિલક લગાવવાની વ્યવસ્થા કરવાની અપીલ પણ કરવામાં આવી છે. VHPનું કહેવું છે કે ગરબા માત્ર મનોરંજન નહીં પરંતુ મા જગદંબાની આરાધના સાથે જોડાયેલું ધાર્મિક પર્વ છે, તેથી આયોજકોએ સુરક્ષા અને ઓળખ અંગે સતર્ક રહેવું જોઈએ.
મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધની તરફેણ
આ વિવાદને ભાજપના નેતા નિતેશ રાણેના સમર્થનથી પણ વધુ વેગ મળ્યો છે. તેમણે ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધની તરફેણ કરતાં ‘લવ જેહાદ’નો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ કાર્યક્રમોમાં પ્રવેશતા તમામ લોકોની ઓળખની કડક તપાસ માટે વ્યવસ્થા કરવાની ભલામણ કરી હતી. બીજી તરફ, વિપક્ષી પક્ષો અને કેટલાક સામાજિક સંગઠનોએ VHPના વલણ સામે સવાલો ઉઠાવ્યા છે, જેના કારણે નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ મહારાષ્ટ્રમાં ગરબા-દાંડિયાને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા વધુ ઉગ્ર બની છે.








