Hyderabad Student Dies in US: વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને સારી કારકિર્દી બનાવવાનું સપનું લઈને અમેરિકા ગયેલા હૈદરાબાદના એક યુવકનું દુઃખદ અવસાન થયું છે. પરિવારના જણાવ્યા અનુસાર, અમેરિકામાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા બાદ લાંબા સમય સુધી નોકરી ન મળતાં યુવક ભારે માનસિક અને આર્થિક તણાવમાં હતો. આખરે 21 ઓગસ્ટે ટેક્સાસના સેન એન્ટોનિયોમાં તેનું મોત થયું હતું.
કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ બાદ પણ નોકરી માટે સંઘર્ષ
મૂળ હૈદરાબાદના સાઈ પ્રદીપે અમેરિકાની સાઉથ કેરોલિનાની એન્ડરસન યુનિવર્સિટી કોલેજ ઓફ બિઝનેસમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તે અમેરિકામાં જ સારી નોકરી મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, અનેક મહિનાની મહેનત છતાં તેને યોગ્ય રોજગાર મળી શક્યો નહોતો. બીજી તરફ, વિદેશમાં રહેવાના ખર્ચ અને અન્ય આર્થિક જવાબદારીઓને કારણે તેના પર દબાણ વધતું ગયું હતું.
21 ઓગસ્ટે ટેક્સાસમાં દુઃખદ અંત
લાંબા સમયથી ચાલી રહેલી નોકરીની શોધ અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પ્રદીપ ગંભીર તણાવમાં હતો. પરિવારના જણાવ્યા અનુસાર, 21 ઓગસ્ટે સેન એન્ટોનિયો, ટેક્સાસમાં તેણે આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી હૈદરાબાદમાં તેના પરિવાર અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ છે.
મૃતદેહ ભારત લાવવા ફંડરેઝર શરૂ
પ્રદીપના મૃતદેહને અમેરિકા પરથી હૈદરાબાદ પરત લાવવા, અંતિમ સંસ્કાર સહિતના ખર્ચ પૂરા કરવા માટે પરિવાર દ્વારા ફંડરેઝિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેની કઝીન દીપ્તિના જણાવ્યા મુજબ, $35,000નું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં લગભગ $28,000 એકત્ર થઈ ચૂક્યા છે. જરૂરી ખર્ચ બાદ બચેલી રકમ પ્રદીપના માતા-પિતાને આર્થિક સહાય માટે ઉપયોગમાં લેવામાં આવશે.
અમેરિકા જતા પહેલાં એમેઝોનમાં કરી ચૂક્યો હતો કામ
પ્રદીપ 2024માં અમેરિકા ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ત્યાં ગયા બાદ તેણે સ્પેનિશ ભાષા પણ શીખી હતી. તેની LinkedIn પ્રોફાઇલ અનુસાર, અમેરિકા જતા પહેલાં તે હૈદરાબાદમાં એમેઝોન સાથે કામ કરી ચૂક્યો હતો. આ ઘટના વિદેશમાં અભ્યાસ અને કારકિર્દીના સપના સાથે જતા વિદ્યાર્થીઓ સામે ઊભા થતા નોકરી, આર્થિક દબાણ અને એકલતા જેવા પડકારો તરફ પણ ધ્યાન દોરે છે.








