દેશ-વિદેશ

તુર્કિયેમાં ત્રણ ગામોમાં ગોળીબારથી ખળભળાટ, 8 લોકોનાં મોત; ફરાર હુમલાખોર ઝડપાયો

6 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
તુર્કિયેમાં ત્રણ ગામોમાં ગોળીબારથી ખળભળાટ, 8 લોકોનાં મોત; ફરાર હુમલાખોર ઝડપાયો

Turkey Shooting: તુર્કિયેમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ ગામોમાં થયેલા ગોળીબારે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. પશ્ચિમ-મધ્ય તુર્કિયેના અફ્યોનકરાહિસાર પ્રાંતના ઇહસાનિયે જિલ્લામાં આવેલા આયાજિની, કિયિર અને યુકારિતાંદિર ગામોમાં 5 નવેમ્બર, ગુરુવારે એક બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલાઓમાં કુલ 8 લોકોનાં મોત થયાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો અને આરોગ્ય ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

કયા ગામમાં કેટલા લોકોનો ભોગ લેવાયો?
તુર્કિયેની સરકારી સમાચાર એજન્સી એનાડોલુ (AA) અને સ્થાનિક વહીવટીતંત્રના અહેવાલો મુજબ, આયાજિની ગામ નજીક ત્રણ લોકોનાં ગોળી વાગવાથી મોત થયાં હતાં. કિયિર ગામમાં પણ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે યુકારિતાંદિર ગામમાં રસ્તા પર ગોળી વાગેલી હાલતમાં બે મહિલાઓ મળી આવી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ રીતે ત્રણેય સ્થળોએ મળીને મૃત્યુઆંક 8 થયો હતો. આ ઉપરાંત એક અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેની સારવાર ચાલી રહી હતી.

લાલ મિનીવેન છોડીને પગપાળા ભાગ્યો હતો હુમલાખોર
હુમલા બાદ આરોપી લાલ રંગની મિનીવેનમાં ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તુર્કિયેના મીડિયા અહેવાલો અનુસાર, પોલીસ અને સુરક્ષા દળોએ તેની શોધ માટે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એસ્કીશેહિર શહેરની બહારના વિસ્તારમાં કાદવમાં ફસાયેલી લાલ મિનીવેન મળી આવી હતી. આશંકા છે કે વાહન ત્યાં ફસાઈ જતાં આરોપી તેને છોડીને પગપાળા ભાગી ગયો હતો. આ શહેર ગોળીબાર થયેલા વિસ્તારોની ઉત્તરે આશરે 100 કિલોમીટરના અંતરે આવેલું છે.

CCTVમાં રાઇફલ સાથે દેખાયો શંકાસ્પદ
આ ઘટના સાથે જોડાયેલા સીસીટીવી ફૂટેજ પણ તુર્કિયેના મીડિયામાં સામે આવ્યા હતા. તેમાં કાળા રંગનું જેકેટ, સફેદ પેન્ટ અને ચશ્માં પહેરેલો એક શખસ હાથમાં રાઇફલ લઈને લાલ રંગની મિનીવેન પાસે ઊભેલો જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે તપાસકર્તાઓએ આરોપીની હિલચાલ અને તેના વાહન અંગે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે વાહન કબજે લીધા બાદ આરોપીની શોધખોળ વધુ તેજ કરી હતી.

મોટા સર્ચ ઓપરેશન બાદ એસ્કીશેહિરથી આરોપી ઝડપાયો
શરૂઆતમાં આરોપી ફરાર હોવાથી પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી. અફ્યોનકરાહિસાર ઉપરાંત પડોશી પ્રાંતોમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. જોકે, બાદમાં અફ્યોનકરાહિસાર ગવર્નર કાર્યાલયની માહિતી અને આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, આરોપીને પડોશી એસ્કીશેહિર પ્રાંતમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આમ, ત્રણ ગામોમાં ગોળીબાર કરીને ફરાર થયેલો શંકાસ્પદ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

અગાઉના ગોળીબાર સાથે પણ તપાસમાં જોડાણ તપાસાઈ રહ્યું છે
આ હુમલાઓ પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, તપાસકર્તાઓ અફ્યોનકરાહિસાર શહેરના કેન્દ્રમાં અગાઉ બનેલી એક અન્ય ગોળીબારની ઘટનાની કડી પણ તપાસી રહ્યા છે. આ અગાઉની ઘટનામાં કારમાં બેઠેલી એક મહિલાને ગોળી વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્રણ ગામોમાં થયેલા હુમલાઓ અને આ અગાઉની ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં, તે દિશામાં તપાસ ચાલી રહી છે.

હુમલાનું કારણ જાણવા તપાસ ચાલુ
અફ્યોનકરાહિસારના ગવર્નર કાર્યાલયે જણાવ્યું હતું કે આઠ નાગરિકોનાં મોત થયાં છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘટનાની સંપૂર્ણ તપાસ માટે સંબંધિત સરકારી વિભાગો સંકલન સાથે કામ કરી રહ્યા છે. સરકારી વહીવટીતંત્ર અને તપાસ એજન્સીઓ હવે હુમલાનું કારણ, આરોપીની ભૂમિકા અને અગાઉની ઘટનાની સંભવિત કડી અંગે તપાસ કરી રહી છે. એક જ વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ થયેલા આ ગોળીબારે સ્થાનિક લોકોમાં ભય અને શોકનો માહોલ સર્જ્યો છે.

Tags:
આંતરરાષ્ટ્રીય સમાચારતુર્કિયે ક્રાઇમ ન્યૂઝTurkey Latest NewsTurkey Crime Newsએસ્કીશેહિરથી આરોપી ઝડપાયો
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026