Gujarati Family Eating In Flight Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો બે દિવસથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ગુજરાતી પરિવાર ફ્લાઇટની અંદર જ ઘરે બનાવેલું ભોજન ખાતો અને એકબીજાને પ્લેટો પીરસીને વહેંચતો જોવા મળી રહ્યો છે. ઈન્ડિગોની ફ્લાઈટ અંદરનો આ વીડિયો સામે આવતા જ અમુક યૂઝર્સ રોષે ભરાયા હતા અને ફરી સિવિક સેન્સની ચર્ચાઓ શરુ થઈ હતી.
ફ્લાઇટની અંદર બન્યો દેશી ફૂડનો માહોલ
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક જ પરિવારના આશરે 15 જેટલા સભ્યો ફ્લાઈટમાં આસપાસની સીટો પર બેઠા છે. આ દરમિયાન પરિવારની એક મહિલા ઘરેથી લવાયેલા ઢોકળા, થેપલા, સમોસા અને વિવિધ નાસ્તાની ડિશ તૈયાર કરીને પ્લેટો કેબિનમાં એકબીજા સુધી પહોંચાડતી જોવા મળે છે. પ્લેન અંદરનો આ માહોલ જોઈને એવું લાગી રહ્યું છે જાણે તેઓ કોઈ ટ્રેનના કોચમાં બેઠા હોય અને સાથે મળીને ભોજન કરી રહ્યા હોય. જોકે, આ પરિવારે જવાબદારી દર્શાવતા ભોજન કર્યા બાદ તમામ કચરો એક મોટી પ્લાસ્ટિકની બેગમાં એકઠો કર્યો હતો જેથી ફ્લાઈટમાં ગંદકી ન થાય.
સિવિક સેન્સ અને 'નો-ફ્લાય લિસ્ટ' અંગે સોશિયલ મીડિયા પર વિવાદ
આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા યુઝર્સે ફ્લાઈટમાં કેબિન અંદર પ્લેટો લઈને ફરવા અને ઊભા થઈને ખોરાક પીરસવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, "જાહેર પરિવહન અને ખાસ કરીને ફ્લાઈટમાં સિવિક સેન્સ હોવી જરૂરી છે. તીવ્ર સુગંધવાળો ખોરાક અન્ય મુસાફરો માટે અસુવિધા ઊભી કરી શકે છે." જ્યારે અન્ય એક યુઝરે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, "આવા મુસાફરોને નિયમોના ઉલ્લંઘન બદલ થોડા સમય માટે નો-ફ્લાય લિસ્ટ (No-Fly List) માં મૂકી દેવા જોઈએ."
પરિવારના સમર્થનમાં પણ ઉતર્યા લોકો
બીજી તરફ, કેટલાક યુઝર્સે પરિવારનો બચાવ કરતાં કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં સાથે મળીને જમવું એ પ્રેમ અને આત્મીયતાનું પ્રતીક છે. એક યુઝરે સવાલ ઉઠાવ્યો કે, "જ્યારે એરલાઇન પોતે ફ્લાઈટમાં ગરમ ભોજન વેચે છે ત્યારે પણ સુગંધ આવે જ છે, તો પછી હોમમેડ ભારતીય નાસ્તાથી જ કેમ વાંધો ઉઠાવવામાં આવે છે? પરિવારે સફાઈનું ધ્યાન પણ રાખ્યું જ હતું."
હવાઈ મુસાફરી અને સિવિક સેન્સ અંગે વિશેષ માહિતી
ફ્લાઈટમાં હોમમેડ ફૂડ અંગેના નિયમો: ભારતીય એવિએશન નિયમો (DGCA Guidelines) મુજબ, મુસાફરોને પ્લેનમાં સુકો નાસ્તો કે ઘરેથી બનાવેલો ખોરાક સાથે લઈ જવાની છૂટ હોય છે, પરંતુ પ્રવાહી (Liquids) કે ચટણી ચોક્કસ મર્યાદા (100ml)થી વધુ સિક્યોરિટી ચેકમાંથી લઈ જઈ શકાતા નથી.
કેબિન સેફ્ટી અને પેસેન્જર મુવમેન્ટ: ફ્લાઈટ દરમિયાન જ્યારે ટેક-ઓફ, લેન્ડિંગ કે ટર્બ્યુલન્સ (ઉથલપાથલ)ની સ્થિતિ હોય ત્યારે પોતાની સીટ પર બેસીને સીટબેલ બાંધવો ફરજિયાત હોય છે. ફ્લાઈટમાં કારણ વગર એન્સલ (રસ્તા) પર ઊભા રહેવું કે ગીચતા કરવી સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય ગણાતું નથી.
નો-ફ્લાય લિસ્ટ (No-Fly List): ભારતમાં ડીજીસીએ (DGCA) દ્વારા એવા મુસાફરો માટે નો-ફ્લાય લિસ્ટની જોગવાઈ છે જેઓ ફ્લાઈટ અંદર શિસ્તભંગ કરે, ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તણૂક કરે કે અન્ય મુસાફરોની સુરક્ષા જોખમાવે. આવી વ્યક્તિઓ પર ચોક્કસ સમય માટે હવાઈ મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.








