Gujarat Voter List Special Drive 2026: ગુજરાતમાં મતદાર યાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા નાગરિકો અને પહેલીવાર મતદાર બનવા જઈ રહેલા 18-19 વર્ષના યુવાનો માટે ખાસ તક આવી છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, જ્યાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં હવે સતત સુધારણા પ્રક્રિયા હેઠળ વિશેષ મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સુંદીપ સાગળેએ રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરોને આ અંગે જરૂરી આયોજન કરવા સૂચના આપી છે.
કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જાગૃતિ અભિયાન
આ વિશેષ ઝુંબેશ દરમિયાન મતદાર નોંધણી અધિકારી એટલે કે ERO અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી એટલે કે AERO દ્વારા કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં SVEEP અંતર્ગત જાગૃતિ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધાવવાની પ્રક્રિયા અંગે માહિતી આપવા માટે વિવિધ સ્થળોએ બેનરો લગાવવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક સમાચારપત્રો દ્વારા પણ મતદાર નોંધણી અંગે વ્યાપક પ્રચાર કરવામાં આવશે.
આ 4 દિવસ બૂથ પર મળશે ખાસ સુવિધા
મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે રાજ્યમાં ચાર દિવસ ખાસ ઝુંબેશ યોજાશે. આ દિવસોમાં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ડેઝિગ્નેટેડ ઓફિસર અને બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO મતદાન મથકો પર હાજર રહેશે અને નાગરિકો પાસેથી હક્ક-દાવા તથા વાંધા સંબંધિત અરજીઓ સ્વીકારશે.
- 11 ઓક્ટોબર 2026
- 18 ઓક્ટોબર 2026
- 25 ઓક્ટોબર 2026
- 1 નવેમ્બર 2026
માત્ર ફોર્મ-6 ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરી શકાશે
હાલનો સમયગાળો Non-SIR હોવાથી પાત્ર નાગરિકો માટે મતદાર નોંધણી નિયમો, 1960 હેઠળ મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા સરળ રહેશે. પાત્ર વ્યક્તિએ મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે ફોર્મ-6 ભરવાનું રહેશે. ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અથવા 18-19 વર્ષની વયના નવા પાત્ર યુવા મતદારો માટે આ નોંધણી કરાવવાની મહત્વપૂર્ણ તક છે.
અધિકારીઓ દ્વારા બૂથ પર રહેશે સતત દેખરેખ
વિશેષ ઝુંબેશ દરમિયાન કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે જિલ્લા સ્તરે દેખરેખ અને મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવશે. સુપરવાઈઝરો દ્વારા મતદાન મથકોની સતત મુલાકાત લેવામાં આવશે. સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ERO અને AERO દ્વારા પણ જરૂરી સ્થળોએ રેન્ડમ નિરીક્ષણ કરવામાં આવશે.
18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે ખાસ તક
ચૂંટણી તંત્રએ રાજ્યના તમામ પાત્ર નાગરિકોને આ વિશેષ ઝુંબેશનો લાભ લેવા અપીલ કરી છે. ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા યુવાનો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે. સમયસર નોંધણી કરાવવાથી મતદાર યાદીને વધુ અદ્યતન અને સર્વસમાવેશક બનાવવામાં મદદ મળશે. તેથી જે પાત્ર નાગરિકોનું નામ હજુ મતદાર યાદીમાં નથી, તેઓ ઉપર જણાવેલા ચાર દિવસ દરમિયાન પોતાના મતદાન મથકે જઈને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.








