Growing threat of H1N1 in Delhi: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઈન્ફ્લુએન્ઝા અને સ્વાઈન ફ્લૂના વધતા કેસો વચ્ચે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી છે. આ સાથે ડુંગળી અને ખાંડના વધતા ભાવને લઈને પણ સરકાર આગામી રણનીતિ નક્કી કરશે. દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે જણાવ્યું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. આરોગ્ય વિભાગ, MCD, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડના અધિકારીઓ સાથેની બેઠક બાદ તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને જરૂરી દવાઓની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે.
H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના 2,308 કેસ સામેલ
આરોગ્ય મંત્રીએ આપેલી માહિતી મુજબ, દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં ઈન્ફ્લુએન્ઝાના આશરે 3,000 કેસ નોંધાયા છે, જેમાં H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના 2,308 કેસ સામેલ છે. શંકાસ્પદ અને સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલોમાં અલગ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કોઈ હોસ્પિટલ દર્દીને દાખલ કરવાનો ઇનકાર કરશે અથવા બેડ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ મળશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે જણાવ્યું છે કે H1N1 કોઈ નવો વાયરસ નથી. 2009માં પેન્ડેમિક બનેલો આ વાયરસ દર વર્ષે નાના મ્યુટેશન સાથે જોવા મળે છે અને હાલમાં ઈન્ફ્લુએન્ઝા-Aના 97થી 98 ટકા કેસ H1N1ના છે.
ડોક્ટરની સલાહ મુજબ રસીકરણ કરાવવું જોઈએ
ICMR અનુસાર દરેક વ્યક્તિ માટે ફ્લૂની રસી અથવા લેબ ટેસ્ટ કરાવવો જરૂરી નથી. 65 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હાઈ-રિસ્ક દર્દીઓએ ડોક્ટરની સલાહ મુજબ રસીકરણ કરાવવું જોઈએ. ઈન્ફ્લુએન્ઝા વાયરલ ઈન્ફેક્શન હોવાથી સામાન્ય એન્ટિબાયોટિક્સ અસરકારક નથી અને ગંભીર જોખમ ધરાવતા દર્દીઓને જ તબીબી સલાહથી ઓસેલ્ટામિવિર જેવી એન્ટિવાયરલ દવા આપવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 99 ટકાથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી અને તેઓ ઘરે આરામ તથા યોગ્ય સારવારથી સાજા થઈ જાય છે.
ખાનગી શાળાઓ માટે હેલ્થ એડવાઈઝરી જાહેર કરી
દરમિયાન, વિદ્યાર્થીઓમાં H1N1 અને મોસમી ઈન્ફ્લુએન્ઝા અંગે સાવચેતી વધારવા દિલ્હી શિક્ષણ નિયામક કચેરીએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે. શાળાઓને પ્રાર્થના સભા, નોટિસ બોર્ડ, ક્લાસરૂમ અને ડિજિટલ માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફને નિયમિત હાથ ધોવા, ભીડમાં માસ્ક પહેરવા, લક્ષણો ધરાવતા વ્યક્તિથી અંતર રાખવા અને ચહેરાને વારંવાર ન અડવા સલાહ આપવામાં આવી છે. સાથે જ ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ ન લેવા, પૂરતું પાણી પીવા, પૌષ્ટિક આહાર લેવા અને પૂરતો આરામ કરવાની અપીલ કરવામાં આવી છે.








