Goa SIR Voter Deletion Row: ગોવામાં 2026ની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન અંતિમ મતદાર યાદીમાં 97 પાત્ર મતદારોના નામ સામેલ ન થયાની વિગતો સામે આવી છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, સ્થાનિક ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ (EROs)એ દસ્તાવેજો અને વાંધાઓની તપાસ કર્યા બાદ આ મતદારોને યાદીમાં સામેલ કરવા યોગ્ય ગણ્યા હતા, પરંતુ ECINet સિસ્ટમમાં અગાઉના નિર્ણયને રોલબેક કરવાની વ્યવસ્થા ન હોવાથી તેમના નામ અંતિમ યાદીમાં આવી શક્યા નહોતા. ગોવાના CEO સંજય ગોયલે પણ જણાવ્યું હતું કે ERO સ્તરે મતદારોને ફરી સામેલ કરવા માટે ECINetમાં યોગ્ય મિકેનિઝમ હોવો જરૂરી છે.
8 ઈમેઇલ છતાં કાર્યવાહી કેમ ન થઈ?
17 ફેબ્રુઆરી 2026ના રોજ, અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાના ચાર દિવસ પહેલાં, ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારી સંજય ગોયલે ચૂંટણી પંચને 97 મતદારોની યાદી મોકલી હતી. આ તેમનો એક સપ્તાહમાં આઠમો ઈમેઇલ હતો. તેમાં અગાઉના નામ હટાવવાના નિર્ણયો રદ કરીને આ મતદારોને અંતિમ યાદીમાં સામેલ કરવાની વિનંતી કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, આ ફેરફાર ECINet પર દિલ્હી સ્તરેથી જ શક્ય હતો. બીજા જ દિવસે ચૂંટણી પંચના ડેપ્યુટી ઇલેક્શન કમિશનરે IT વિભાગના ડિરેક્ટર જનરલ સીમા ખન્નાને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઈમેઇલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે IT સિસ્ટમ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ERO દ્વારા લેવામાં આવેલા જરૂરી નિર્ણયને અટકાવી શકે નહીં. તેમ છતાં, 21 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી પ્રકાશિત થઈ ત્યારે 97 મતદારોના નામ તેમાં સામેલ નહોતા.
22 જાન્યુઆરીથી ફરિયાદો, પરંતુ જવાબની રાહ
અહેવાલ મુજબ, આ મામલે ફિલ્ડ સ્તરેથી 22 જાન્યુઆરીથી જ વિનંતીઓ મોકલવામાં આવી રહી હતી. 13થી 18 ફેબ્રુઆરી વચ્ચે રોલબેક અથવા દસ્તાવેજો ફરી અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સતત ઈમેઇલ અને પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો. જોકે, સંબંધિત અધિકારીઓ તરફથી સમયસર જવાબ અથવા જરૂરી ટેકનિકલ કાર્યવાહી થઈ ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અંતે અસરગ્રસ્ત મતદારોને નવા મતદાર તરીકે ફરી નોંધણી માટે Form 6 ભરવાની સલાહ આપવામાં આવી હતી.
કોંગ્રેસે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા
આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા જયરામ રમેશે ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી છે. કોંગ્રેસે ECINetની કેન્દ્રીયકૃત વ્યવસ્થાને લઈને પણ આક્ષેપો કર્યા છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ ઘટનાને ગંભીર ગણાવીને ચૂંટણી પંચ પાસેથી જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. આ રાજકીય નેતાઓના આક્ષેપો છે અને ચૂંટણી પંચે તેમના દાવાઓ અંગે અલગથી સ્પષ્ટતા કરી છે.
ECINetના કેન્દ્રીકરણને લઈને અગાઉથી વાંધા
આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ અગાઉ ECINetના કેન્દ્રીકરણ અને રાજ્ય સ્તરના અધિકારીઓની ભૂમિકા અંગે વાંધા ઉઠાવ્યાના અહેવાલો આવ્યા હતા. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, બંને ચૂંટણી કમિશનરોએ 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત કેટલાક નિર્ણયો સામે વાંધો નોંધાવ્યો હતો. જોકે, ચૂંટણી પંચનું કહેવું છે કે કમિશનરો વચ્ચે સામાન્ય મતભેદ હોઈ શકે છે, પરંતુ SIR સહિતના નિર્ણયો સર્વાનુમતે લેવાયા હતા. ગોવાના CEOની સત્તાવાર વેબસાઇટ મુજબ SIR 2026ની અંતિમ મતદાર યાદી 21 ફેબ્રુઆરી 2026એ પ્રકાશિત કરવામાં આવી હતી.








