Gehlot and Sachin Pilot: આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં સર્જાયેલા મોટા રાજકીય ભંગાણના પડઘા હવે અન્ય રાજકીય પક્ષોમાં પણ સંભળાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત - સચિન પાયલટને લઈને આપેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર બાદ જયપુર પરત ફરેલા ગેહલોતે એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “હવે સચિન પાયલોટના બંને પગ કોંગ્રેસમાં છે.” આ નિવેદન માત્ર એક સામાન્ય ટિપ્પણી નહોતું, પરંતુ તે કોંગ્રેસની અંદરની રાજકીય ગતિશીલતાને લઈને મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યું છે. ગેહલોતે વધુમાં જણાવ્યું કે પાયલોટ હવે સંપૂર્ણપણે પાર્ટી સાથે છે અને તેઓ કોંગ્રેસ છોડવાના વિચારોમાંથી બહાર આવી ગયા છે.
સરકાર પાડવા માટે અગાઉ ષડયંત્ર રચાયું હતું
આ નિવેદનનો સીધો સંબંધ આમ આદમી પાર્ટીમાં થયેલા તાજેતરના બળવા સાથે જોડાયો છે, જેમાં સાત રાજ્યસભા સાંસદોએ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. રાજકીય નિષ્ણાતોના મતે, ગેહલોતે આ ઘટના પછી પોતાના પક્ષમાં એકતા દર્શાવવા અને સંદેશ આપવા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું હોઈ શકે છે. ગેહલોતે ભાજપ પર પણ નિશાન સાધતા જણાવ્યું કે, રાજસ્થાનમાં તેમની સરકાર પાડવા માટે અગાઉ ષડયંત્ર રચાયું હતું. તેમણે 'માનેસર પ્રકરણ'નો ઉલ્લેખ કરતાં આરોપ લગાવ્યો કે ભાજપે સચિન પાયલોટને ગેરમાર્ગે દોરીને તેમને અલગ કરવાની કોશિશ કરી હતી. જોકે હવે પાયલોટ પરિસ્થિતિને સમજી ગયા છે અને પાર્ટી સાથે મજબૂત રીતે ઉભા છે, એમ ગેહલોતે કહ્યું.
કોંગ્રેસમાં સમાધાનના સંકેતો આપ્યા હતા
ગેહલોત અને પાયલોટ વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે જાહેરમાં મતભેદો અને શાબ્દિક પ્રહારો પણ જોવા મળ્યા હતા. પરંતુ તાજેતરમાં દિલ્હીમાં બંને વચ્ચે થયેલી મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બંને નેતાઓ હળવી મિજાજમાં વાતચીત કરતા અને હાથ મિલાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાએ કોંગ્રેસમાં સમાધાનના સંકેતો આપ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ હવે એકતા અને સ્થિરતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને જ્યારે અન્ય પક્ષોમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પોતાના નેતાઓ વચ્ચેના મતભેદોને ઘટાડીને સંગઠનને મજબૂત બનાવવા તરફ આગળ વધી રહી છે.








