chhatisgadh champaran Diwali night accident: છત્તીસગઢના ચંપારણ સ્થિત ટીલા એનિકટ પાસે દિવાળીની રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાયપુરથી ઘરે પરત ફરી રહેલા સાહૂ પરિવારની કાર અનિયંત્રિત થઈને મહાનદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પત્રકાર શીતલ સાહૂ, તેમના પત્ની ભારતી અને બે બાળકો વિકાસ તથા પૂર્વાનું દર્દનાક મોત નીપજ્યું છે.
કાર એકાએક કાબૂથી બહાર ગઈ અને સીધી નદીમાં ખાબકી ગઈ
છત્તીસગઢમાં દિવાળીની રાત્રે બનેલી આ ઘટનાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ કાયમ માટે છીનવી લીધી. ઘરમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી અને સ્વજનોને મળવાનો ઉત્સાહ હતો, પરંતુ કોઈને કલ્પના પણ નહોતી કે આ મુસાફરી આખા પરિવારની છેલ્લી મુસાફરી બની રહેશે. રાયપુરથી પોતાના ઘરે પાછા ફરી રહેલા સાહૂ પરિવારની કાર ચંપારણના ટીલા એનિકટ પાસે અચાનક અનિયંત્રિત થઈ ગઈ અને સીધી મહાનદીમાં જઈ પડી. આ ગંભીર અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના બંને બાળકો સહિત ચારેય સભ્યોના મોત થયા છે.
અકસ્માતમાં કારમાં સવાર ચારેય પરિવારજનોના મોત
મળતી માહિતી અનુસાર, સાહૂ પરિવાર દિવાળીની ઉજવણી માટે રાયપુરથી પોતાના ઘરે આવી રહ્યો હતો. મોડી રાત્રે ટીલા એનિકટ નજીક કાર પરથી નિયંત્રણ ગુમાવતાં તે નદીમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર કોઈપણ સભ્ય બચી શક્યા નહીં. આ દુર્ઘટનામાં શીતલ સાહૂ, તેમના પત્ની ભારતી સાહૂ, 19 વર્ષીય પુત્ર વિકાસ સાહૂ અને 21 વર્ષીય પુત્રી પૂર્વા સાહૂનું મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ શીતલ સાહૂ પત્રકાર હતા અને તેમની કાર પર 'મીડિયા એક્ઝિક્યુટિવ' લખેલું હતું. એક સાથે પરિવારના ચાર સભ્યોના મોતના સમાચાર મળતાં જ પસૌદ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
રેસ્ક્યુ કરી ચારેયના મૃતદેહ બહાર કઢાયા
અકસ્માતની માહિતી મળતાં જ ગોબરા નવાપારાની ચંપારણ ચોકી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કારમાંથી ચારેય મૃતદેહો બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે કાર કયા કારણોસર અનિયંત્રિત થઈને નદીમાં ખાબકી. જે દિવાળીના પર્વ પર પરિવારે સાથે મળીને ખુશીઓ વહેંચવાની હતી, તે જ રાત્રે ચારેય લોકોની જિંદગીનો અંત આવી ગયો. આ ઘટનાને પગલે સમગ્ર ગામ ભારે આઘાતમાં સરી પડ્યું છે








