G7 Oil Reserve Release: વૈશ્વિક સ્તરે ઈંધણના વધતા ભાવ અને પુરવઠાની ચિંતાઓ વચ્ચે G7 દેશોએ મોટો નિર્ણય લીધો છે. G7 દેશો આગામી ચાર મહિનામાં પોતાના ઈમરજન્સી રિઝર્વમાંથી કુલ 10 કરોડ (100 મિલિયન) બેરલ ક્રૂડ ઓઈલ અને ફ્યુઅલ પ્રોડક્ટ્સ બજારમાં છોડશે. આ જથ્થામાં ડીઝલ પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને શરૂઆતના 20 દિવસમાં ડીઝલનો મોટો જથ્થો બજારમાં લાવવાની યોજના છે. આ સમગ્ર પ્રક્રિયા ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના સંકલનથી કરવામાં આવશે.
ટ્રમ્પના દબાણ વચ્ચે G7નો નિર્ણય
આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકામાં ઈંધણના ભાવમાં મોટો વધારો થયો છે અને ડીઝલના ભાવને લઈને ચિંતા વધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર તરફથી યુરોપિયન દેશો પર તેમના ઈમરજન્સી ડીઝલ ભંડારમાંથી પુરવઠો બજારમાં લાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે અગાઉ યુરોપિયન દેશો દ્વારા ડીઝલનો પુરવઠો ન વધારવામાં આવે તો અમેરિકાથી ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની શક્યતા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં યુરોપમાં ડીઝલની સપ્લાય પર અસર થવાની ચિંતા હતી. જોકે, બાદમાં ટ્રમ્પે અમેરિકી ડીઝલ નિકાસ પ્રતિબંધની વાતને પાછી ખેંચી હતી.
ચાર મહિનામાં 10 કરોડ બેરલનો જથ્થો
G7ના નિર્ણય મુજબ આગામી ચાર મહિનામાં ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ અને ફ્યુઅલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં ડીઝલનો જથ્થો શરૂઆતના તબક્કામાં જ મોટા પ્રમાણમાં બજારમાં લાવવામાં આવશે, જેથી હાલની સપ્લાયની તંગી અને વધતા ભાવને રાહત મળી શકે. G7 દેશોએ એકબીજા વચ્ચે ઓઈલ અને એનર્જી પ્રોડક્ટ્સની નિકાસ પર પ્રતિબંધ ન મૂકવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. આ પગલાનો હેતુ વૈશ્વિક ઈંધણ બજારમાં સપ્લાય જાળવી રાખવાનો અને ભાવ પરનું દબાણ ઘટાડવાનો છે.
માર્ચમાં પણ 40 કરોડ બેરલ છોડાયા હતા
આ પહેલી મોટી ઈમરજન્સી રિઝર્વ રિલીઝ નથી. માર્ચ 2026માં મધ્ય પૂર્વના યુદ્ધને કારણે વૈશ્વિક ઓઈલ સપ્લાયમાં મોટો વિક્ષેપ સર્જાયા બાદ IEAના 32 સભ્ય દેશોએ ઈમરજન્સી રિઝર્વમાંથી 40 કરોડ બેરલ ઓઈલ બજારમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો હતો. IEA અનુસાર આ સંસ્થાના ઈતિહાસમાં સૌથી મોટો સામૂહિક ઓઈલ સ્ટોક રિલીઝ હતો. હવે G7નો નવો 10 કરોડ બેરલનો નિર્ણય અગાઉના પગલાથી અલગ રીતે ચાર મહિનામાં અમલમાં મૂકવામાં આવશે. જોકે, નવા રિલીઝમાંથી કેટલો જથ્થો અગાઉની માર્ચની સમજૂતી સાથે સીધો સંબંધ ધરાવે છે તે અંગે હજુ સંપૂર્ણ સ્પષ્ટતા નથી.
વૈશ્વિક ઈંધણ બજારને મળી શકે રાહત
G7ના સંકલિત નિર્ણયથી વૈશ્વિક ઈંધણ બજારમાં વધેલી સપ્લાયની ચિંતાઓમાં ઘટાડો થવાની આશા છે. ખાસ કરીને શરૂઆતના તબક્કામાં ડીઝલનો મોટો જથ્થો બજારમાં આવવાથી ડીઝલની અછત અને વધતા ભાવ પર દબાણ ઓછું થઈ શકે છે. જોકે, ક્રૂડ ઓઈલનો વધારાનો જથ્થો તરત જ ડીઝલમાં રૂપાંતરિત થતો નથી. તેને રિફાઈનરીમાં પ્રોસેસ કરવાની જરૂર પડે છે અને રિફાઈનિંગ ક્ષમતા, લોજિસ્ટિક્સ તથા ઉપલબ્ધ ક્રૂડના પ્રકાર જેવા પરિબળો અંતિમ સપ્લાય પર અસર કરશે. તેથી ઈમરજન્સી રિઝર્વ રિલીઝથી બજારમાં કેટલી અને કેટલી ઝડપથી રાહત મળશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.








