Flydubai Flight Cockpit Attack: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા કથિત કોકપીટ હુમલાની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મામલે NIAએ FIR નોંધી છે. કેસમાં એન્ટી-હાઈજેકિંગ એક્ટ, 2016 અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (UAPA)ની સંબંધિત કલમો લગાવવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ગયા મહિને ફ્લાયદુબઈની ફ્લાઇટમાં પાયલટ પર થયેલા હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. આ ઘટના વિમાનની સુરક્ષા સાથે જોડાયેલી હોવાથી તપાસ એજન્સી દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
કોકપીટમાં સહ-પાયલટે છરીથી કર્યો હુમલો
NIA દ્વારા 9 ઓક્ટોબરે નોંધાયેલી FIRનો ઉલ્લેખ કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરના રોજ ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. આ દરમિયાન કોકપીટમાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર તેમના સહ-પાયલટે છરીથી હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
હાઇજેક કે વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ હોવાની આશંકા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક માહિતીમાં આ હુમલો ફ્લાઇટને હાઇજેક કરવા અથવા વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ મામલે અંતિમ તારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
કઈ કલમો હેઠળ નોંધાયો કેસ?
આ કેસમાં બે મહત્ત્વના કાયદા હેઠળ FIR નોંધવામાં આવી છે:
એન્ટી-હાઈજેકિંગ એક્ટ, 2016: વિમાનના અપહરણ અને તેને લગતા ગુનાઓ સામે કાર્યવાહી માટેનો કાયદો.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (UAPA): ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સંબંધિત ગુનાઓ સામે કાર્યવાહી માટેનો કાયદો.
હવે NIA આ સમગ્ર મામલાની તપાસ કરશે. તપાસ દરમિયાન હુમલા પાછળનો હેતુ, ઘટનાની પરિસ્થિતિ અને સંભવિત હાઇજેકિંગના પ્રયાસ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.








