Beggars Category Removed Census: દેશમાં ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહેલી આગામી વસ્તીગણતરી (Census) અનેક માધ્યમોથી ઐતિહાસિક અને ખાસ બની રહેશે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તીગણતરીની પ્રશ્નાવલીમાંથી 'ભિખારી અને રખડતા લોકો' (Beggars and Vagrants) ની અલગ કેટેગરી હટાવી દેવામાં આવી છે. આ સિવાય સ્થળાંતર (Migration), માતા-પિતાના ધર્મ અને ડિજિટલ દસ્તાવેજોના ડેટા એકત્રિત કરવા અંગે પણ અનેક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.
'ગેર-આર્થિક પ્રવૃત્તિ'માંથી કેમ હટાવાઈ આ કેટેગરી?
અત્યાર સુધી યોજાયેલી વસ્તીગણતરીમાં ભિખારીઓ, આશ્રિતો, વિદ્યાર્થીઓ અને પેન્શનરોને 'ગેર-આર્થિક પ્રવૃત્તિ' (Non-economic activity) માં રોકાયેલા લોકોની કેટેગરીમાં ગણવામાં આવતા હતા પરંતુ, આ વખતે તેને 'અન્ય' કેટેગરીમાં સમાવી લેવાશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે, આ કેટેગરીમાંથી અત્યાર સુધી મેળવેલો ડેટા ભરોસાપાત્ર નહોતો. સામાજિક બદનામી અને ક્ષોભના ડરથી મોટાભાગના લોકો ગણતરીકારો સમક્ષ પોતાને ભિખારી તરીકે દર્શાવતા અચકાતા હતા.
2011ની વસ્તીગણતરી: માત્ર 3.8 લાખ લોકોએ પોતાને ભિખારી તરીકે નોંધાવ્યા હતા.
2001ની વસ્તીગણતરી: આ સંખ્યા આશરે 6.3 લાખ હતી.
1991ની વસ્તીગણતરી: આ આંકડો આશરે 5.4 લાખ નોંધાયો હતો.
માઈગ્રેશનના કારણોમાં 'કુદરતી આપદા'નો નવો ઉમેરો
અત્યાર સુધી વસ્તીગણતરી દરમિયાન લોકોના એક સ્થળેથી બીજા સ્થળે જવા (માઈગ્રેશન) પાછળ નોકરી, વ્યવસાય, શિક્ષણ, લગ્ન, જન્મ કે પરિવાર સાથેનું સ્થળાંતર જેવા કારણો દર્શાવવામાં આવતા હતા પરંતુ, હવે તેમાં 'કુદરતી આપદાઓ' (Natural Calamities) ને પણ એક સ્વતંત્ર કારણ તરીકે ઉમેરવામાં આવ્યું છે. આનાથી વાવાઝોડું, પૂર કે ભૂકંપ જેવી આપદાઓને કારણે વિસ્થાપિત થતા નાગરિકોનો સચોટ આંકડો સરકાર મેળવી શકશે.
માતા-પિતા બંનેના ધર્મ અને નાગરિકતાની ચકાસણી
નવા વસ્તીગણતરી ફોર્મમાં 'પિતાની વિગત' અને 'માતાની વિગત' ના અલગ કોલમ જોડવામાં આવ્યા છે, જેમાં તેમની જન્મ તારીખ, સ્થળ અને ધર્મની વિગતો માગવામાં આવશે. આ માહિતી ખાસ કરીને ત્યારે જ ભરવાની રહેશે જ્યારે માતા-પિતા એક જ ઘરમાં રહેતા ન હોય અથવા હયાત ન હોય. આ ડેટા દ્વારા દેશમાં આંતર-ધાર્મિક લગ્નો (Inter-faith marriages) ના ટ્રેન્ડ્સ, ધર્મ પરિવર્તનના ઈતિહાસ અને નાગરિકતા કાયદા હેઠળ યોગ્યતા ધરાવતા નાગરિકોનું વિશ્લેષણ કરવામાં મદદ મળશે.
ડિજિટલ દસ્તાવેજો અને પ્રાઈવસી
આ વખતે વસ્તીગણતરી પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ મોડ (Digital Census) માં યોજાઈ રહી છે. પ્રશ્નાવલીમાં મોબાઈલ નંબર, આધાર, વોટર આઈડી અને પાસપોર્ટ નંબર જેવી વિગતો પણ સ્વૈચ્છિક રીતે પૂછવામાં આવશે. ગણતરી કરનાર કર્મચારીઓને નાગરિકોનો વિશ્વાસ જીતવા ખાસ તાલીમ આપવામાં આવી છે કે આ તમામ ડેટા સંપૂર્ણપણે ગોપનીય (Confidential) રહેશે. જો કોઈ નાગરિક અંગત સુરક્ષા કે પ્રાઈવસીના કારણે આ આઈડી નંબર આપવા ન ઈચ્છે, તો તે કોલમ ખાલી છોડી શકાશે. આ ખાલી ફીલ્ડ્સ પરથી સરકારને એ સમજવામાં મદદ મળશે કે દેશના નાગરિકો કયા દસ્તાવેજની માહિતી શેર કરવામાં સૌથી વધુ અચકાય છે.








