Indian Air Force 94th Air Force Day Su-30MKI BrahMos Integration: ભારતીય વાયુસેનાના 94મા એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેઝ પર આયોજિત ભવ્ય પૂર્વભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેનાએ પોતાની અજોડ સૈન્ય ક્ષમતા અને ઓપરેશનલ સજ્જતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. આ પરેડ અને એર શો દરમિયાન સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ 'બ્રહ્મોસ'થી લેસ સુખોઈ Su-30MKI ફાઇટર જેટનો પ્રથમ એક્સક્લુઝિવ વીડિયો અને તસવીરો સામે આવી છે. આકાશમાં સુખોઈ અને બ્રહ્મોસની એકીકૃત શક્તિ જોઈને સરહદ પાર પાકિસ્તાન અને ચીનના સૈન્ય છાવણીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઓપરેશન સિંદૂરમાં દુશ્મન દેશના આતંકી અડ્ડાઓ પર કાળ બનીને ત્રાટકેલું સુખોઈ-બ્રહ્મોસ કોમ્બિનેશન
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલા સંવેદનશીલ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન આ જ Su-30MKI અને બ્રહ્મોસ મિસાઇલના ઘાતક કોમ્બિનેશને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ અને વ્યૂહાત્મક એરબેઝ પર ભારે તબાહી મચાવી હતી. બ્રહ્મોસ એર-લોન્ચ મિસાઇલની રેન્જ આશરે 400 કિલોમીટર જેટલી છે અને તે 'ફાયર એન્ડ ફોરગેટ' ટેકનોલોજી પર કામ કરે છે. આ સિસ્ટમ હેઠળ દુશ્મના લોકેશનને લોક કર્યા બાદ મિસાઇલ છોડતાં જ તે સ્વચાલિત રીતે અત્યંત ચોક્કસાઈથી ટાર્ગેટને નાશ કરે છે.
રફાલ, તેજસ અને આકાશ મિસાઇલ સિસ્ટમનું શાનદાર એર શો ડિસ્પ્લે
હિંડન એરબેઝ પર યોજાયેલા આ શક્તિપ્રદર્શનમાં સુખોઈ ઉપરાંત ભારતીય વાયુસેનાના મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ 'રફાલ'એ પણ પોતાની તાકાત બતાવી હતી. રફાલ જેટમાં સ્કેલ્પ, માઈકા અને મેટોર જેવી લાંબા અંતરની ઘાતક મિસાઇલો સજ્જ હતી. આ સિવાય ભારત સરકારના 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ સ્વદેશી ટેકનોલોજીથી બનેલી આકાશ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ, હળવા લડાયક હેલિકોપ્ટર 'પ્રચંડ', સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ 'તેજસ' અને રોહિણી રડાર સિસ્ટમનું પણ આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Su-30MKIની અદભુત તકનીકી ક્ષમતાઓ અને સુપરમાનોવરેબિલિટી
સુખોઈ Su-30MKI ભારતીય વાયુસેનાના ફ્લીટનું સૌથી ભારે અને મજબૂત લડાયક વિમાન છે. આ જેટમાં AL-31FP એન્જિન સાથે થ્રસ્ટ-વેક્ટરિંગ કંટ્રોલ અને કેનાર્ડ્સ ટેકનોલોજી છે, જેના કારણે તે હવામાં અત્યંત ઝડપથી પોતાની દિશા બદલી શકે છે. મિડ-એર રિફ્યુઅલિંગ વિના આ વિમાન 3,000 કિલોમીટર સુધીનો મોટો ઓપરેશનલ એરિયા કવર કરી શકે છે. સુખોઈમાં 12 હાર્ડ પોઇન્ટ્સ આવેલા છે, જે 8 ટન સુધીના હથિયારો ઊંચકી શકે છે. આ હથિયારોમાં સ્વદેશી 'અસ્ત્ર' મિસાઇલ, રશિયન R-77/R-73 અને ભારે બ્રહ્મોસ મિસાઇલનો સમાવેશ થાય છે.
11 અબજ ડોલરનો 'સુપર સુખોઈ' અપગ્રેડ પ્રોગ્રામ અને નવું એન્જિન
ભારત પોતાના સુખોઈ ફ્લીટને 4.7-જનરેશન સ્ટાન્ડર્ડ સુધી અપગ્રેડ કરવા માટે 11 અબજ ડોલરના વિશાળ આધુનિકીકરણ કાર્યક્રમ પર ઝડપથી કામ કરી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 84 જેટ્સને અપગ્રેડ કરવામાં આવશે. હાલમાં રશિયાએ આ અપગ્રેડ પ્રોગ્રામ માટે પોતાના અદ્યતન 'Izdeliye 177S' એન્જિનની સત્તાવાર ઓફર કરી છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે વધારાના જેટ્સ બનાવવા કરાર કર્યા છે, જેમાં સ્વદેશી સ્પેરપાર્ટ્સનું પ્રમાણ વધારીને 78% સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
દુશ્મનને ગેરમાર્ગે દોરવા માટે ફોરવર્ડ એરફિલ્ડ્સ પર 'ઇન્ફ્લેટેબલ ડિકોય' ની તૈનાતી
યુદ્ધ અને કટોકટીના સમયે દુશ્મના રડાર અને મિસાઇલ હુમલાથી પોતાના અસલી એરક્રાફ્ટ સંપત્તિઓને સુરક્ષિત રાખવા માટે ભારતીય વાયુસેનાએ ફોરવર્ડ એરફિલ્ડ્સ પર હાઇ-ફિડેલિટિ 'ઇન્ફ્લેટેબલ ડિકોય'એટલે કે બનાવટી સુખોઈ મોડેલ્સ તૈનાત કર્યા છે. આ બનાવટી પ્લેન સેટેલાઇટ અને ડ્રોન ઇમેજિંગમાં અસલી પ્લેન જેવા જ દેખાય છે, જેથી યુદ્ધમાં દુશ્મન પક્ષ ગેરમાર્ગે દોરાઈને પોતાના મોંઘા હથિયારો વ્યર્થ વેડફી દે છે અને ભારતના વાસ્તવિક એસેટ્સ સુરક્ષિત રહે છે.








