Supreme Court: મોબાઇલ-માઇક લઈને ફરનારા દરેક વ્યક્તિ પત્રકાર છે? આ પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટ વિચાર કરશે. કોર્ટ એ પણ જોશે કે પ્રદર્શનની કવરેજ દરમિયાન માન્યતા પ્રાપ્ત પત્રકારોને સોશિયલ મીડિયા ક્રિએટર્સની સરખામણીએ વધુ સુરક્ષા મળવી જોઈએ કે નહીં? આ મામલો નવી દિલ્હીમાં 10 અને 11 ઓક્ટોબરે થયેલા વિરોધ પ્રદર્શનની કવરેજ સાથે જોડાયેલો છે. આ દરમિયાન સાત પત્રકારોની અટકાયત કરવામાં આવી હતી, તેમની સાથે મારપીટ કરવી અને રિપોર્ટિંગમાં ખલેલ પહોંડવાનો આરોપ લાગ્યો હતો.
પત્રકારો સાથે કથિત ગેરવર્તણૂક
આ આરોપોને લઈને દિલ્હી યુનિયન ઑફ જર્નાલિસ્ટ, કેરળ યુનિયન ઑફ વર્કિંગ જર્નાલિસ્ટ, સ્વતંત્ર પત્રકાર પરંજૉય ગુહા ઠાકુરતા સહિત અનેક સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં પત્રકારો સાથે થયેલી કથિત ગેરવર્તણૂક અને અટકાયતનો મામલો ઉઠાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનાની તપાસ પૂર્વ ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડીની અધ્યક્ષતાવાળી ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિને સોંપી દીધી છે. સમિતિ પત્રકારો સાથે થયેલી કથિત ઘટના સાથે જોડાયેલા તથ્યોની તપાસ કરશે.
કયા પત્રકારોને મળશે વિશેષ અધિકાર?
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે પત્રકારોની કાનૂની ઓળખના મુદ્દા પર સૈદ્ધાંતિક રૂપે વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ જૉયમાલ્ય બાગચીએ કહ્યું કે, કોર્ટ આ સવાલ પર વિચાર કરશે કે પ્રદર્ન અથવા ભીડ વચ્ચે રિપોર્ટિંગ કરનાર પત્રકારોને કાયદા લાગુ કરનારી એજન્સીઓની સરખામણીએ કોઈ વિશેષ અધિકાર મળવા જોઈએ કે નહીં. આ મામલે પત્રકારિતાની સ્વતંત્રતા સાથે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાનો મુદ્દો પણ જોડાયેલો છે. કોર્ટે આ બંને વચ્ચે સંતુલન પર વિચાર કરવો પડશે.
પત્રકાર અને કોન્ટેન્ટ ક્રિએટર વચ્ચે શું ફરક?
ગત સુનાવણી દરમિયાન કોર્ટે પત્રકારો અને કોન્ટેન્ટ ક્રિએટર્સ વચ્ચે અંતર પર ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ બાગચીએ 'વર્કિંગ જર્નાલિસ્ટ એક્ટ'ને ટાંકતા સુરક્ષાના સંભવિત સ્તરોનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં PIB અથવા સરકાર પાસે માન્યતા પ્રાપ્ત પત્રકાર, નોંધાયેલ મીડિયા સંસ્થાનોમાં કામ કરનાર રિપોર્ટર, સ્વતંત્ર અથવા ફ્રીલાન્સ પત્રકાર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને રીલ બનાવનાર સામેલ છે.
દિલ્હી પોલીસે શું કહ્યું?
દિલ્હી પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને રીલ બનાવનાર વ્યવસાયિક પત્રકારોથી અલગ શ્રેણીમાં મૂકવું જોઈએ. પોલીસનું કહેવું છે કે, આજે દરેકની પાસે માઇક અથવા મોબાઇલ કેમેરો છે. એવામાં પ્રદર્શન દરમિયાન અસલી પત્રકારો અને ભીડમાં સામેલ થઇને નારાબાજી કરનારા લોકો વચ્ચે ભેદ કરવો મુશ્કેલ થઈ જાય છે. પોલીસે સ્પષ્ટ કર્યું કે, સુરક્ષા પ્રોટોકોલ વ્યવસાયિક પત્રકારો માટે છે. જેનો લાભ એવા લોકોને ન મળવો જોઈએ જે પકડાયા બાદ ખુદને પત્રકાર જણાવે છે.








