Supreme Court of India: ભારતની સુપ્રીમ કોર્ટે કર્નલ સોફિયા કુરેશી અંગે કરાયેલી અપમાનજનક ટિપ્પણીના મામલે કુંવર વિજય શાહ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે મધ્યપ્રદેશ સરકારને ચાર અઠવાડિયામાં મંત્રી સામે કેસ ચલાવવાની મંજૂરી અંગે અંતિમ નિર્ણય લેવા આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “Enough is enough, હવે આ મામલે નિર્ણય લો અને પાલનનો અહેવાલ રજૂ કરો.”
કાર્યવાહી કરવાની મંજૂરી માગી છે
આ સમગ્ર વિવાદની શરૂઆત 12 મે, 2025ના રોજ થઈ હતી. મઉમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન મંત્રી વિજય શાહે નિવેદન આપ્યું હતું કે ભારતે પહેલગામ આતંકી હુમલાના જવાબદારોને “તેમની જ બહેન” દ્વારા પાઠ ભણાવ્યો છે. જોકે તેમણે સીધું કોઈ નામ લીધું નહોતું, પરંતુ વિરોધ પક્ષો અને ખાસ કરીને કોંગ્રેસે આરોપ લગાવ્યો કે તેમનો સંકેત ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ચર્ચામાં આવેલી કર્નલ સોફિયા કુરેશી તરફ હતો. આ નિવેદન બાદ રાજકીય અને સામાજિક સ્તરે ભારે વિવાદ ઉભો થયો હતો. આ મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કરાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ જણાવ્યું કે મંત્રીને આવી વિવાદાસ્પદ નિવેદનબાજી કરવાની ટેવ છે. SITએ તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196 હેઠળ, જે કોમી દ્વેષ ફેલાવવાના ગુનાને લગતી છે, કાર્યવાહી કરવાની મંજૂરી માગી છે. સુનાવણી દરમિયાન મંત્રી તરફથી વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે દલીલ કરી કે વિજય શાહે બીજા જ દિવસે પોતાના નિવેદન માટે માફી માંગી લીધી હતી. સાથે જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કોર્ટમાં રજૂઆત કરી કે મંત્રીનો આશય કર્નલની પ્રશંસા કરવાનો હોઈ શકે છે, પરંતુ શબ્દોની પસંદગીમાં ભૂલ થઈ ગઈ હતી.
FIR નોંધવાનો આદેશ આપ્યો હતો
જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલોને સ્વીકારી નહોતી. ચીફ જસ્ટિસે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે રાજકીય નેતાઓ પોતાના શબ્દો માટે જવાબદાર હોય છે. જો ખરેખર જીભ લપસી ગઈ હોત, તો તરત જ સ્પષ્ટ અને જાહેર માફી માંગવામાં આવી હોત. કોર્ટે વધુમાં કહ્યું કે માત્ર પત્ર લખીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરવો પૂરતો નથી અને કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. આ પહેલા મધ્યપ્રદેશ હાઇકોર્ટે આ મામલે સ્વપ્રેરિત રીતે (સૂઓમોટો) કાર્યવાહી શરૂ કરીને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વિજય શાહે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને અંતિમ નિર્ણય લેવા માટે સમયમર્યાદા આપતાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મામલાને વધુ લાંબો સમય ખેંચવામાં નહીં આવે.








