Election Commission Controversy: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશી વચ્ચે મતભેદોના અહેવાલો સામે આવ્યા બાદ હવે ઉત્તર પ્રદેશનો એક સત્તાવાર પ્રવાસ પણ ચર્ચામાં આવ્યો છે. અહેવાલ મુજબ, જ્ઞાનેશ કુમારનો મેરઠ અને વારાણસીનો નિર્ધારિત પ્રવાસ 21 સપ્ટેમ્બરે જ રદ કરવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ 23 સપ્ટેમ્બરે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં ચૂંટણી પંચની આંતરિક કામગીરી અંગે અહેવાલ પ્રકાશિત થયા પહેલાંનો છે.
21 સપ્ટેમ્બરે જ કાર્યક્રમ મોકૂફ રખાયો
જ્ઞાનેશ કુમારનો 25 સપ્ટેમ્બરે મેરઠ અને 28 સપ્ટેમ્બરે વારાણસીમાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. તેમાં Gen-Z યુવાનો સાથે સંવાદનો કાર્યક્રમ પણ સામેલ હતો. જોકે, અહેવાલ મુજબ 21 સપ્ટેમ્બરે જ સ્થાનિક સ્તરે કાર્યક્રમની તૈયારીઓ રોકી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલય તરફથી પણ 21 સપ્ટેમ્બરની તારીખવાળા સંદેશમાં કાર્યક્રમ મોકૂફ રાખવાની માહિતી આપવામાં આવી હતી.
ચૂંટણી પંચના બે કમિશનરોએ 14 વખત વાંધા ઉઠાવ્યા હોવાનો અહેવાલ
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ની તપાસ મુજબ, ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ચૂંટણી પંચના વિવિધ નિર્ણયો અને આદેશો સામે ઓછામાં ઓછા 14 વખત લેખિત વાંધા નોંધાવ્યા હતા. આ વાંધાઓમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા-કાઢવા, Form 6માં ફેરફાર, SIR દરમિયાન મતદાર યાદીની કામગીરી અને ચૂંટણી ડેટાબેઝની ઍક્સેસને કેન્દ્રીયકૃત કરવા જેવા મુદ્દાઓ સામેલ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અહેવાલ મુજબ, કેટલાક પ્રસંગોએ બંને કમિશનરોએ આ નિર્ણયોને તેમની જાણકારી અથવા મંજૂરી વિના લેવાયેલા ગણાવ્યા હતા. જોકે, આ અહેવાલમાં કરવામાં આવેલા દાવાઓ અંગે ચૂંટણી પંચે કહ્યું છે કે મલ્ટી-મેમ્બર સંસ્થામાં આંતરિક નોંધો અને સૂચનો સામાન્ય નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને છેલ્લા 10 મહિનામાં લેવાયેલા નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા.
અહેવાલ બાદ રાજકીય ગરમાવો
ચૂંટણી પંચની આંતરિક કામગીરી અંગેના અહેવાલો સામે આવ્યા બાદ વિપક્ષી પક્ષોએ CEC જ્ઞાનેશ કુમારની ભૂમિકા અને ચૂંટણી પંચની પારદર્શિતા અંગે સવાલો ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે વર્તમાન CECના કાર્યકાળ દરમિયાન આગામી ચૂંટણી ન યોજવાની માંગ કરી છે. બીજી તરફ, કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓએ પણ ચૂંટણી પંચની કામગીરી અંગે જવાબદારી અને પારદર્શિતાની માગ કરી છે.
ચૂંટણી પંચે આંતરિક વિવાદના દાવાને અલગ રીતે રજૂ કર્યો
ચૂંટણી પંચે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ બાદ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બે ચૂંટણી કમિશનરોની આંતરિક નોંધોને અલગથી રજૂ કરવાથી સમગ્ર નિર્ણય પ્રક્રિયાનું એક જ પાસું સામે આવે છે. પંચના જણાવ્યા મુજબ, SIR સહિતના તમામ નિર્ણયો ત્રણેય કમિશનરોની મંજૂરીથી અને સર્વસંમતિથી લેવાયા છે. જોકે, ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ની તપાસમાં 14 લેખિત વાંધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પંચે આ નોંધોના અસ્તિત્વ, તારીખો અથવા સામગ્રીને નકારી નથી. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે જ્ઞાનેશ કુમારનો ઉત્તર પ્રદેશ પ્રવાસ 21 સપ્ટેમ્બરે જ રદ થવો અને તેના બે દિવસ બાદ ચૂંટણી પંચની આંતરિક કામગીરી અંગે વિગતવાર અહેવાલ સામે આવવો હવે ચર્ચાનો વિષય બન્યો છે.








