Ecuador Church Accident: દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ચર્ચમાં પ્રેયર અને પ્રવચન દરમિયાન એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પાદરી ફાધર પેટ્રિસિયો અલ્ફ્રેડો સાંચેઝ મોલીનારી પ્રવચન આપી રહ્યા હતા ત્યારે દીવાલ પર લગાવેલો ભારે લાકડાનો ક્રોસ અને ઈસુ ખ્રિસ્તની મૂર્તિ અચાનક તેમની ઉપર પડ્યાં હતાં. આ ઘટનામાં પાદરીનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના ચર્ચના ઓનલાઈન લાઇવ પ્રસારણમાં રેકોર્ડ થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે અકસ્માતના થોડા સમય પહેલાં જ પાદરીએ પ્રવચનમાં કહ્યું હતું કે એક દિવસ આપણે સૌએ મરવાનું છે.
પ્રવચન દરમિયાન અચાનક પાદરી પર પડ્યો ક્રોસ
અહેવાલો અનુસાર, આ દુર્ઘટના 17 ઓક્ટોબરે ઇક્વાડોરના દરિયાકાંઠાના બંદર શહેર ગ્વાયાકિલમાં આવેલા અવર લેડી ઑફ પરપેચ્યુઅલ હેલ્પ ચર્ચમાં બની હતી. અહીં ફાધર પેટ્રિસિયો અલ્ફ્રેડો સાંચેઝ મોલીનારી શ્રદ્ધાળુઓને સંબોધીને પ્રવચન આપી રહ્યા હતા. આ દરમિયાન ચર્ચની દીવાલ પર લગાવેલો મોટો લાકડાનો ક્રોસ અને તેની સાથે રહેલી ઈસુ ખ્રિસ્તની મૂર્તિ અચાનક નીચે પડ્યાં હતાં. ક્રોસ સીધો પાદરીના માથા પર પડતાં તેઓ તેની નીચે દબાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
ઓનલાઈન પ્રાર્થનાના પ્રસારણમાં કેદ થઈ ઘટના
ચર્ચમાં પ્રાર્થનાનું ઓનલાઈન લાઇવ પ્રસારણ ચાલી રહ્યું હતું. અહેવાલો અનુસાર, પ્રસારણ શરૂ થયાના આશરે 27 મિનિટ બાદ આ દુર્ઘટના બની હતી. કેમેરામાં પાદરીનું પ્રવચન અને ત્યારબાદ ક્રોસ પડવાની ઘટના કેદ થઈ ગઈ હતી. ક્રોસ પડતાં જ ચર્ચમાં હાજર લોકો પાદરીની મદદ માટે દોડી આવ્યા હતા. તેમને બચાવવા માટે તાત્કાલિક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, ચર્ચના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી મેડિકલ સ્ટાફના પ્રયાસો છતાં પાદરીનો જીવ બચાવી શકાયો નહોતો.
‘એક દિવસ આપણે સૌએ મરવાનું છે’, પાદરીના શબ્દો ચર્ચામાં
આ દુર્ઘટનાને કારણે પાદરીના પ્રવચનનો એક ભાગ પણ ચર્ચામાં આવ્યો છે. અહેવાલો મુજબ, ઘટનાના થોડા સમય પહેલાં ફાધર સાંચેઝે સ્પેનિશ ભાષામાં કહ્યું હતું, ‘ટોડોસ વૈમોસ એ મોરિર’ (Todos vamos a morir). તેનો અર્થ થાય છે, ‘એક દિવસ આપણે સૌએ મરવાનું છે.’ પ્રવચન દરમિયાન તેમણે જીવનમાં સમયનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે નાની-નાની બાબતો પાછળ સમય વેડફવા કરતાં ઈશ્વર અને પોતાના પ્રિયજનો સાથે સમય વિતાવવો વધુ અર્થપૂર્ણ બની શકે છે. પાદરીના આ શબ્દો અને ત્યારબાદ બનેલી દુર્ઘટનાના કારણે આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.
ક્રોસ પડવાનું કારણ શું હતું?
ચર્ચના જણાવ્યા અનુસાર, દીવાલ પર લગાવેલો ભારે ક્રોસ અચાનક નીચે પડવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક આશંકા મુજબ, ક્રોસને દીવાલ સાથે જોડવા માટે ઉપયોગમાં લેવાયેલા માઉન્ટિંગ ફિક્સચરમાં ખામી હોઈ શકે છે. હાલ સ્થાનિક પ્રશાસન દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ક્રોસ પડવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.








