Africa Forum Summit Postponed: આફ્રિકા ખંડમાં ઝડપથી ફેલાઈ રહેલા જીવલેણ ઇબોલા વાયરસની અસર હવે વૈશ્વિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો પર પણ દેખાવા લાગી છે. આ ગંભીર આરોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતમાં યોજાનારી ચોથી 'ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ' હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલય અને આફ્રિકન યુનિયન વચ્ચે થયેલી ચર્ચા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
નાગરિકોની સુરક્ષા અને આરોગ્ય સૌથી પ્રથમ પ્રાથમિકતા
આ સમિટ આગામી 28થી 31મી મે દરમિયાન નવી દિલ્હીમાં યોજાવાની હતી. તેમાં આફ્રિકાના 40થી વધુ દેશોના વડાઓ, મંત્રીઓ અને અનેક પ્રતિનિધિઓ ભાગ લેવાના હતા, પરંતુ ઇબોલાના વધતા જોખમ અને જનસ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભારત સરકારે સાવચેતીના ભાગરૂપે સમિટ હાલ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે, દેશના નાગરિકોની સુરક્ષા અને આરોગ્ય સૌથી પ્રથમ પ્રાથમિકતા છે.
2015ની બેઠકમાં PM મોદીએ પણ ભાગ લીધો હતો
ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે આ સમિટ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. લગભગ દસ વર્ષ બાદ આ પ્રકારની ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની હતી. અગાઉ 2008, 2011 અને 2015માં આ સમિટનું આયોજન થયું હતું. 2015ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ વર્ષની બેઠકમાં વેપાર, આરોગ્ય, ટેકનોલોજી અને વિકાસ જેવા ક્ષેત્રોમાં ભારત-આફ્રિકા સહકાર માટે નવી દિશા નક્કી થવાની હતી.
આંતરરાષ્ટ્રીય પ્રવેશ બિંદુઓ પર વિશેષ એલર્ટ જાહેર
ઇબોલાના જોખમ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના તમામ એરપોર્ટ, બંદરો અને આંતરરાષ્ટ્રીય પ્રવેશ બિંદુઓ પર વિશેષ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનને 'હાઇ રિસ્ક' દેશોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ દેશોમાંથી ભારત આવતા અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ કરીને પહોંચતા મુસાફરો માટે ખાસ સ્ક્રીનિંગ અને હેલ્થ ચેકની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ, આવા મુસાફરોએ એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયા પહેલાં હેલ્થ ઓફિસર અથવા હેલ્થ ડેસ્કને પોતાની મુસાફરીની માહિતી આપવી ફરજિયાત રહેશે. સરકાર દ્વારા મુસાફરોને સાવચેતી રાખવા અને કોઈ પણ લક્ષણ જણાય તો તરત તબીબી સલાહ લેવા સૂચના આપવામાં આવી છે.
સંબંધિત દેશોને ભારત તબીબી સહાય, દવાઓ અને અન્ય જરૂરી મદદ આપવા માટે તૈયાર
ઇબોલા એક ગંભીર અને ઝડપથી ફેલાતો વાયરસ છે. તેના મુખ્ય લક્ષણોમાં ઊંચો તાવ, ભારે થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ઉલ્ટી, ડાયેરિયા, ગળામાં સોજો અને કેટલીક ગંભીર પરિસ્થિતિમાં શરીરમાંથી લોહી વહેવું સામેલ છે. સમયસર સારવાર ન મળે તો આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે. સમિટ મોકૂફ રાખવામાં આવી હોવા છતાં ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આફ્રિકાના દેશો સાથે તેનો સહયોગ યથાવત રહેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ઇબોલાને નિયંત્રણમાં લેવા માટે આફ્રિકા સીડીસી અને સંબંધિત દેશોને ભારત તબીબી સહાય, દવાઓ અને અન્ય જરૂરી મદદ આપવા માટે તૈયાર છે.








