Goa CM Pramod Sawant On E20 Petrol Complaint: E20 પેટ્રોલને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે ગોવા સરકારે વિધાનસભામાં મહત્વનું નિવેદન આપ્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મંગળવારે, 1 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે રાજ્યમાં E20 પેટ્રોલના ઉપયોગ બાદ અત્યાર સુધી ગ્રાહકો, વાહન માલિકો, ઓટોમોબાઈલ એસોસિએશન અથવા ગેરેજ તરફથી કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. જો, કે તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વાહન માલિકને E20 પેટ્રોલના ઉપયોગ બાદ ગાડીની કામગીરી, માઈલેજ અથવા અન્ય કોઈ સમસ્યા જણાય તો તે નાગરિક પુરવઠા વિભાગમાં ફરિયાદ નોંધાવી શકે છે.
E20થી ગાડી બગડે કે માઈલેજ ઘટે તો અહીં કરો ફરિયાદ
વિધાનસભામાં ધારાસભ્યો વેન્ઝી વેગાસ, વિજય સરદેસાઈ અને ક્રુઝ સિલ્વાએ E20 પેટ્રોલનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખાસ કરીને 2023 પહેલાં બનેલા વાહનોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ધારાસભ્યોના જણાવ્યા મુજબ, આવા વાહનોમાં E20 પેટ્રોલના ઉપયોગથી માઈલેજમાં ઘટાડો, વાહનની કામગીરીમાં અસર અને જાળવણી ખર્ચમાં વધારો થઈ શકે છે. ટેક્સી ડ્રાઈવરો અને બાઈકચાલકો પર પણ તેની અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શું કહ્યું?
પ્રમોદ સાવંતે જણાવ્યું કે E20 પેટ્રોલ કેન્દ્ર સરકારની નીતિ હેઠળ આવે છે અને ગોવામાં વર્ષ 2023થી તેનો અમલ થઈ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં E20 પેટ્રોલને લઈને કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. જો, કે તેમણે નાગરિક પુરવઠા વિભાગને ફરિયાદો પર નજર રાખવા, પરિસ્થિતિની તપાસ કરવા અને જરૂર પડે ત્યારે પેટ્રોલના નમૂનાનું પરીક્ષણ કરવા સૂચના આપી છે.
ગોવામાં 157 પેટ્રોલ પંપ પર મળે છે E20
સરકારના લેખિત જવાબ મુજબ, ગોવામાં ત્રણ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા E20 પેટ્રોલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના કુલ 157 રિટેલ આઉટલેટ્સ પર E20 પેટ્રોલનો સપ્લાય કરવામાં આવે છે. સરકારે જણાવ્યું છે કે E20 ઇંધણની સલામતી અને કામગીરી અંગે ARAI, SIAM, IOCL અને IIP સહિતની સંસ્થાઓ દ્વારા અભ્યાસ અને ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવ્યા છે.
માઈલેજમાં 3થી 5 ટકાનો ઘટાડો થઈ શકે
મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે E10 પેટ્રોલ માટે ડિઝાઇન કરવામાં આવેલા વાહનોમાં E20 ઇંધણનો ઉપયોગ કરવામાં આવે તો માઈલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ, આવા વાહનોમાં લગભગ 3થી 5 ટકા સુધી માઈલેજ ઘટી શકે છે. સાથે જ તેમણે જણાવ્યું કે E20 પર ચાલતા વાહનોની વોરંટી પર કોઈ અસર નહીં થાય.
ફરિયાદ મળશે તો સરકાર કરશે તપાસ
ગોવા સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ E20 પેટ્રોલને લઈને રાજ્યમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જોકે, ભવિષ્યમાં વાહન માલિકોને માઈલેજ, વાહનની કામગીરી અથવા અન્ય સમસ્યા જણાય તો તેઓ નાગરિક પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી શકશે. ફરિયાદ મળ્યા બાદ સરકાર દ્વારા મામલાની તપાસ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ ઇંધણના પરીક્ષણ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.








